સુરતના ક્રાઈમ ન્યૂઝ:રિલાયન્સ નિપોન લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીનું પેમેન્ટ રિલિઝ કરવાના નામે ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લાઇફ ઇન્શ્યોરન્સના પોલિસીના પૈસા રિલીઝ કરવાના નામે પૈસા પડાવ્યા હતાં. - Divya Bhaskar
લાઇફ ઇન્શ્યોરન્સના પોલિસીના પૈસા રિલીઝ કરવાના નામે પૈસા પડાવ્યા હતાં.

ઓનલાઇન ફ્રોડના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક ફરિયાદ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેમાં ફરિયાદીને રિલાયન્સ નિપોન લાઈફ ઇન્શ્યોરન્સની પોલિસીનું પેમેન્ટ રિલીઝ કરવાના બહાને લોકપાલમાંથી બોલતા હોવાની ઓળખ આપીને આરોપીઓએ પોલીસીનું પેમેન્ટ રિલીઝ કરવાના ચાર્જ પેટે ફરિયાદી પાસેથી 6,79,902 રૂપિયા પડાવી લીધા હતા. સાયબર ક્રાઇમ પોલીસે આરોપીને ઉત્તરપ્રદેશથી પકડી પાડ્યો છે.

લોકપાલમાંથી બોલતા હોવાની ઓળખ આપીને છેતરપિંડી થઈ
એક તરફ ટેકનોલોજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે. તો બીજી તરફ આ ટેકનોલોજીના જ માધ્યમથી છેતરપિંડીના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 17-9-2022થી 22-11-2022 દરમિયાન એક મોબાઈલ નંબર પરથી તેમને ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ ઓમ પ્રકાશ હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ અન્ય એક મોબાઇલ પરથી પણ ફરિયાદીને ફોન આવ્યો હતો અને તે વખતે ફરિયાદીને ફોન કરનારે પોતાની ઓળખ પ્રિયા મહાજન તરીકે આપી હતી. ત્યારબાદ ફરી ફરીયાદીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતાની ઓળખ યોગેશ તરીકે આપી હતી અને યોગેશે કહ્યું હતું કે, તે NPCL તથા આઈકર વિભાગમાંથી બોલે છે અને તેને ફરિયાદીને કહ્યું હતું કે, રિલાયન્સ નીપોનની પોલિસી પકાવવા માટે અને પોલિસીના 18,17,000 રૂપિયા મેળવવા માટે ફરિયાદીને ચાર્જ ભરવો પડશે.

સરકારની લાડલી યોજનાના નામે પૈસા પડાવ્યા
આ ઉપરાંત ફોન કરનારે ફરિયાદીને લાડલી યોજનાના નામે પણ ચાર્જ ભરવા માટે જણાવ્યું હતું. આમ ફરિયાદીએ અજાણ્યા ઇસમને 18,17,000 રૂપિયા મેળવવાની લાલચમાં 6,79,902 રૂપિયા ટુકડે ટુકડે ટ્રાન્સફર કર્યા હતા. અંતે ફરિયાદીને પોતે છેતરાયા હોવાની જાણ થતા તેમને આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને આરોપીને પકડવા માટે ટેકનિકલ સર્વેલન્સના આધારે તમામ પ્રયાસો કર્યા હતા. પોલીસે બાતમીના આધારે છેતરપિંડી કરી ઓનલાઇન પૈસા પડાવી લેનાર આરોપી દેવેન્દ્ર આશારામ ગુપ્તાની ધરપકડ કરી છે. આરોપી ઉત્તર પ્રદેશના ગાજીયાબાદના વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર 9માં રહેતો હતો.

અન્ય સમાચારો પણ છે...