ગુજરાતમાં આફ્રિકન-નાઇજીરિયન ગેંગનો હાહાકાર:કિડની વેચાણની પ્રોસેસ કરાવી 10 લાખ પડાવી લીધા, લાઇટ બિલ ભરી દો; નહીંતર કનેક્શન કપાશે, કહી 1 લાખ ઉસેટ્યા

સુરત2 મહિનો પહેલાલેખક: ધ્રુવ સોમપુરા

વિશ્વમાં ટેકનોલોજીનો વ્યાપ વધતાની સાથે ગુનાઓ પણ ટેકનોલોજી આધારિત વધવા લાગ્યા છે. સુરત જ નહીં પરંતુ સમગ્ર દેશ દુનિયામાં સાયબર ફ્રોડના ગુના વધી રહ્યા છે. જુદી જુદી સ્કીમો અને બેંકના નામે ડરાવી ઓનલાઈન બેંક ખાતામાંથી રૂપિયા સેરવી લેવાના ફ્રોડ થઈ રહ્યા છે. આ ફ્રોડમાં વિકાસની હરણફાળ ગતિએ આગળ વધી રહેલું સુરત શહેર પણ બાકાત રહ્યું નથી. સુરતમાં ઉત્તરોત્તર આવા ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં 2021ની સામે માત્ર આઠ મહિનાની અંદર 2022માં સાયબર રોડના ગુનાઓ બે ગણા પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. પરંતુ આ દરેકની વચ્ચે સારી બાબત એ છે કે સુરત સાયબર સેલ સાયબરના ગુનાનો ભોગ બનનાર માટે નવી આશાનું કિરણ બનીને ઉભરી આવ્યું છે. આવા ગુનાઓને સુરત સાયબર સેલ ગંભીરતાથી લઈ તાત્કાલિક તેની પર એક્શન કામગીરી કરી રહ્યું છે. ખાતામાંથી એકવાર ઉપડી ગયેલા રૂપિયા પરત પણ અપાવી રહ્યું છે. જેને લઇ ભોગ બનનારના જીવનમાં નવી આશાની કિરણ જગાવી આપી છે.

સુરત સાયબર સેલ આશાનું કિરણ બન્યું
સાયબર ક્રાઇમનો શિકાર બનનારા મગજમાં એવું જ માની લેતા હોય છે કે હવે તેમના રૂપિયા કદી પરત નહીં આવશે અને ભોગ બન્યા બાદ પોતાની ભૂલને અંદરો અંદર કોસ્યા કરતા હોય છે. પરંતુ સુરત સાયબર સેલે આ છાપને ખોટી ઠેરવી આપી છે. સુરતમાં નોંધાયેલા 80% કિસ્સાઓમાં રૂપિયા પરત પણ અપાવ્યા છે. જીવનની પુંજી જ્યારે કોઈ લઈ જાય છે અને તે પરત આવવાની આશા ન દેખાતી હોય તેવામાં તેમને રૂપિયા પરત અપાવવામાં આવતા જીવન જીવવાની નવી આશાની કિરણ જગાવી આપી છે. આવા એક નહીં અનેક કિસ્સાઓ સુરતમાં બન્યા છે કે જેમને 24થી 48 કલાકમાં બેંકમાંથી ઉપડી ગયેલા લાખો રૂપિયા પરત અપાવવામાં આવ્યા છે.

આર્થિક સંકડામણમાં યુવક ભોગ બન્યો
સાયબરક્રાઇમ એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સાયબરની ટીમે નાઈઝિરીયન ગેમનો પર્દાફાશ કર્યો તેમાં સુરતનો યુવક ખૂબ જ ગંભીર રીતે ફસાઈ ગયો હતો. સુરતનો અરબાઝ રાણા નામનો યુવક છેલ્લા ઘણા સમયથી ખૂબ જ આર્થિક સંકડામણ અનુભવતો હતો. ઘરના દવાખાના અને બહેનના આવનાર લગ્નને લઈને રૂપિયાની ચિંતામાં રહેતો હતો. દરમિયાન ઓનલાઇન તેણે કિડની વેચવાથી ચાર કરોડ રૂપિયા મળશે તેવી લોભામણી જાહેરાત જોઈ હતી. જેમાં તે પોતાની કિડની વેચવા તૈયાર થઈ ગયો હતો. પોતાની કિડનીની વેચાણની પ્રોસેસ માટે ટુકડે ટુકડે ફ્રોસ્ટર ગેંગે 10 લાખ જેટલા રૂપિયા પડાવી લીધા હતા. બાદમાં આ ગેંગ ફ્રોડ છે તેવું યુવકને ખબર પડતાં તે ખૂબ જ આઘાતમાં મુકાઈ ગયો હતો. યુવકે રૂપિયા જુદા જુદા વ્યક્તિઓ પાસેથી માંગીને અને કેટલાક વ્યાજે લાવ્યો હતો. ત્યારે અમારી સાયબરની ટીમે નાઈજિરિયન ગેંગનું પગેરું શોધી ઝડપી પાડી હતી, અને યુવકને સાડા સાત લાખ જેટલા રૂપિયા રિકવર કરાવી આપ્યા હતા. હાલમાં કોર્ટના હુકમ બાદ પોલીસે 7.40 લાખનો ચેક યુવકને અર્પણ કરતા તેની આંખમાં ખુશીના આંસુ છલકાઈ આવ્યા હતા જે જોઈને અમને ઘણો જ સંતોષ થયો હતો.

GEBમાંથી બોલું છું લાઇટ બિલ ભરી દો નહીંતર કનેક્શન કપાશે
સુરતના વેસુ વિસ્તારમાં એસ.એમ.એસ પ્લેનડીટમાં રહેતા 77 વર્ષીય નિવૃત્ત જીવન જીવતા વિજયકાંત કૃષ્ણકાંત પંડ્યા ગત 21 ઓગસ્ટના રોજ સાયબર ક્રાઇમનો ભોગ બની ગયા હતા. 77 વર્ષના દાદાને ફોનમાં ડરાવતો મેસેજ આવ્યો હતો. જેમાં લખાયું હતું કે તમારા પાછલા મહિનાનું ઇલેક્ટ્રીક સીટીનું બિલ ભરવાનું બાકી છે. જેથી તમારું વીજ જોડાણ આજે રાત્રે 11:30 વાગે કાપી નાખીશું.જેથી દાદા ગભરાઈ ગયા અને મેસેજમાં આવેલા નંબર ઉપર સંપર્ક કર્યો.જેમાં છેતરવાની જાળ નાંખીને બેસેલા ઠગે દાદાને જીઈબીમાંથી બોલું છું તેમ જણાવ્યું હતું અને તમારા ઘરનું વીજ જોડાણ ચાલુ રાખવું હોય તો તાત્કાલિક તમારે ઓનલાઇન પેમેન્ટ કરવું પડશે. તમારા મોબાઇલ પર જે લિંક મોકલી છે.તેની પર ઓનલાઇન ટ્રાન્જેક્શન કરવાનું રહેશે.જેથી 77 વર્ષના દાદાએ ઠગ દ્વારા જણાવેલ સૂચના મુજબ SBI ક્રેડિટ કાર્ડની તમામ વિગતો ભરી દીધી હતી અને થોડા જ સમયમાં દાદાના એસબીઆઇના ખાતામાંથી ટુકડે ટુકડે ચાર ટ્રાન્જેક્શનમાં 1,03,256 રૂપિયા ખાતામાંથી ઉપડી ગયા હતા.

રૂપિયા પરત આવવાની આશા જ છોડી દીધી હતી
દાદા કંઈ પણ વિચારે તે પહેલા ક્રેડિટ કાર્ડનું તમામ બેલેન્સ ખાલી થઈ ગયું હતું. 77 વર્ષીય કૃષ્ણકાંત પંડ્યા તાત્કાલિક સુરત સાયબર સેલનો સંપર્ક સાધ્યો હતો. દાદાની વાત સાંભળી સાયબર સેલ દ્વારા દાદાના ટ્રાન્જેક્શન તપાસવામાં આવ્યા હતા અને તમામ ટ્રાન્જેક્શન ફિલ્પકાર્ટ પેમેન્ટમાં ક્રેડિટ થયા હોવાનું જાણવા મળ્યું હતું.જેથી સાયબર સેલની ટીમે તાત્કાલિક ઇમેલ અને ટેલીફોનિકથી કંપનીના ઓફિસરને જાણ કરી આ મુજબના પેમેન્ટ ની જાણકારી આપી હતી અને પરત મેળવવાની પ્રક્રિયા હાથ ધરી 24 કલાકની અંદર તમામ રૂપિયા 1,03,256 દાદાને પરત અપાવ્યા હતા. રૂપિયા પરત આવતા દાદા સાયબર પોલીસ સમક્ષ હર્ષના આંસુ રડી પડ્યા હતા. તેમણે આ રૂપિયા પરત આવવાની આશા જ છોડી દીધી હતી.

ઠગે 72 વર્ષના દાદાનું આખું બચત ખાતું સાફ કરી નાખ્યું હતું
સુરતમાં રહેતા 72 વર્ષીય રિટાયર્ડ કર્મચારી રણજીતભાઈ પંડ્યા ઓનલાઇન સાયબર ફ્રોડનો ભોગ બન્યા હતા.રણજીતભાઈ પંડ્યા એ જણાવ્યું હતું કે ગત 8 મેના રોજ તેમના મોબાઈલ ફોન ઉપર છેતરનાર ઠગનો ફોન આવ્યો હતો. અને કહેવામાં આવ્યું હતું કે તમારા SBI બેન્ક એકાઉન્ટની KYC ડીટેલ અપડેટ કરવાની બાકી છે. જો તે અપડેટ નહીં કરવામાં આવે તો તમારું બેંક ખાતુ સીલ કરી દેવામાં આવશે. જેને લઇ રિટાયર્ડ લાઇટ જીવતા 72 વર્ષીય દાદા પોતાની જમાપુંજી બચાવવા ગભરાઈ ગયા હતા.અને પેલો ઠગ ફોન ઉપર જે જે વાતો બતાવતો ગયો તેમ તેમ આ દાદા કરતા ગયા અને પછી શું..! થોડા જ સમયમાં દાદાએ મહામુલી મહેનતથી જમા કરેલી 2,60,000ની બચત દૂર બેઠો બેઠો ઠગ શેરવી ગયો હતો. દાદાના ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા હોવાનું તેમને જાણ થતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દાદા થોડા સમય માટે તો અચેત થઈ ગયા હતા.

રાત રાત ઊંઘ પણ આવતી ન હતી
તાત્કાલિક સાયબર પોલીસ મથકનો દાદાએ સંપર્ક સાધ્યો હતો. દાદાએ રડતા રડતા તમામ હકીકતો સાયબર સેલના અધિકારીઓને જણાવી હતી.અને દાદા ની વાતો સાંભળી તાત્કાલિક સાયબર સેલે કામગીરી આરંભ હતી.દરમિયાન દાદાના ખાતામાંથી તમામ રૂપિયા રત્નકાર બેંકના ક્રેડિટ કાર્ડમાં ક્રેડિટ થયા હોવાનું જાણવા મળ્યું હતું.જ્યાંથી આ પેમેન્ટ પરત લાવવા માટે તમામ પ્રયત્નો સાયબર સેલ દ્વારા કરવામાં આવ્યા હતા. 15 દિવસમાં તમામ રૂપિયાની જમાપુંજી રણજીતભાઈને સાયબર દ્વારા પરત અપાવી હતી. દાદાએ જણાવ્યું હતું કે ઠગે મારું આખું બચત ખાતું સાફ કરી નાખ્યું હતું. મને જીવન નિર્વાહ પણ તકલીફ પડે તેમ લાગતું હતું. મને તમામ લોકો એમ જ કહેતા હતા કે હવે દાદા આ રૂપિયા પાછા આવશે નહીં મેં તો આશા છોડી દીધી હતી કે મને હવે મારા જીવનના ભેગા કરેલા રૂપિયા પાછા મળશે. મને રાત રાત ઊંઘ પણ આવતી ન હતી.

સમગ્ર ગુજરાતમાં સુરત શહેરની કામગીરી પ્રથમ ક્રમાંકે
સમગ્ર ગુજરાતમાં તમામ મોટા શહેરોમાં સાયબરના ગુનાઓ નોંધાયા છે. સાયબરના ગુનાઓના લોકો ભોગ પણ બન્યા છે. અને તમામ શહેરોમાં અલગ સાયબર સેલ યુનિટ પણ બનાવવામાં આવ્યું છે.આ તમામની વચ્ચે અમદાવાદ ,બરોડા, રાજકોટ, મહેસાણા, જામનગર અને ગાંધીનગરની કરતા પણ વધારે સારી કામગીરી સુરત સાયબર સેલે વર્ષ 2021 -22 માં કરી બતાવી છે. સુરત સાયબર સેલની કામગીરી વિશે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં સાયબર ફ્રોડના સૌથી વધુ ગુનાઓ ડિટેક્ટ કરતું સુરત સાયબર સેલ રહ્યું છે. ઉપરાંત સાયબરફ્રોડ નો ભોગ બનનાર ના રૂપિયા ફ્રિજ અને પરત અપાવવા માટેની રકમ સૌથી મોટી સુરત સાઈબર સેલે કરી છે.

સુરત સાયબર સેલની કામગીરી

વર્ષ20212022(8 મહિના)
ગુના5050
ગુનાનો ઉકેલ4445
ઉકેલનો રેશિયો88%90%
રૂપિયા ફ્રીઝ અને પરત72,12,40899,27,873

સમગ્ર સુરત પોલીસ મથક સાયબર ગુનાઓ

વર્ષ20212022(8 મહિના)
ગુનાઓ272221
ગુના ઉકેલનો રેશિયો37%61 %
સમગ્ર ગુજરાતમાં સાયબર ફ્રોડના સૌથી વધુ ગુનાઓ ડિટેક્ટ કરતું સુરત સાયબર સેલ રહ્યું છે.
સમગ્ર ગુજરાતમાં સાયબર ફ્રોડના સૌથી વધુ ગુનાઓ ડિટેક્ટ કરતું સુરત સાયબર સેલ રહ્યું છે.

100 ટકા રૂપિયા 24થી 48 કલાકમાં પરત આપાવ્યા
વર્ષ 2021 - 22માં સમગ્ર સુરતમાં જુદી જુદી રીતે રૂપિયાની છેતરપિંડીનો ડાયરેટક્ટ સાયબરનો ભોગ બન્યા હોય તેમને 100 ટકા રૂપિયા 24થી 48 કલાકમાં પરત આપાવ્યા છે. તેવા કુલ જાન્યુઆરી 2021 થી 15 ઓગસ્ટ 2022 સુધીમાં કુલ 49 ડાયરેકટ અરજદારોના 36,76,000 રૂપિયા પરત આપાવ્યા છે.

બે વર્ષમાં પકડાયેલી ગેંગની માહિતીની
વધુમાં પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે સુરત સાયબરસેલે બે જ વર્ષમાં ઓનલાઇન ફ્રોડ નો ભોગ બનાવતી આંતર રાજ્ય સાત કુખ્યાત ગેંગને ઝડપી પાડી છે આ ગેંગ ખૂબ જ ચાલાકી ભરી તરકીબોથી સુરતમાં અનેકના રૂપિયા પડાવ્યા હતા. જેને સુરત સાયબર સેલે ઝડપી પાડવામાં ખૂબ જ મહેનત કરી હતી અને જીવનું જોખમ પણ ખેડ્યું હતું. બે વર્ષમાં પકડાયેલી ગેંગની માહિતીની વાત કરીએ તો

નાઈજેરીયન ગેંગ : એ કિડની ફ્રોડ ગેંગ હતી.કિડની સામે લાખો રૂપિયા આપવાની લાલચ અપાવી રૂપિયા પડાવતી ગેંગ
આફ્રિકન ગેંગ : ફેક વેંસાઈટ ફ્રોડ ગેંગ - ખોટી વેબસાઈટ બનાવી ઓનલાઈન તેમાં જોડી રૂપિયા પડાવતી હતી આ ગેંગ
મેવાતી ગેંગ : સેક્સયુલ વિડીયો કોલ બ્લેક મેઈલ ગેંગ - ફેસબૂક મેસેન્જર કે અન્ય સોશિયલ મીડિયાના મેસેન્જર પર વીડિયો કોલ કર્યા બાદ તેનો સેક્સયુનલ વિડીયો બનાવી બ્લેકમેલ કરતી હતી આ ગેંગ
જામતારા ગેંગ( ઝારખંડ ) : ગુગલ સર્ચ એન્જીન ફ્રોડ ગેંગ
દિલ્હી કોલસેન્ટર ગેંગ : પોલિસી ફ્રોડ ગેંગ - વીમા અને અન્ય પોલિસીમાં રોકાણના બહાને રૂપિયા પડાવતી હતી આ ગેંગ
ઇન્દોર (MP ) ગેંગ : ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ગેંગ - જુદી જુદી સ્કીમમાં રોકાણ કરાવવાની લાલચ અપાવી ફ્રોડ કરતી હતી આ ગેંગ
વેસ્ટ બેંગાલ ગેંગ : ફેક ઇન્વેસ્ટમેન્ટ એપ ફ્રોડ ગેંગ - લોકો પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવવા નકલી રોકાણ માટેની એપ્લિકેશન બનાવી તેમાં રોકાણકારોના રૂપિયા રોકાવી પડાવી લેતી હતી આ ગેંગ

નાઈઝિરિયન-આફ્રિકન ગેંગને ઝડપી પાડી.
નાઈઝિરિયન-આફ્રિકન ગેંગને ઝડપી પાડી.

સાયબર ગુનાઓ ડિટેક્ટ કરવામાં ખૂબ જ મુશ્કેલી
સામાન્ય સંજોગોમાં બનતા ગુનાઓને ઉકેલવા કરતા સાયબર ફ્રોડના ગુનાઓ સોલ્વ કરવા ખૂબ જ કઠિન ભર્યું કામ છે. આ કામમાં ગુનો કરનાર પણ ચાલબાજ અને પોલીસને સામો પડકાર ફેકનાર ટેકનોલોજીથી જાણકાર ગુનેગાર હોય છે. જેથી તેને પકડવા પોલીસે પણ ખૂબ જ સાવચેતી અને ટેકનોલોજીથી જાણકાર બનવું પડે છે. ત્યારે સુરત સાયબર સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલે સાયબર સેલને પડતી મુશ્કેલી વિશે જણાવ્યું હતું કે સાયબર સેલને પેપર પર ,ટેકનિકલી અને બીજું જ્યારે ફિલ્ડ ઉપર જઈએ છીએ ત્યારે મુશ્કેલી પડે છે. ટેકનિકલ વાત કરીએ તો સાયબર ફ્રોડમાં કોઈ બેંક એકાઉન્ટ કે મોબાઈલ નંબર હોય છે, સામાન્ય રીતે સાયબર ફ્રોસ્ટર હોય છે તે ખોટા મોબાઈલ અને બેન્ક એકાઉન્ટ ઉપયોગ કરતા હોય છે.

ગેંગને પકડવા જઈએ ત્યારે ખૂબ જ મુશ્કેલી પડે
ફોન કે બેન્ક એકાઉન્ટના આધારે કોઈ વ્યક્તિને આઇડેન્ટીફાઈ કરવો અમારા માટે ખૂબ મુશ્કેલ બનતું હોય છે. પણ એક સમય બાદ જ્યારે આવા ફ્રોસ્ટરને આઈડેન્ટીફાઈ કરી લેવામાં આવે છે. પછી ફિલ્ડ ઉપર જઈએ છીએ ત્યારે તેમાં મોટી મોટી ગેંગ સામેલ હોય છે. આ ગેંગને પકડવા ગ્રાઉન્ડ ઉપર જઈએ તો એ ગામમાં દૂર દૂર સુધી ઘરો જોવા મળતા નથી. ગામડામાં નેટવર્ક ઇસ્યુ પણ હોય છે. ત્યારે આવા વ્યક્તિને આઈડેન્ટીફાઈ કરવા ક્યારેક ગેરેજ વાળા થઈને ,તો ક્યારેક કુરિયર કંપનીના વ્યક્તિ થઈને, તો ક્યારેક ડિલિવરી કંપનીના સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે પણ ઘરે જઈને રેકી કરીને આઈડેન્ટિફાઈ કરવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ફોન કે બેન્ક એકાઉન્ટના આધારે કોઈ વ્યક્તિને આઇડેન્ટીફાઈ કરવો ખૂબ મુશ્કેલ બનતું હોય છે.
ફોન કે બેન્ક એકાઉન્ટના આધારે કોઈ વ્યક્તિને આઇડેન્ટીફાઈ કરવો ખૂબ મુશ્કેલ બનતું હોય છે.

સુરતમાં સાયબર ગુના અટકાવવા પોલીસનું જાગૃતિ અભિયાન
સુરત પોલીસ કમિશનર અજય કુમાર તુમારે જણાવ્યું હતું કે શહેરમાં સાયબર વિશે જાગૃતિ લાવવા માટે સુરત સાયબર સેલ સતત પ્રયત્ન કરી રહ્યું છે.જુદી જુદી રીતે પોલીસ દ્વારા જાગૃતિના કાર્યક્રમમાં લોકો જ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે.જેના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા સાયબરસંજીવની અવેરનેસ ચેમ્પિયન શરૂ કરાયું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 3700 જેટલી જગ્યા ઉપર સાયબર જાગૃતિના સેમિનાર કરવામાં આવ્યા છે.સાયબર અવેરનેસ માટેની વેબ સાઈટ બનાવવામાં આવી છે તેની પર 12 લાખ લોકો વિઝીટ કરી ચૂક્યા છે.250 સોશિયલ મીડિયા ઇન્ફલુહેન્સ થકી 12.50 કરોડ લોકો સુધી સાયબર જાગૃતિનો મેસેજ પહોંચ્યો છે. સાથે સાયબર જાગૃતિની પુસ્તિકા બનાવવામાં આવી છે તે એક લાખ લોકો સુધી પહોંચાડી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...