પાટીલ ભાઉ અને ફડણવીસનો દોરીસંચાર?:પડદા પાછળ સાથે મળીને ઠાકરે સરકારનો ખેલ પાડ્યો! ફડણવીસના દિલ્હીમાં ધામા

સુરત3 મહિનો પહેલા

મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ સર્જાયો છે. વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયા બાદ મહારાષ્ટ્રની શિવસેનામાં ભંગાણ સર્જાયું છે. શિવસેનાના શહેરી વિકાસમંત્રી એકનાથ શિંદે 19 કરતાં વધુ ધારાસભ્યો સાથે સુરત આવી પહોંચ્યા છે. ત્યારે સમગ્ર રાજકીય રમતના માસ્ટરમાઈન્ડ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા રમાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. એકનાથ શિંદે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે સંપર્કમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે પડદા પાછળ પાટીલ અને ફડણવીસની જોડીએ જ આ ઓપરેશન પાર પાડ્યું હોવાનું પણ રાજકીય જાણકારો કહી રહ્યા છે. રાજકીય ખળભળાટ મચાવી હાલ દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી પહોંચી ગયા છે.

ધારાસભ્યોએ બળવો કર્યો હોવાથી મહારાષ્ટ્ર સરકારમાં ચિંતા વધી છે(ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર)
ધારાસભ્યોએ બળવો કર્યો હોવાથી મહારાષ્ટ્ર સરકારમાં ચિંતા વધી છે(ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર)

ઠાકરે સરકારમાં ખળભળાટ
દેવેન્દ્ર ફડણવીસ અને સી.આર. પાટીલ દ્વારા આ સમગ્ર ઓપરેશનને ચલાવવામાં આવી રહ્યું હોવાનું કહેવાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગઇકાલે રાતે જ શિવસેનાના ધારાસભ્યો સુરતમાં આવવાના છે એ વાતને લઈને તૈયાર સી. આર. પાટીલ સક્રિય થઇ ગયા હતા. રાત્રે જ તેઓ ગાંધીનગરથી સુરત આવી ગયા હતા, સાથે જ હોટલમાં પણ શિવસેનાના ધારાસભ્યોને મળ્યા હોવાનું સૂત્રો કહી રહ્યા છે. દેવેન્દ્ર ફડનવીસ અને સી.આર.પાટીલ દ્વારા વિધાન પરિષદની ચૂંટણીના ચૂંટણી સમયે જ ખેલ પાડી દીધો હતો, જેથી ઉદ્ધવ ઠાકરે સરકારમાં ખળભળાટ મચ્યો છે.

સુરતની લા મેરિડિયન હોટલમાં ધારાસભ્યો રોકાયા હોવાથી સુરક્ષા વધારી દેવાઈ છે.
સુરતની લા મેરિડિયન હોટલમાં ધારાસભ્યો રોકાયા હોવાથી સુરક્ષા વધારી દેવાઈ છે.

ઠાકરે માટે મોટો પડકાર
મહારાષ્ટ્રની રાજનીતિમાં થયેલી ઊથલપાથલને લઈને હવે એનસીપી સુપ્રીમો શરદ પવાર પણ સક્રિય થઈ ગયા છે. શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે એકબીજાના સંપર્કમાં રહીને આ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી કરી રહ્યા છે. મહારાષ્ટ્રના શિવસેનાના કેટલા ધારાસભ્યો અત્યારે સંપર્કવિહોણા છે એની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમની સામે કયા પ્રકારનાં પગલાં લેવા એની પણ વિચારણા થશે. જોકે અત્યારે મહારાષ્ટ્રની રાજનીતિમાં આવેલી હલચલનો તોડ કેવી રીતે કરવો એને લઈને શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે માટે પડકાર બની રહેશે.