વિદ્યાર્થીઓની પાંખી હાજરી:કોરોના બાદ મેડિકલ કોલેજોમાં 15 ટકા જ છાત્રો આવી રહ્યાં છે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થિયરીમાં 75%, પ્રેક્ટિકલમાં 80% હાજરી ફરજીયાત
  • પ્રથમ અને બીજા​​​​​​​ વર્ષમાં વિદ્યાર્થીઓની મોટી સંખ્યા ગેરહાજર

કોરોનાકાળ પૂરો થઇ ગયા બાદ કોલેજોમાં નિયમિત શિક્ષણ શરૂ થઇ ગયું છે. પરંતુ મેડિકલ કોલેજોમાં સ્થિતિ જુદી દેખાઇ રહી છે. ગર્વમેન્ટ મેડીકલ કોલેજનાં પ્રથમ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓની પાંખી હાજરી સ્પષ્ટપણ દેખાઇ રહી છે.કોરોનામાં ઓફલાઈન અભ્યાસ બંધ રહ્યાનું ગણો કે અન્ય કારણ પણ હાલ મેડીકલ કોલેજોમાં પાંખી હાજરી વર્તાઈ રહી છે. હાલ થિયરીમાં 75 ટકા હાજરી અને પ્રેકટીકલમાં 80 ટકા હાજરી એન.એમ.સી દ્વારા ફરજીયાત બનાવવામાં આવી છે.

તેમ છતા મેડીકલ કોલેજોમાં વિદ્યાર્થીઓની 10થી 15 ટકા હાજરી જ રહે છે જેને લીધે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ડિટેઇન કરવા પડે એવી સ્થિતિ ઉભી થવા પામી છે.ગર્વમેન્ટ મેડીકલ કોલેજ, તેમજ સ્મીમેર કોલેજમાં કોરોના કાળ બાદ વિદ્યાર્થીઓની ઓછી હાજરી જણાય રહી છે. ગર્વમેન્ટ મેડીકલ કોલેજમાં પ્રથમ અને બીજા વર્ષનાં છાત્રોની માંડ 10 થી 15 ટકા હાજરી છે.ધોરણ-12નો ઓનલાઇન અભ્યાસ કરનારા તેમજ ડમી સ્કૂલમાં પ્રવેશ મેળવીને શાળાએ જવાનુ ભૂલી ગયેલા વિદ્યાર્થીઓ કોલેજમાં પણ હાજરી આપવામાં આળસ કરી રહ્યા છે.

એન.એમ.સી નાં નિયમો મુજબ થિયરીમાં 75 ટકા હાજરી અને પ્રેકટીકલમાં 80 ટકા હાજરી હોય તો તેવા સંજોગોમાં જ વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષામાં બેસી શકતા હોય છે, જેથી કોલેજો દ્વારા છાત્રો તેમજ વાલીઓને જાણ કરીને વિદ્યાર્થીઓ વર્ગખંડમાં મહત્તમ હાજરી આપે તે અંગેના પ્રયાસો શરૂ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...