અન્યાય:સરકારે જકાતનાબૂદી બાદ સુરતને 14 વર્ષના રૂ. 15 હજાર કરોડ ચુકવ્યા નથી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 મંત્રીઓ, શાસક પક્ષના પ્રદેશ પ્રમુખ સુરતના, 12 ધારાસભ્યો હોવા છતાં અન્યાય
  • 10 ટકા પણ ગ્રોથ રેટ ગણો તો વર્ષે 1898 કરોડ મળવા જોઈએ, જેની સામે મળે છે 720 કરોડ

જકાત ગયા બાદથી મહાપાલિકા ની આર્થિક સદ્ધરતા પણ જતી રહી છે, સરકારની ગ્રાન્ટ પર જ તંત્ર આધારિત થઈ ને રહી ગયું છે ગ્રાન્ટ માટે પાલિકાએ વારેવારે હાથ ફેલાવવા પડી રહ્યાં છે.! વર્ષ 2007થી જકાત બંધ કરી દેવાઇ ત્યારથી અત્યાર સુધીમાં 14 વર્ષ વિત્યા છે પરંતુ મિનિમમ‌ 10 ટકા ગ્રોથ રેટ મુજબ પણ ગણાય તો પાલિકા ને દર વર્ષે મળવા પાત્ર રૂપિયા 1898 કરોડ રકમ થાય, પરંતુ તેની સામે માત્ર રૂપિયા 720 કરોડ જ આપી અન્યાય થતો આવ્યો છે.જકાત 2007થી નાબૂદ થઇ ત્યારે પાલિકા ને વાર્ષિક રૂપિયા 480 કરોડથી વધુ જકાતમાં આવક આવતી હતી.

સરકારે ગ્રાન્ટ બંધ કરી ગ્રાન્ટના અવેજ તરીકે પાલિકા ને મહીને 40 કરોડ ગ્રાન્ટ નો હપ્તો ચાલું કર્યો હતો. ત્યાર બાદ દર વર્ષે ગ્રોથ રેટ પ્રમાણે વધારો જ કરવામાં આવ્યો ન હતો, પરંતુ છેક 2012-13 માં માંડ 46 કરોડ મહીનાનો જકાત પેટે હપ્તો કરી અપાયો હતો ત્યારે વર્ષે 552 કરોડ જકાત પેટે મળતાં હતાં, ત્યાર પછી પણ વધારો ન કરાયો છેક વર્ષ 2017 પછી વધારો કરી 60.21 કરોડ મહીને અને વાર્ષિક રૂપિયા 720 કરોડ જેટલા પાલિકા ને ફાળવાતાં થયા હતાં. પરંતુ ત્યાર પછી પાંચ વર્ષ થયાં હજું સુધીએ પ્રમાણે વધારો જકાતની ગ્રાન્ટ માં કરી મહાપાલિકા ને અપાયો નથી.

જકાતને 14 વર્ષથી વનવાસ, હજુ પણ ચાલુ
પાલિકાના બજેટ બાદથી આર્થિક અસ્થિરતા જોતાં પાલિકાના અધિકારીઓ જાણકારો ‘જકાત’ને યાદ કરતાં થઈ ગયાં છે. સુરતની જાહોજલાલી જેને આભારી હતી એ જકાતને 14 વર્ષ વનવાસના થઈ ગયા તેમ કહી ગ્રોથ રેટ મુજબ જકાત નહીં આપી સુરત સાથે અન્યાય થતો આવ્યો હોવાનું કહી રહ્યાં છે. ભાજપના નેતાઓ પણ ગ્રોથ રેટ પ્રમાણે બાકી જકાતની સુરતને સ્પેશ્યલ દરજ્જો પણ આપી ફાળવણી કરવા કહેતા આવ્યા છે.

વસતી 70 લાખ આસપાસ પહોંચી ગઈ
અધિકારી સૂત્રો મુજબ, 2007માં જકાત નાબૂદ થઇ ત્યારે વસ્તી એ પ્રમાણે હતી, પરંતુ 2011માં વસ્તી 45 લાખ હતી. હાલ 70 લાખ આસપાસ થઈ ગઈ છે. જકાત નાબૂદ થઇ ત્યારે 10 ટકાથી 20 ટકાનો ગ્રોથ રેટ હતો જેની સરેરાશ 15 ટકા પણ મુકાઇ તો ઓછામાં ઓછાં રૂપિયા 160 કરોડ પાલિકાને મહિને આપવા પડે જે વર્ષે 1920 કરોડ થાય છે. જો 10 ટકા પ્રમાણે વર્ષે 1898 કરોડ, મહીને 158 કરોડ જેટલાં આપવા ના થઈ શકે.

સિંગાપોર બનાવવાની વાત વચ્ચે હકના ફાફા
જકાતની અવેજમાં મળતી ગ્રાન્ટ માં સુરત પાલિકા ને અન્યાય થતો આવ્યો હોવાનો શરૂઆત થી અવાજ ઉઠતો આવ્યો છે. હાલની સ્થિતિએ તો પાલિકાની આર્થિક સદ્ધરતા સામે પ્રશ્નાર્થ લાગી ગયો છે. સુરતને સિંગાપોર બનાવવાની મોટી મોટી વાતો કરાતી આવી પરંતુ આ શહેરને તેનો હક્ક મળ્યો નથી તે વાસ્તવિકતા છે.

આવકના સ્ત્રોત ઊભા કરવા નિષ્ણાત નિમાયા
સ્થાયી સમિતિએ બજેટમાં વધારો કર્યો દર વર્ષે આમ બજેટમાં શાસકો વધારો કરતી આવી છે, પરંતુ છેલ્લા દાયકાથી મુળ બજેટ વપરાતું નથી. આર્થિક સ્થિતિ ડામાડોળ હોય હવે શાસકોએ આવકના સ્ત્રોત ઉભા કરવા એક્સપર્ટ કમિટીની રચના કરી ત્રણ અધિકારીઓને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા, ખર્ચા ઘટાડવા અંગે રિપોર્ટ તૈયાર કરવા જવાબદારી સોંપવી પડી છે.

સુરતને ગ્રોથ રેટ પ્રમાણે જકાત આપો : મુખ્યમંત્રીને વિપક્ષ નેતાનો પત્ર
પાલિકા વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને પત્ર પાઠવ્યો છે અને જકાત મામલે સુરત સાથે થતાં આવતાં અન્યાય ને દૂર કરી શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા, પ્રોજેક્ટો સાકાર કરવા અને કથળેલી શિક્ષણ વ્યવસ્થા ને સુધારવા જકાત અવેજમાં જાહેર કરાયેલી ગ્રાન્ટ ને ગ્રોથ રેટ મુજબ ફાળવણી કરવામાં આવે તેવી માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...