હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ સુરત વાદળાઓથી ઘેરાયેલું હતું અને બફારો થતો હતો. વાતાવરણમાં આવેલા પલટાને કારણે વરસાદ આવે તેવી શક્યતા વર્તાઈ રહી હતી અને આખરે બપોર થતાની સાથે જ વરસાદ શરૂ થઈ ગયો હતો.
હોળીકા દહનમાં વરસાદનું વિઘ્ન
હોળીકા દહનમાં વરસાદનું વિઘ્ન આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. સુરતના કેટલાક વિસ્તારોમાં જ્યાં સાંજે 6 વાગ્યા બાદ હોળી પ્રગટાવવાનું મુહૂર્ત છે. ત્યારે ઘણા લોકોએ સોસાયટીની બહાર હોલિકા દહન માટેની તૈયારી પૂર્ણ કરી લીધી હતી પરંતુ વરસાદ આવતાની સાથે હવે જે હોળીકા દહન માટેના લાકડા અને અન્ય સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવતી હોય છે તે પણ પલળી ગઈ છે. તેને કારણે જે ઉત્સવ છે તે ફીકો થવાની પણ શક્યતા છે. કેટલાક લોકોએ હોળીકા દહનને વરસાદ ન લાગે તેના માટેની પણ તાત્કાલિક વ્યવસ્થા ગોઠવી છે.
વાતાવરણમાં ઠંડક પ્રસરી
છેલ્લા એક સપ્તાહથી સુરતના વાતાવરણમાં અસહ્ય ઉકળાટ સુરતીઓ અનુભવી રહ્યા હતા. હવામાન વિભાગે આગાહી કરી હતી કે વાતાવરણમાં પલટો આવી શકે છે અને માવઠું પણ દક્ષિણ ગુજરાતની અંદર આવી શકે છે જે પ્રમાણેની આગાહી હતી તે મુજબ જ સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે અને બપોરના સમયે માવઠું આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. એકાએક વાતાવરણમાં ઠંડક પ્રસિજરતા લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો હતો.
ખેડૂતોની ચિંતામાં વધારો
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ એકાએક વરસાદ શરૂ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સુરત શહેર સહિત જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થયો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાની થવાની પણ શક્યતા વર્તાઈ રહી છે. જો આ રીતે બે ત્રણ દિવસ સતત વરસાદ આવે તો ખેડૂતોને આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.