સુરતમાં હજીરાથી ગોથાણ સુધી નવા રેલવે ટ્રેકને શરૂ કરવા માટે જમીન સંપાદન માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જેનો ખેડૂતો હવે વિરોધ કરવાનું શરૂ કરી રહ્યા છે. જાહેર થયેલા જાહેરનામાને ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જહાંગીરપુરા ખેડૂત સમાજની ઓફિસ ખાતે આજે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 14 ગામના 270 જેટલા ખેડૂતો એકત્ર થયા હતા. ખેડૂતોએ માગ કરી છે કે આ રેલવે ટ્રેકની કોઈ જરૂરિયાત નથી જે હયાત રેલવે ટ્રેક છે તેનો જ ઉપયોગ કરવામાં આવે છે. જેથી કરીને ખેડૂતોને પોતાની જમીન આપવી ન પડે અને સરકારે પણ એ જ પ્રકારે આયોજન કરવું જોઈએ. જેથી કરીને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો ન થાય.
ઉદ્યોગગૃહોને લાભ કરાવવા માટે પ્રયાસનો આક્ષેપ
હજીરા સ્થિત આવેલા ઔદ્યોગિક એકમોને લાભ પહોંચાડવા માટે સરકાર દ્વારા રેલવે ટ્રેક લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે આ રેલવે ટ્રેકને કારણે જે જમીન સંપાદન થવાની છે તેને માત્ર ખાનગી કંપનીઓને જ લાભ થવાનો છે. કોઈપણ સરકારી કંપની અને તેનો લાભ મળવાનો નથી. છતાં પણ સરકાર જમીન સંપાદન કરવા માટે પ્રયાસ કરી રહી છે. હયાત જે ટ્રેક છે તે ટ્રેક પર જ મિટિંગ કરીને વધારાની ટ્રેનને પણ દોડાવી શકાય તે પ્રકારની તમામ વ્યવસ્થા હોવા છતાં સરકાર ડબલ ટ્રેક બનાવવાની ખોટી માનસિકતાને કારણે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. આ જમીન હવે શહેરી વિસ્તારમાં લાગતી હોવાથી કરોડો રૂપિયાની ખેડૂતોની જમીન સરકાર ખોટી રીતે લઈ લે અને ઉદ્યોગગૃહોને લાભ કરાવવા માટે પ્રયાસ કરે છે.
ખેડૂતો લડી લેવાના મૂડમાં
ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું કે આ જે ગામોની અંદર જમીન સંપાદન થવાના છે તે પૈકીના કેટલાક ખેડૂતો આજે બેઠકમાં હાજર રહ્યા હતા. ખેડૂતોને નોટિસ પહોંચતાની સાથે જ હવે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. સરકાર સમયાંતરે ખેડૂતોની જમીન વિકાસના નામે સંપાદન કરીને લઈ લે છે અને તેની મોટી અસર ખેડૂતો ઉપર થઈ રહી છે. અત્યારે સ્થિતિ એવી છે કે વિકાસના કામને લઇને ખેડૂતો પાસે જે જગ્યા હતી એ મોટાભાગની જગ્યાઓ સરકારે લઈ લીધી છે. હવે જાણે ખેડૂતો જમીન વિહોણા થઈ ગયા છે તેવી સ્થિતિ દેખાઈ રહી છે. છતાં પણ હજી સરકાર ખેડૂતોની જમીન લઇ લેવા માટે મથામણ કરી રહી છે. હજીરાથી ગોથાણ સુધી જે નવા રેલવે ટ્રેકની કામગીરી શરૂ કરવાની માનસિકતા સરકાર સેવી રહી છે તેનો એક સૂરમાં તમામ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને કોઈ પણ ભોગે સરકારને જમીન ના આપવા માટેની ચિમકી ઉચ્ચારી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.