• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • After An Embroidery Factory In Surat Was Declared Brain Dead, The Family Donated Liver And Eyes And Gave A New Life To Three.

અંગદાનથી ઉજાસ પથરાયો:સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનેદાર બ્રેઈનડેડ જાહેર થતાં પરિવારે લિવર અને ચક્ષુઓનું દાન કરી ત્રણને નવું જીવન આપ્યું

સુરતએક મહિનો પહેલા

અંગદાનના શહેર તરિકેની ઉપમા મેળવનારા સુરતમાંથી વર્ષ 2023ની શરૂઆતમાં જ અંગદાન થયું છે. લેઉવા પટેલ સમાજના વિપુલભાઈ લાભુભાઈ ભીકડીયા ઉ.વ 38ના પરિવારે બ્રેઈનડેડ વિપુલભાઈના લિવર અને ચક્ષુઓનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. જેથી ટેક્ષટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

માથામાં દુઃખાવો થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરાયેલા
ઈ - 403, જલદર્શન એપાર્ટમેન્ટ, કોઝવે રોડ, સિંગણપોર ગામ, સુરત મુકામે રહેતા અને કતારગામમાં એમ્બ્રોઇડરીનું યુનીટ ધરાવતા વિપુલભાઈને તા. 22 ડિસેમ્બરના રોજ માથામાં દુઃખાવો અને ઉલ્ટી થતા તેમને કતારગામમાં આવેલ અનુભવ હોસ્પીટલમાં દાખલ કર્યા બે દિવસની સારવાર બાદ તેમની તબીયતમાં સુધારો જણાતા તેમને તા. 24 ડિસેમ્બરના રોજ હોસ્પીટલ માંથી રજા આપવામાં આવી હતી ઘરે આવ્યા બાદ થોડા કલાક પછી તેમણે ખેંચ આવતા તેમને ફરી અનુભવ હોસ્પીટલમાં દાખલ કર્યા ત્યારબાદ વધુ સારવાર માટે તેમને તા. ૨૫ ડિસેમ્બરના રોજ વિનસ હોસ્પિટલમાં ડૉ. રાકેશ કળથીયાની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા નિદાન માટે CT સ્કેન કરાવતા મગજની નસમાં લોહીનો ફુગ્ગો થઇ જવાને કારણે મગજની નસ ફાટી ગઈ હોવાનું નિદાન થયું હતું ન્યુરોસર્જન ડૉ. મેહુલ બાલધા અને ડૉ. જતીન માવાણીએ ક્લીપીંગ કરી મગજની ફાટી ગયેલી નસ બંધ કરી હતી ત્યારબાદ ફરી CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું ન્યુરોસર્જન ડૉ. મેહુલ બાલધાએ ૧ જાન્યુઆરીના રોજ ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગથ્થો અને સોજો દુર કર્યો હતો.

તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યા
તા. ૫ જાન્યુઆરીના રોજ ન્યુરોસર્જન ડૉ. મેહુલ બાલધા, ફીઝીશયન ડૉ. રાકેશ કળથીયા, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. પ્રેક્ષા જૈન, ડૉ. આકાશ બારડ, મેડીકલ ઓફિસર ડૉ. પાયલ પાટીલે વિપુલભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા.ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.પ્રેક્ષા ગોયલે ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી વિપુલભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી વિપુલભાઈની પત્ની આશાબેન, ભાઈ ભાવેશભાઈ, બનેવી દિલીપભાઈ અને વિજયભાઈ, સાળા વિપુલભાઈ અને જીગ્નેશભાઈ, પુત્ર ધાર્મિક અને પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

સારવાર દરમિયાન બ્રેઈનડેડે જાહેર થયેલા યુવકના અંગોનું દાન કરાયું હતું.
સારવાર દરમિયાન બ્રેઈનડેડે જાહેર થયેલા યુવકના અંગોનું દાન કરાયું હતું.

અંગદાનની પરિવાર સંમતી આપી
વિપુલભાઈના પરિવારજનોએ જણાવ્યું કે, વિપુલભાઈની કિડની છેલ્લા ચાર વર્ષથી ખરાબ થઇ ગઈ હતી અને તેમને કિડનીના ટ્રાન્સપ્લાન્ટની જરૂરત હતી. ઓર્ગન નિષ્ફળ થાય તેની પીડા અમે પણ અનુભવી છે. અમે વર્ષોથી ડોનેટ લાઈફની અંગદાનની પ્રવૃતિને સોશીયલ મીડિયામાં ફોલો કરી રહ્યા છે તેમજ વારંવાર વર્તમાનપત્રોમાં પણ ડોનેટ લાઇફની અંગદાનની પ્રવૃત્તિના સમાચાર વાંચતા હતા ત્યારે અમે હંમેશા વિચારતા હતા કે આ માનવ સેવા નું ઉમદા કાર્ય છે. આજે અમારું સ્વજન બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર બળીને રાખ જ થઇ જવાનું છે ત્યારે અમારા સ્વજનના અંગોના દાનથી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો તમે અંગદાન માટે આગળ વધો. વિપુલભાઈના પરિવારમાં તેમની પત્ની આશાબેન, પુત્રી નિષ્ઠા ઉ.વ ૧૬ કે જે શારદા વિદ્યાલયમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરે છે, પુત્ર ધાર્મિક ઉ.વ ૧૫ શ્રીસ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે.

હ્રદય અને ફેફસા દાનમાં ન આપી શકાયા
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો.SOTTO દ્વારા હૃદયમુંબઈની જશલોક હોસ્પિટલને, ફેફસાં ચેન્નાઈની MGM હોસ્પિટલને અને લિવર અમદાવાદની IKDRCને ફાળવવામાં આવ્યા.મુંબઈની જશલોક હોસ્પિટલના ડો.ઉપેન્દ્ર ભાલેરાવ અને તેની ટીમ તથા ચેન્નાઈની MGM હોસ્પિટલના ડો. સેંથિલ કુમાર અને તેમની ટીમ હ્રદય અને ફેફસા નું દાન સ્વીકારવા સુરત આવ્યા હતા પરંતુ હ્રદય અને ફેફસા ખરાબ થઈ ગયા હોવાથી તેનું દાન સ્વીકારી શકાયું ન હતું. લિવરનું દાન IKDRCના ડો. સુરેશ કુમાર અને તેમની ટીમે સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ એક જરૂરિયાતમંદ દર્દીમાં અમદાવાદની IKDRC માં કરવામાં આવ્યું છે.

મૃતકને આખરી સલામી પરિવાર અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા અપાઈ હતી
મૃતકને આખરી સલામી પરિવાર અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા અપાઈ હતી

તબીબોએ સાથ આપ્યો
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયામાં વિપુલભાઈના પત્ની આશાબેન, પુત્રી નિષ્ઠા, પુત્ર ધાર્મિક,ભાઈ ભાવેશ, બનેવી દિલીપભાઈ અને વિજયભાઈ, સાળા વિપુલભાઈ, જીગ્નેશભાઈ, ભીકડીયા પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ.મેહુલ બાલધા, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. આકાશ બારડ, ડો. પ્રેક્ષા ગોયલ, ફીજીશિયન ડૉ.રાકેશ કળથીયા, મેડીકલ ઓફિસર ડૉ. પાયલ પાટીલ, ડો. રોનક યાજ્ઞિક, ડો, રવિસા શેઠ, ડો. વીરેન પટેલ, વિનસ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના ટ્રસ્ટી હેમંત દેસાઈ, જગદીશભાઈ ડુંગરાણી, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, નિહિર પ્રજાપતિ, રોહન સોલંકી સહકાર સાંપડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...