ફટાકડાના સ્ટોલમાં આગ:સુરતમાં એક ફટાકડો ફૂટ્યા બાદ સ્ટોલમાં પડેલા બધા ફટાકડા ધાણીની જેમ ટપોટપ ફૂટ્યા, ખરીદી કરવા આવેલા લોકોમાં મચી ભાગદોડ

સુરત23 દિવસ પહેલા
ફટાકડાના સ્ટોલમાં આગ લાગતા લોકોમાં નાસભાગ મચી
  • પાથરણા પાથરીને રોડ પર ફટાકડાનો સ્ટોલ બનાવાયો હતો
  • આસપાસના રેસિડેન્ટ અને કોમર્શિયલ વિસ્તારમાં પણ આગ પ્રસરવાનો ડર લોકોમાં જોવા મળ્યો

સુરતના પુણા ગામ વિસ્તારમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં રોડ પર પાથરણા પાથરીને બનાવાયેલા ફટાકડાના સ્ટોલની જગ્યા પર જ ફટાકડામાં આગ લાગી હતી. જોત જોતામાં સ્ટોલમાં રહેલા બધા ફટાકડા ધાણીની જેમ ટપોટપ ફૂટવા લાગ્યા હતા. જેથી આસપાસના લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સ્થાનિકો દ્વારા ઉતારી લેવામાં આવ્યો હતો.

એક ફટાકડાથી શરૂ થયેલી આગે આખો સ્ટોલ ખાસ કરી નાખ્યો
​​​​​
ફટાકડા વેચવાની જગ્યા પર જ ફટાકડામાં આગ લાગતા એક જ પાછળ સ્ટોલમાં રહેલો બધો ફટાકડાનો સામાન એકસાથે ફૂટવાનો શરૂ થઈ ગયો હતો. એટલા જવલંત રીતે આ ફટાકડા ફૂટતા હતા કે આસપાસના રેસિડેન્ટ અને કોમર્શિયલ વિસ્તારમાં પણ આગ પ્રસરી જાય તે પ્રકારનો ડર લોકોમાં જોવા મળ્યો હતો.

ગભરાયેલા લોકોમાં નાસભાગ મચી ગઈ
એકાએક બનેલી આગની ઘટનાથી આસપાસ ઉભેલા લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની ઈજા કોઇને થઇ નહોતી. ફટાકડામાં આગ લાગી હોવાથી સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી ન હતી, સ્ટોલમાં જેટલા ફટાકડા તે તમામ આ રીતે ફૂટ્યા બાદ સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી.