કોર્ટનો ચુકાદો:સુરતમાં પતિ અને તેના પરિવારજનો સામે પત્નીએ કરેલી મારામારી અને દહેજની ફરિયાદમાં સાસરિયાંઓને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો હુકમ

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત કોર્ટની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત કોર્ટની ફાઈલ તસવીર.
  • સરતપાસ તથા વધુ ઉલટ તપાસમાં વિરોધાભાસ જોવા મળ્યો

સુરતમાં પતિ અને તેના પરિવારજનો સામે પત્નીએ કરેલી મારામારી તેમજ દહેજની ફરિયાદમાં સાસરીયાઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો હતો. કોર્ટે પોતાનો ચૂકાદો આપતા કહ્યું હતું કે, ગુનો સાબિત ન થાય ત્યાં સુધી આરોપીઓ નિર્દોષ હોય છે.

મહિલાએ પિયર ગયા બાદ ફરિયાદ નોંધાવી હતી
રૂદરપુરામાં રહેતા વિરાજ સોલંકીના લગ્ન ઇચ્છાનાથમાં રહેતી પૂજા સોલંકી (નામ બદલ્યુ છે)ની સાથે સને-2009માં થયા હતા. તેઓને લગ્નજીવન થકી એક પુત્ર પ્રાપ્ત થયો હતો. લગ્નના થોડા સમય બાદ પૂજા વારંવાર પોતાના પિયરમાં જવાની જીદ કરીને ઝઘડાઓ કરતી હતી. 2011માં પૂજા અને વિરાજની વચ્ચે કોર્ટ કેસો પણ થયા હતા. 2012માં પૂજાબેન પિયરમાં ચાલી ગયા બાદ પરત આવ્યા ન હતા, આ ઉપરાંત વિરાજભાઇ અને તેમના પરિવારજનોની સામે દહેજ તેમજ મારામારીની ફરિયાદ કરી હતી.

ફરિયાદ પક્ષ આરોપી સામેનો કેસ પુરવાર કરવામાં નિષ્ફળ
આ કેસમાં વિરાજભાઇ તરફે વકીલ પ્રીતિ જીજ્ઞેશ જોષી હાજર રહ્યા હતા. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ ચૂકાદો આપતા કહ્યું હતું કે, જ્યારે સરતપાસ તથા વધુ ઉલટતપાસમાં વિરોધાભાસ જોવા મળતો હોય ત્યારે માત્ર સરતપાસની જુબાનીના આધારે આરોપી સામેના આક્ષેપો સાબિત માની શકાય નહીં. ફરિયાદ પક્ષ આરોપી સામેનો કેસ પુરવાર કરવામાં નિષ્ફળ નીવડ્યા હતા અને વિરાજભાઇ તેમજ તેમના પરિવારજનોને દહેજ અને મારામારીના કેસમાંથી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરાયો હતો.