જીવલેણ હુમલો:સુરતમાં સગાઈના ઈન્કાર બાદ બહેનને મેસેજ કરતો હોવાના વહેમમાં ભાઈએ રત્નકલાકારને ચપ્પુના ઘા ઝીંક્યા

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
કતારગામ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
કતારગામ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
  • કતારગામ માધવાનંદ સર્કલ નજીક રત્નકલાકાર પર ચપ્પુથી હુમલો કરાતા ગંભીર

સુરતના કતારગામ માધવાનંદ સર્કલ પાસે રત્નકલાકાર યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. રત્નકલાકારના ઘર નજીકમાં રહેતા યુવાને સગાઈના ઇન્કાર બાદ પણ બહેનને મેસેજ કરે છે તેવા વહેમમાં ચપ્પુના ઘા ઝીંક્યા હતા.

યુવતીનો ભાઈ ચપ્પુ લઈને જ રત્નકલાકારને શોધતો હતો
મૂળ બનાસકાંઠાના વાવના ભાટવર ગામના વતની અને સુરતના કતારગામ હરિઓમ સોસાયટી શિવદર્શન સોસાયટીમાં રહેતા 51 વર્ષીય હીરાદલાલ પીરાભાઈ શંકરભાઈ પ્રજાપતિનો પુત્ર પાર્થ ઉર્ફે કાળીયો ( ઉ.વ.21 ) રત્નકલાકાર તરીકે કામ કરે છે. પાર્થને ક્ષમા (નામ બદલ્યું છે ) પસંદ હોય ત્રણ મહિના અગાઉ પીરાભાઈએ સામાજીક રીતે પાર્થ અને ક્ષમાની સગાઈની વાત તેના પિતાને કરી હતી. જોકે તેમણે સગાઈનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ પાર્થ સીમાને મેસેજ કરી વાત કરે છે તેવી શંકા સીમાના ભાઈને હતી. જેથી ક્ષમાનો ભાઈ પાર્થને સબક શીખવવા છેલ્લા કેટલાક દિવસથી ચપ્પુ લઈ ફરતો હતો અને તેને શોધતો હતો.

રત્નકલાકારને પાંચ ઘા મારતા ગંભીર ઈજા થઈ
ગતરાત્રે 9.30 વાગ્યાના અરસામાં પાર્થ કતારગામ માધવાનંદ સર્કલ પાસેથી પસાર થતો હતો ત્યારે ક્ષમાના ભાઈએ તેને આંતરી ચપ્પુ વડે હુમલો કરી પાર્થને છાતીના ભાગે, ડાબા પડખે બગલથી નીચે, કમરથી ઉપરના ભાગે ડાબી બાજુએ પાંચ ઘા મારતા ગંભીર ઈજા થઈ હતી. પાર્થને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા તેની હાલત ગંભીર હોય આઈસીયુમાં દાખલ કર્યો હતો. બનાવની જાણ થતા દોડી ગયેલી કતારગામ પોલીસે પીરાભાઈની ફરિયાદના આધારે ક્ષમાના ભાઈ જીતુ વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...