પાલિકામાં ભ્રષ્ટાચારના આરોપ હેઠળના 22 પડતર કેસોમાં નક્કર તપાસ કરાઇ ન હોવાની બાબત ગુજરાત તકેદારી આયોગને ધ્યાને આવતાં પાલિકા કમિશનરને પત્ર લખ્યો છે. આયોગે જણાવ્યું કે 18 ઓગસ્ટે મળનારી સમીક્ષા બેઠકમાં પેન્ડિંગ કેસો પર ચર્ચા કરાશે તે પહેલાં કથીત ભ્રષ્ટાચાર સહિતના પડતર કેસો અંગેના સંદર્ભ રજૂ કરવા સૂચના આપી છે. કેટલાક પંકાયેલા કર્મીઓ સામે દેખાડા ખાતર તપાસ તો સોંપાઇ હતી પણ ઘણા કેસમાં હજુ પણ ઠોસ કાર્યવાહીના અભાવે જે તે બાબુઓ મલાઇદાર પદો પર આરૂઢ છે.
તપાસ અધૂરી હોવાની આયોગે ગંભીર નોંધ
સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને પણ રજૂઆતો થઇ હોવાથી ગાંધીનગરથી વખતો વખત રિપોર્ટ માંગવામાં આવ્યા છે. તેમ છતાં પાલિકાએ ડિપાર્ટમેન્ટલી તપાસ ચાલી રહી હોવાનું જણાવી અધૂરી માહિતી આપી હોવાથી 27 જુલાઇએ આયોગે વીડિયો કોન્ફરન્સમાં સંપૂર્ણ માહિતી માંગી હતી. બહુગાજેલા 22 કિસ્સામાં લાંબા સમય બાદ પણ તપાસ અધૂરી હોવાની આયોગે ગંભીર નોંધ લીધી છે.
કેટલાક કિસ્સામાં તો લાંચ રૂશ્વત વિરોધી શાખા સુધી જઈ FIR થયા બાદ પણ સમયસર વિગતો આપવામાં આવી નથી. ACBને 4 વર્ષે પણ પુરાવા ન મળ્યા હોવાથી તે કેસમાં હજુ ચાર્જશીટ પણ સબમિટ થઇ શકી નથી. કચરા-ટ્રેકટર કૌભાંડ, 22 બાળકોને ભરખી જનાર તક્ષશિલા અગ્નિકાંડ, સ્ટ્રીટ લાઇટ ટેન્ડરિંગ કૌભાંડ અને ફાયર ઓફિસરની ભરતી કૌભાંડ સહિતના 22 કેસમાં તપાસની માહિતી મોકલવા આયોગે તાકીદ કરી છે.
8 વર્ષ પહેલાં થયેલી કરપ્શનની ફરિયાદની વિગતો પણ પેન્ડિંગ
આયોગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પડતર કેસોની સમીક્ષા કરવા પહેલાં સુરત પાલિકા પાસે કુલ 22 કેસોમાં સંપૂર્ણ માહિતી સબમીટ કરી ન હોવાનો ખેદ વ્યક્ત કર્યો છે. તેમ છતાં પાલિકા તંત્ર ગલ્લાં-તલ્લાં કરી રહ્યું છે. આયોગે રજૂ કરેલા 22 કેસોમાં વર્ષ 2014ની ભ્રષ્ટાચારની ફરિયાદના 2 કેસ અને 2019ના 49 કરોડના કચરાના ટ્રેક્ટર કૌંભાંડની માહિતી પણ પેન્ડિંગ છે.
એસીબીમાં FIR તો થઇ પણ 4 વર્ષે પછી પણ ચાર્જશીટની રાહ
પાલિકાના સ્ટ્રીટ લાઇટના અધિકારીઓ સામે વર્ષ 2018માં 2 ગુના નોંધાયા હતા. જેમાં લૂલી કાર્યવાહી અંગે તકેદારી આયોગે પુર્તતા માંગી છે. સૂત્રોએ જણાવ્યું કે, એસીબીમાં થયેલી ફરિયાદના 4 વર્ષ બાદ પણ પાલિકાએ પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરવાની મંજૂરી આપી નથી. જેના લીધે એસીબીની કાર્યવાહી પણ ઘોંચમાં પડી હોવાનું જાણવા મળ્યું છે. આયોગે આ અંગે પણ પાલિકા પાસે વિગત માંગી છે.
માહિતી પૂરી પાડવા વિજિલન્સ કમિશને પણ સૂચના આપી
સરકારી બાબુઓ પર નજર રાખતું સેન્ટ્રલ વિજિલન્સ કમિશન વિવાદીત પ્રકરણોની માહિતી એકઠી કરે છે. ઘણા કેસમાં અરજદારો ભ્રષ્ટાચારને ઉજાગર કરવા આયોગને પત્ર લખી ન્યાયીક પ્રક્રિયામાં સામેલ કરે છે. આ ફરિયાદોમાં કેટલું તથ્ય છે તેની તપાસ માટે વિભાગીય ડેટા મંગાય છે. આ અંગે વિજિલન્સ કમિશને માહિતી પુરી પાડવા સૂચના આપી છે. તેમ છતાં વર્ષો સુધી પૂરી માહિતી અપાઈ નથી.
પડતર કેસોની વિભાગીય તપાસ બાદ આયોગને જાણ કરાશે
આયોગની સમિક્ષા એક રૂટીન પ્રોસેસ છે. ફરિયાદના મુદ્દા મળે એટલે નિકાલ કરાય છે. મોટાભાગના કેસોનો નિકાલ કરાયો છે. વિભાગીય તપાસ કરી જવાબ રજૂ કરવાના હોય છે. જેમાં અરજદારોના આરોપને પણ ધ્યાનમાં રખાય છે. > કમલેશ નાયક, ડેપ્યુટી કમિશનર, પાલિકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.