સુરતમાં ઉમરાની નંદનવન સોસાયટીમાં આવેલા એક બંગલામાં 27 વર્ષીય મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે ગેંગરેપ કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના મુખ્ય સૂત્રધાર જયેશે મિત્રતા કરી મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું અને વીડિયો પણ ઉતાર્યો હતો. પીડિતા સાથેનો દુષ્કર્મનો વીડિયો ઉતારી તેને બ્લેકમેઇલ કરી હતી. ત્યાર બાદ બંગલામાં બોલાવી હતી, જ્યાં જયેશ અને તેના અન્ય બે મિત્રોએ પણ માર મારી દુષ્કર્મ આચર્યું હતું. ઉમરા પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર સહિત 3 લોકો સામે ગુનો દાખલ કરી બેની ધરપકડ કરી છે.
લગ્ન કરવાનું નક્કી પણ કર્યું હતું
ઉમરા પોલીસથી મળતી માહિતી મુજબ, બંગલા નંબર 18, નંદનવન સોસાયટી, રંગીલાપાર્ક ઉમરા ખાતે રહેતા આરોપી જયેશ ઉર્ફે જયહેમંતની મુલાકાત 27 વર્ષીય મહિલા સાથે થઇ હતી. દોઢ મહિના પહેલાં બંને વચ્ચે થયેલી ઓળખાણ મિત્રતામાં પરિણમી હતી. આરોપી જય અને મહિલા વચ્ચે મુલાકાતો વધતાં તેમણે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
બ્લેકમેઇલ કરી વારંવાર શરીર સંબંધ બાંધવા મજબૂર કરતો
આરોપી જયેશ ઉર્ફે જયે મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે તેના બંગલામાં જ શરીર સંબંધ બાંધ્યો હતો. આ સમયે આરોપી જયેશે મહિલાનો વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયોના આધારે જ્યેશ તેને બ્લેકમેઇલ કરી વારંવાર શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો.
મિત્ર સાથે બળજબરીથી પીડિતાને શરીર સંબંધ બાંધવા મજબૂર કરી
8 મે 2022ના દિવસે સાંજે 6:30 કલાકે બનેલી ઘટનામાં આરોપી જયેશ ઉર્ફે જયહેમંતે મહિલાને પોતાના બંગલા પર બોલાવી હતી. એ સમયે જયેશ સાથે તેના ત્રણ મિત્ર પણ ત્યાં હાજર હતા. જ્યાં જયેશે તેના પોતાના બેડરૂમમાં મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ જયેશે ત્યાં હાજર તેના મિત્ર યોગી પવાર અને એક અન્ય મિત્ર સાથે બળજબરીથી પીડિતાને શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી.
ઢીકમુક્કીનો માર મારી બળાત્કાર ગુજાર્યો
પીડિતાએ ના પાડતાં આરોપીઓએ ભેગા મળી તેને ઢીકમુક્કીનો માર મારી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, આ ઘટના અંગે કોઇને કશું કહેવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પીડિતા મહિલાએ આરોપી જયેશ ઉર્ફે જયહેમંત, યોગી પવાર અને અન્ય આરોપી સામે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી ઉમરા પોલીસે બેની ધરપકડ કરી છે, જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે.
9 દિવસ પહેલાં ધો.8ની વિદ્યાર્થિની પર દુષ્કર્મ
સુરતના યોગીચોક વિસ્તારમાં ધોરણ 8ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામ પર સગીરા સાથે ઓનલાઈન સાડીનો ધંધો કરતા યુવકે દુષ્કર્મ આચર્યું હતું. ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કરી મળવા બોલાવ્યા બાદ જબરદસ્તી કરતાં સગીરાએ ચંપલ મારી હતી. ત્યાર બાદ યુવકે પોતાની ઓફિસમાં લઈ જઈ બે કલાક સુધી સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
12 દિવસ પહેલાં યુવતીને કાફેમાં લઈ જઈ દુષ્કર્મ
સુરતના ઉમરા વિસ્તારમાં યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધીને તેની સાથે અવારનવાર યુવકે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને કાફેમાં લઈ જઈ અવારનવાર શરીર સંબંધ બાંધતો હતો. પ્રેમ સંબંધ દરમિયાનના યુવક અને યુવતીના આપતિજનક ફોટા પણ યુવકે પોતાના મોબાઈલમાં લઈ લીધા હતા. બાદમાં યુવતીએ સંબંધ ન રાખતાં યુવકે ફોટો વાઈરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચરવાની સાથે માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી હતી, જેથી પોલીસે યુવતીની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.