તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારી શાળાની ડિમાન્ડ:સુરતની મોટા વરાછામાં આવેલી પાલિકાની સ્કૂલમાં એડમિશન માટે 3500 ફોર્મ આવતાં ડ્રો કરી પ્રવેશ અપાયા

સુરત3 મહિનો પહેલા
કોરોનાકાળ અને સારા શિક્ષણના પગલે મોટા વરાછાની પાલિકાની સ્કૂલમાં વિદ્યાર્થીઓના એડમિશન માટે વેઈટિંગ ચાલે છે
  • કોરોનાના કારણે અનેક લોકોએ ધંધા રોજગાર ગુમાવતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટા વરાછા વિસ્તારમાં આવેલી ઉત્રાણની સમિતિની એક સ્કૂલમાં છેલ્લા ત્રણ વર્ષથી ખાનગી સ્કૂલમાંથી નામ કઢાવીને પ્રવેશ મેળવવા માટે વાલીઓની લાઈન લાગી રહી છે. તેમાં પણ ગત વર્ષે કોરોનાના કારણે અનેક લોકોએ ધંધા રોજગાર ગુમાવતાં અનેક વાલીઓ પોતાના છોકરાઓને સરકારી સ્કૂલમા પ્રવેશ માટે દોડી રહ્યાં છે, તેના કારણે આ સ્કૂલમાં પ્રવેશ આપવા માટે ડ્રો સિસ્ટમ કરવી પડી રહી છે.

બે પાળીમાં 1600 વિદ્યાર્થી
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આમ તો વિવાદ અને શિક્ષણના ઉતરતા સ્તર માટે જાણીતી છે.પરંતુ ઉત્રાણ વિસ્તારની શાળા ક્રમાંક 334 અને 346 છેલ્લા ત્રણેક વર્ષથી સારા શિક્ષણના કારણે ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને સતત ખેંચી રહી છે. એક જ બિલ્ડીંગમાં ચાલતી બે પાળીની શાળા મળીને કુલ 1600 વિદ્યાર્થીઓની સંખ્યા છે. પરંતુ હાલમાં પ્રવેશ માટે 3500થી વધુ વિદ્યાર્થીઓ આવતાં અહી ડ્રો કરીને પ્રવેશ આપવો પડી રહ્યો છે.

પારદર્શિતા જળવાઈ રહે તે રીતે ગૂગલ ફોર્મથી એડમિશન ફોર્મ વિતરીત કરાયેલા
પારદર્શિતા જળવાઈ રહે તે રીતે ગૂગલ ફોર્મથી એડમિશન ફોર્મ વિતરીત કરાયેલા

ગૂગલ ફોર્મમાં વિગતો મંગાવાઈ
શાળાના આચાર્ય ચેતન હિરપરા કહે છે, આ વર્ષે કોરોના હોવાથી અમે વેકેશન પહેલાં જ ગૂગલ ફોર્મ સોશ્યલ મિડિયા મારફતે મોકલ્યા હતા. આ લિંકના આધારે લોકોએ ફોર્મ ભરીને પરત મોકલ્યા હતાં. તે ફોર્મની સંખ્યા 3500થી વધુ થઈ ગઈ હતી. આ શાળાનું શિક્ષણનું સ્તર ખાનગી શાળા કરતાં પણ સારૂ હોય વાલીઓ પોતાના બાળકોને આ સ્કૂલમાં પ્રવેશ અપાવવા માટે વધુ આગ્રહ રાખતા હોય છે.આ વર્ષે 1800ની સંખ્યા સામે 3500થી વધુ ફોર્મ આવતાં અમારે ડ્રો કરીને પ્રવેશ આપવો પડયો છે. આ સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકો આગલા ધોરણમાં જાય તેની સાથે મોટા ભાગના નવા વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલમાંથી આવે છે.

1800ની સંખ્યા સામે 3500થી વધુ ફોર્મ આવતાં ડ્રો કરવો પડ્યો હતો.
1800ની સંખ્યા સામે 3500થી વધુ ફોર્મ આવતાં ડ્રો કરવો પડ્યો હતો.

પહેલા વિદ્યાર્થીઓ શોધવા જવા પડતાં
સવારની પાળીના આચાર્ય રમાબેન પદમાણી કહે છે કે, સ્કૂલનું પહેલું વર્ષ હતું ત્યારે અમારે પ્રવેશ માટે વિદ્યાર્થીઓને શોધવા જવા પડતાં હતાં. પરંતુ હવે અમારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે ડ્રો કરવો પડી રહ્યો છે. તેઓ પણ કહે છે. અમારી સ્કૂલના શિક્ષકો ખાનગી સ્કૂલ કરતાં પણ સારી રીતે શિક્ષણ આપી રહ્યાં છે, અને તે પરિણામ સારૂ આવતું હોવાથી વાલીઓ અમારી શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવે છે.

બાળકોને મોંધી ફી વાળી ખાનગી સ્કૂલમાં ભણાવવા મુશ્કેલ બનતા વાલીઓનો ધસારો વધ્યો
બાળકોને મોંધી ફી વાળી ખાનગી સ્કૂલમાં ભણાવવા મુશ્કેલ બનતા વાલીઓનો ધસારો વધ્યો

આવક ઘટતા ધસારો
સ્કૂલમાં પ્રવેશ માટે આવેલા એક વાલીએ કહ્યું હતું કે, આ શાળાનું શિક્ષણ તો સારૂ જ છે. પરંતુ ગત વર્ષે કોરોનાના કારણે જે રીતે લોકોના ધંધા રોજગાર ચૌપટ થઈ ગયાં છે. તેના કારણે બાળકોને મોંધી ફી વાળી ખાનગી સ્કૂલમાં ભણાવવા મુશ્કેલ બની રહ્યાં છે. આવક ઘટી છે. પરંતુ ફી ઘટી ન હોવાથી અમે અમારા બાળકોને સરકારી શાળામાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.શિક્ષણ સમિતિની ઉત્રાણની પ્રાથમિક શાળામાં કેટલાક લોકો મોંઘવારી અને મંદીના કારણે ખાનગી સ્કૂલની ફી નહી ભરી શકતાં ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં અભ્યાસ માટે મૂકી રહ્યાં છે. તો બીજી તરફ શિક્ષણ સમિતિની સ્કૂલમાં જ નોકરી કરતાં આચાર્ય અને નિરીક્ષકો પણ પોતાના બાળકોને સમિતિની શાળામાં અભ્યાસ માટે મૂકી રહ્યાં છે.

સ્કૂલમાં રમત ગમતના મેદાનથી લઈને તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.
સ્કૂલમાં રમત ગમતના મેદાનથી લઈને તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

સમિતિનું શિક્ષણનું સ્તર ઘણું સુધર્યું : અધ્યક્ષ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં વખતથી શિક્ષણ સમિતિમાં શિક્ષણનું સ્તર સુધરતું રહ્યું છે. સરકાર અને પાલિકા દ્વારા જે સુવિધા આપવમાં આવે છે તે સાધનોનો ઉપયોગ કરીને શિક્ષકો વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ આપી રહ્યાં છે. શિક્ષણ સમિતિનું સ્તર સતત સુધરતું હોવાથી લોકો પોતાના બાળકોને ખાનગી સ્કૂલમાંથી શિક્ષણ સમિતિની સ્કૂલમાં અભ્યાસ માટે મુકી રહ્યાં છે.

ઉપલાં ધોરણમાં વિદ્યાર્થી જાય તેના કરતાં નવા એડમિશન વધુ આવે છે.
ઉપલાં ધોરણમાં વિદ્યાર્થી જાય તેના કરતાં નવા એડમિશન વધુ આવે છે.

આચાર્ય અને નિરીક્ષકો પણ બાળકોને સમિતિની સ્કૂલમાં ભણાવે છે
સમિતિની શાળા ક્રમાંક 93ના આચાર્ય હરેશ કણઝરીયાએ જણાવ્યું હતું કે, સમિતિની શાળાના ધો.1માં પ્રજ્ઞા પ્રોજેકટ ચાલે છે. ઉપરાંત સમિતિની સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભાર વિનાનું ભણતર આપવામાં આવે છે તેથી વિદ્યાર્થીઓનો માનસિક વિકાસ પણ ઘણો સારો થાય છે. આ ઉપરાંત સમિતિના શિક્ષકો વિદ્યાર્થીઓને દિલ લગાવીને અભ્યાસ કરાવી રહ્યાં છે. ઉપરાંત શિક્ષણ સમિતિ અપડેટ થઈ રહી છે તેથી મે માંરા બાળકને ઉત્રાણની સ્કૂલના ધોરણ-1માં અભ્યાસ માટે મૂક્યો છે. આ ઉપરાંત સમિતિના નિરીક્ષક કિશોર વાઘાણીનો પુત્ર પણ સમિતિની શાળામા અભ્યાસ કરતો હોવાનું સમિતિ અધ્યક્ષે જણાવ્યું હતું.