ચૂંટણી ટાણે વધુ એક વખત સુરત કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ આવ્યો છે. જેમાં ટિકિટ ફાળવણી મુદ્દે કાર્યકરોની નારાજગી સપાટી પર આવી છે. જેથી કોંગ્રેસને આ બેઠક પર વધારે જોર લગાવવું પડશે. 159 - સુરત પૂર્વ બેઠક પર ટિકિટ મેળવવા કોંગ્રેસના દાવેદારો વચ્ચે છેલ્લા દિવસ સુધી કશમકશ ચાલી હતી. કોંગ્રેસે ઉમેદવાર તરીકે અસલમ સાયકલવાલાને નક્કી કરાતાં વિવિધ સ્થાનિક જુથોમાં અસંતોષ ફેલાયો હતો. સોમવારે કોંગ્રેસ કાર્યાલય પર ઉમેદવાર સાયકલવાલાના સમર્થકો અને સુરત કોંગ્રેસના ઉપપ્રમુખના વાઇરલ વિડિયોનો મુદ્દો ખુબ ચર્ચામાં હતો.
વિડિયોમાં એક ચા વાળાએ સાયકવાલાની ટિકિટથી નારાજ કાર્યકરો જો પાર્ટીનો નિર્ણય ન માને તો પગ તોડી નાખીશ તેવી ધમકી આપે છે. વિડિયોને પગલે પહેલાંથી અસંતુષ્ટ ચોક્કસ જૂથની નારાજગી હવે ખુબ વધી ગઇ છે. કાર્યાલયની ખુરશી પર પગ ચઢાવી નેતાએ કહ્યું કે, સ્થિતિ એ છે કે ઉમેદવાર સાઇકલવાળા માટે પૂર્વ બેઠક પર ચૂંટણી પ્રચારમાં જોડાવવાની ચોક્કસ જૂથે ધરાર ના પાડી દીધી છે. સોમવારે ચૂંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમ્યાન પણ આ જુથના નેતાઓએ સાયકલવાલાને જાકારો આપ્યો હતો. કાર્યાલય પર પૂર્વ બેઠક પર અપક્ષ ઉમેદવારોની સંખ્યા પણ વધી હોવાથી કોંગ્રેસે વધારે મહેનત કરવી પડશે.
સૌથી સેફ બેઠક પણ આંતરિક જૂથવાદ દેખાયો
સોમવારે બપોરે ચૂંટણી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસના મક્કાઇપુલ સ્થિત કાર્યાલય પર ભીડ દેખાતાં માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ભીડ વચ્ચે ગણ્યા-ગાંઠ્યા નેતા-કાર્યકરો વિવિધ બેઠકોના સમીકરણની આંતરિક ડિબેટ કરી રહ્યાં હતાં. જેમાં સૌથી સેફ જણાતી પૂર્વ બેઠક ઉપર આંતરિક જૂથવાદ ભારે પડશે તેવી સ્થિતિ અત્યારથી સ્પષ્ટ થતી જોવા મળી રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.