ધરપકડ:ડિંડોલીમાં ચોરીનો આરોપી 9 ફૂટ ઊંચેથી કૂદી ભાગ્યો, પોલીસે ફિલ્મીઢબે પકડ્યો

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્ત બંનેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા બાદ રજા અપાઈ
  • ​​​​​​​આરોપી સાહિલને ડિંડોલી પોલીસે કામરેજ પોલીસના હવાલે કરી દીધો

ડિંડોલી પોલીસે વાહન ચેકીંગ દરમિયાન શંકાના આધારે ચોરીની બાઈક સાથે ઝડપાયેલા એક આરોપીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં ડીસ્ટાફની ઓફિસમાંથી આરોપીએ નજીકના મંદિર પર કુદકો મારી અને ત્યાંથી 9 ફૂટ જેટલી ઉંચાઈથી નીચે કુદી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલે પણ પાછળ દોડી ઉંચાઈએથી કુદકો મારી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ અને આરોપી બન્નેને આ બનાવમાં ઈજા થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિલટલ ખસેડાયા હતા. જ્યાંથી બન્નેને સારવાર બાદ રજા આપી દેવાઈ હતી.

ડિંડોલી પોલીસ વાહન ચેકીંગની કામગીરી કરતી હતી. દરમિયાન સાહિલ ઉર્ફે ભાંજા સાજીદ હુસેન સૈયદ(20)નામનો યુવક બાઈક લઈ પસાર થતો હતો. બાઈકમાં ચાવી ન હોવાથી પોલીસને શંકા ગઈ હતી. જેથી બાઈકના નંબર એમપરીવહનમાં ચેક કર્યો હતો. જેમાં કામરેજ વિસ્તારની બાઈક હોવાની જાણ થતા ડીસ્ટાફ પીએસઆઈ હરપાલસિંહ મસાણીએ કામરેજ પોલીસ મથકમાં પુછપરછ કરી હતી.

જેમાં સાહિલ પાસેની બાઈક ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હોવાની પોલીસ સ્ટેશનમાંથી જણાવ્યું હતું. જેથી પોલીસે સાહિલને પુછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. દરમિયાન સાહિલે ફરજ પર હાજર પોલીસ કર્મચારી પાસે પીવા માટે પાણીની માંગણી કરી હતી. પોલીસ કર્મચારી પાણી લેવા જતા સાહિલે દોટ મુકી હતી અને ડીસ્ટાફ ઓફીસની નજીકના મંદિરની છત પર કુદકો મારી 9 ફૂટ જેટલી ઉંચાઈ પરથી નીચે મંદિર પર કૂદી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, આ દરમિયાન ત્યાં હાજર હેડ કોન્સ્ટેબલે પણ પાછળ દોટ મુકી તેની પાછળ પાછળ મંદિરની છત પર કુદકો મારી નીચે કુદકો માર્યો હતો અને તેને પકડી લીધો હતો. 9 ફૂટ જેટલી ઉંચાઈ પરથી બન્ને કુદ્યા હોવાથી બન્નેને સામાન્ય ઈજા થઈ હતી. જેથી બન્નેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાંથી સારવાર બાદ રજા આપી દેવાતા સાહિલને ડિંડોલી પોલીસે કામરેજ પોલીસના હવાલે કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...