સુરતમાં હોટલ ઈન્ડસ્ટ્રીનો બિઝનેસ વધ્યો:કોરોના પછી 70% સુધી પહોંચ્યો, ત્રણ મહિનામાં 20 નવી રેસ્ટોરન્ટ શરૂ થઈ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરકારે ગાઇડલાઇનમાં થોડી રાહત આપતાં હોટલ ઈન્ડસ્ટ્રી પર સીધી અસર
  • દોઢ વર્ષમાં શહેરની હોટલ ઈન્ડસ્ટ્રીમાં હાલ સૌથી વધારે બિઝનેસ

દિવાળીમાં શહેરના તમામ સેક્ટરોમાં તેજીના માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ સરકારે કોરોનાની ગાઈડલાઈનમાં પણ થોડી છૂટછાટ આપતાં હોટલ ઈન્ડસ્ટ્રી પર તેની સીધી અસર જોવા મળી હતી. કોરોનાકાળ બાદ હાલમાં શહેરની હોટલ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધારે બિઝનેસ જોવા મળી રહ્યો છે. કોરોના કાળ અગાઉની સરખામણીએ હાલમાં હોટલ અને રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીનો બિઝનેસ 70 ટકા સુધી પહોંચી ગયો છં. શહેરમાં 400થી વધુ હોટલો અને રેસ્ટોરન્ટ્સ છે.

કોરોનાકાળમાં આ પૈકી અનેક હોટલો અને રેસ્ટોરન્ટો બંધ થઈ ગયા હતા. જે કોરોના નરમ પડવા છતાં શરૂ થઈ શક્યા ન હતા. જો કે, બીજીતરફ નવા આંત્રપ્રિન્યોરો દ્વારા રેસ્ટોરન્ટો ખોલવામાં આવી રહી છે. શહેરમાં ૩ મહિનામાં અંદાજે ૨૦ નવી રેસ્ટોરન્ટ શરૂ થઈ છે, જે હોટલ-રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રી માટે સારા સંકેત છે. બીજીતરફ શહેરના હોટેલિયર્સ આગામી ક્રિસમસ સુધીમાં શહેરની હોટલ ઈન્ડસ્ટ્રી ફરી પૂર્વવત થઈ જશે એવી આશા સેવી રહ્યા છે.

હાલમાં રોજનો 7થી 17 કરોડ સુધીનો બિઝનેસ
દોઢ વર્ષમાં શહેરની અનેક રેસ્ટોરન્ટ-હોટલો બંધ થઈ ગઈ હતી. હાલ સરકારે છૂટછાટ આપતાં ઘણા આંત્રપ્રિન્યોર દ્વારા હોટલ ઈન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું છે. હાલ આમ દિવસોમાં હોટલ ઈન્ડસ્ટ્રીનો રોજનો બિઝનેસ 7થી 8 કરોડ જ્યારે શનિ-રવિ અને તહેવોરોમાં 15થી 17 કરોડ જેટલો બિઝનેસ થઈ રહ્યો છે.

લગ્નની સિઝનને કારણે ઈન્ડસ્ટ્રીને બુસ્ટ મળ્યું
લગ્નનોના કારણે હોટલ ઈન્ડસ્ટ્રીને બુસ્ટ મળ્યું છે. શહેરની હોટલો અને રેસ્ટોરન્ટ માટેના બેન્કવેટ હોલ લગ્નો માટે બુક થઈ ગયા છે. લગભગ તમામ હોટલો અને રેસ્ટોરન્ટના બેન્કવેટ હોલ બુક થઈ ગયા છે. પરંતુ 400 લોકોની જ પરમિશન હોવાથી ધાર્યા મુજબનો બિઝનેસ નથી છતાં બુસ્ટ મળ્યું છે.

ક્રિસમસ સુધીમાં સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે
સાઉથ ગુજરાત હોટલ એસોસિએશનના માજી પ્રમુખ સનત રેલિયા કહે છે કે, ‘કોરોના બાદ હવે હોટલ ઈન્ડસ્ટ્રીમાં સૌથી સારો બિઝનેસ જોવા મળી રહ્યો છે, પરંતુ હાલ લોકો બહારગામ અને ફરવા માટે ગયા છે એટલે થોડી અસર દેખાઈ રહી છે. હવે ક્રિસમસ પછી ફરી હોટલ ઈન્ડસ્ટ્રી પાટા પર ચડશે.’

અન્ય સમાચારો પણ છે...