ગુજરાતના ઈતિહાસમાં સૌથી ઝડપી ચુકાદો:સુરતમાં પોર્ન વીડિયો જોઈ અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને માત્ર 29 દિવસમાં જ ફાંસીની સજા

સુરત8 મહિનો પહેલા
આરોપીને તકસીરવાર ઠેરવાયો ત્યારે પણ કોર્ટમાં બેફીકર જોવા મળ્યો હતો.
  • આરોપીને ફાંસીની સજા અપાવવા માટે 31 ચુકાદા રજૂ કરાયા
  • પિશાચી ઘટના, બાળકીનાં આંતરડાં બહાર આવી ગયાં હતાં
  • 20 લાખ રૂપિયાનું સરકારી વળતર ચૂકવવા કોર્ટે હુકમ કર્યો

સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરવાના કેસમાં દોષિત ઠરાવાયેલા ગુડ્ડુ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. સરકારી વકીલ નયન સુખડવાલા મુજબ, આ ગુજરાતના ઈતિહાસનો સૌથી ઝડપી ચુકાદો છે. કોર્ટે માત્ર 29 દિવસમાં ફાંસીની સજા ફટકારી છે. એમાં પણ અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવાના કેસમાં ઈતિહાસમાં ક્યારેય આટલો ઝડપી ચુકાદો આવ્યો નથી.

આ પહેલાં પોલીસે આરોપીની ધરપકડ કરી 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી, જેમાં 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી. સોમવારે આરોપી આ કેસમાં તકસીરવાર ઠેરવાયો હતો, જેમાં આજે (મંગળવારે) કોર્ટે ચુકાદો આપતાં ફાંસીની સજા જાહેર કરી હતી, સાથે જ બાળકીના પરિવારને 20 લાખની સરકારી વળતર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે.

આરોપીને કડક સજા થાય એ માટે સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરી હતી.
આરોપીને કડક સજા થાય એ માટે સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરી હતી.

પોલીસે વૈજ્ઞાનિક પૂરાવા એકઠાં કર્યા-પોલીસ કમિશનર
પોલીસ કમિશનર અજય તોમરએ જણાવ્યું હતું કે,પોલીસે દિવાળી હોવા છતાં તહેવારને અવગણીને બાળકીની શોધખોળ ચલાવી હતી. બાળકી મળી આવ્યા પછી પીએમમાં તેના પર દુષ્કર્મ થયાનું સામે આવતાં તપાસ હાથ ધરી હતી. આરોપીને ઝડપી લઈને તમામ વૈજ્ઞાનિક પૂરાવા એકઠાં કર્યા હતાં. બાદમાં માત્ર આઠ જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. પોલીસની એસઓજી,ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમોએ ઝડપી કામગીરી કરીને બાળકીને ન્યાય અપાવ્યો છે.પાંડેસરા ટીમ અને આ કેસમાં કામ કરનાર જવાનોને સ્પેશિયલ પુરસ્કાર માટે રજુઆત કરીશ તેમ કમિશનરે વધુમાં ઉમેર્યું હતું.

ઝડપી ન્યાય મળ્યો-હર્ષ સંઘવી
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગણતરીના દિવસોમાં જ બાળકીને ન્યાય અપાવવામાં સફળતા મળી છે. પોલીસના જવાનોએ ખૂબ ઉમદા કામગીરી કરીને માત્ર ગણતરીના સાત દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી. ન્યાયતંત્રની સાથે સંકળાયેલા વકીલો,તબીબોની ટીમ એફએસએલ તથા ડીએનએ સહિતની તમામ ટીમોએ ખૂબ ઝડપી કામગીરી કરીને ઝડપી ન્યાય બાળકીને અપાવ્યો છે. હું પોલીસ અને વકીલો સાથે પણ સતત સંપર્કમાં હતો અને તમામ મદદની ખાતરી અપાઈ હતી. ગુજરાતમાં હવે ન્યાય માટે લાંબો સમય રાહ ન જોવી પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે.

તમામ વિભાગનો સાથ મળ્યો
સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું હતું કે નરાધમના નરપિશાચી કૃત્યની યોગ્ય સજા કોર્ટે ફટકારી છે. પોલીસ, તબીબી ટીમ સહિત ન્યાયતંત્ર સાથે સંકળાયેલા લોકોનો પૂરતો સપોર્ટ મળ્યો હતો. ઝડપી ચુકાદામાં યોગ્ય ન્યાય બાળકીને મળે એ માટે શક્ય તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ પણ આ કેસ ઝડપથી ચાલે અને ન્યાય મળે એ માટે સંબંધિત વિભાગમાં ટેલિફોનિક સંપર્ક કર્યો હતો.

બાળકીની માતાએ રડતી આંખે ન્યાય સ્વીકાર્યો
ભોગ બનનાર અઢી વર્ષની બાળકીની માતાએ ચુકાદાને આવકાર્યો હતો. કોર્ટ પરિસરમાં બાળકીની માતા રડી પડી હતી. રડતી આંખે બાળકીની માતાએ કહ્યું હતું કે 'સાહેબ ન્યાય મિલા, બહુત મદદ કી'. ઝડપી ન્યાયને પણ તેણે આવકાર્યો હતો.

ઝડપથી ફાંસી મળે એ જ આશાઃબાળકીના પિતા
બાળકીના પિતાએ કહ્યું હતું કે આશા નહોતી એટલી ઝડપથી ચુકાદો આવ્યો છે, જેનો અમને રાજીપો છે. મારી દીકરીને ન્યાય મળ્યો છે. પોલીસ સહિતના તમામ વિભાગોએ ખૂબ સારી કામગીરી કરી છે. સરકારી વકીલને મેં માત્ર એટલું જ કહેલું કે સાહેબ મારી દીકરીને ન્યાય અપાવજો. તેમણે અમારી ધારણા કરતાં વધારે ઝડપથી ન્યાય અપાવ્યો છે. ચુકાદાથી અમારો પરિવાર સંતુષ્ટ છે. હવે ઝડપથી આ નરાધમને લટકાવી દેવામાં આવે તો મારી બાળકીના આત્માને શાંતિ મળે.

કડક સજા અપાવવા દલીલ
પાંડેસરા-વડોદમાં મહિના અગાઉ અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની નિર્દયતાપૂર્વક હત્યા કરવાના કેસમાં 38 વર્ષીય આરોપી ગુડ્ડુ યાદવને સોમવારના રોજ કોર્ટે તકસીરવાર ઠેરવી તેનો ચુકાદો આજે (મંગળવાર)ના રોજ સુધી મુલતવી રાખ્યો હતો. આરોપીને કડક સજા અપાવવા માટે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ધારદાર દલીલો કરતાં જણાવ્યું હતું કે આરોપીએ બાળકીની જ નહીં, ભારતના ભવિષ્યની હત્યા કરી છે.

31 ચુકાદા રજૂ કરાયા
આરોપી સામેનો કેસ રેરેસ્ટ ઓફ રેર છે, તેને મહત્તમ એવી ફાંસીની જ સજા આપવી જોઇએ. આ માટે સરકાર તરફીથી કુલ 31 એવા ચુકાદા રજૂ કરવામાં આવ્યા હતા, જેમા બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હોય. આજે બાળકી પર આરોપીએ ગુજારેલા અમાનુષી અત્યાચારની કહાણી સરકારી દલીલ સ્વરૂપે સાંભળતાં જ અનેક લોકો ‘ઓહ માય ગોડ’બોલી ઊઠયા હતા.

પોલીસે ગણતરીના સમયમાં જ બાળકીનો મૃતદેહ શોધ્યો હતો.
પોલીસે ગણતરીના સમયમાં જ બાળકીનો મૃતદેહ શોધ્યો હતો.

આરોપીની નિષ્ઠુરતા દેખાઈ
આરોપી ગુડ્ડુ યાદવને સોમવારે કોર્ટમાં લવાયો હતો . આ દરમિયાન આરોપી ગુડ્ડુ કોર્ટની અંદર અને બહારની કસ્ટડીમાં હતો ત્યારે ગુનાના લીધે તે પસ્તાતો હોય એવું તેના ચહેરા પરથી જરાય લાગતું નહોતું. જ્યારે સજા સાંભળ્યા બાદ આરોપીની આંખમાં કોઈ ગમ દેખાયો નહોતો.

આરોપી બાળકીને લઈને જતા સીસીટીવીમાં કેદ થયો હતો.
આરોપી બાળકીને લઈને જતા સીસીટીવીમાં કેદ થયો હતો.

8 દિવસમાં ચાર્જશીટ, 7 દિવસ ટ્રાયલ, 33મા દિવસે ચુકાદો
દિવાળીની આગલી રાત્રિ, એટલે કે ચોથી નવેમ્બરના રોજ માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને પરપ્રાંતીય એવો ગુડ્ડુ યાદવ વડોદ નજીક ઝાડીઝાખરમાં લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ ગુજારી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આરોપી બે દિવસ બાદ પોલીસની પકડમાં આવ્યો હતો. બાદમાં પાંડેસરા પોલીસે સાત જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી અને સરકાર પક્ષે 7 દિવસમાં જ ટ્રાયલ પૂરી કરી હતી. કુલ 69 સાક્ષી પૈકી સરકાર પક્ષે 42 સાક્ષી જ ચકાસ્યા હતા.

બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા બાદ ઝાડીઓમાં ફેંકી આરોપી નાસી ગયો હતો.
બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા બાદ ઝાડીઓમાં ફેંકી આરોપી નાસી ગયો હતો.

ફાંસી કેમ: રેરેસ્ટ ઓફ રેર કેસની કેટેગરીનો ગુનો
સરકાર પક્ષની દલીલ હતી કે સજા ગેરબંધારણીય નથી. આ કેસ રેરેસ્ટ ઓફ રેર કેસની કેટેગરીમાં આવે છે, જેથી તેને ફાંસીની જ સજા કરવી જોઇએ. ફાંસીની સજાની દલીલ અગાઉ સરકાર પક્ષે ફાંસીની સજાનો પૂર્વ ઇતિહાસ બતાવ્યો. અમેરિકામાં થોડા સમય માટે ફાંસીની સજા દૂર કરાઈ,બાદમાં ગુના વધ્યા અને ફરી ફાંસીની સજા ફરી આવી. જો ગુનો ગંભીર હોય અને રેરેસ્ટ ઓફ રેર હોય તો ફાંસી આપવી જોઇએ. રેરેસ્ટ ઓફ રેર કોને કહેવાય, એ પણ જાણવા જેવું છે. ગુનામાં કોઇ અસામાન્ય બાબત છે અને જો અસામાન્ય સંજોગ હોય તો આજીવનકેદની સજા કેમ ઓછી પડે એ જોવું જોઇએ. ઉગ્ર થતાં અને શાંત થતાં સંજોગો એમાં ધ્યાનમાં લેવાય છે. ઉગ્ર સંજોગો જેમાં પ્રોસિક્યુશન તરફથી જે દલીલો હોય અને શાંત થતા સંજોગો જેમાં હાલનો આરોપી કહે છે કે મારાં બે સંતાનો છે. બધું જોયા બાદ એમ લાગે કે ફાંસી જરૂરી છે તો ફાંસી કરવી જોઇએ. આ કેસમાં પોક્સો વગેરે સહિતની કલમો છે, જે બતાવે છે કે સોસાયટીને જરૂર છે કે આવા આરોપીઓને કડક સજા મળે. બાળકીનો પરિવાર આરોપીને આંગળી પણ અડાવી શકતો નથી, કેમ કે તે કાયદામાં માને છે, પરંતુ કલમ આરોપીને ફાંસીની સજા અપાવી શકે છે.

246 પાનાંની ચાર્જશીટ રજૂ થયેલી
પોલીસે 246 પાનાંની ચાર્જશીટ રજૂ કર્યા બાદ ઈન્સાફી કાર્યવાહી શરૂ થઈ હતી. ડોક્ટરો, એફએસએલ, આરોપીના ઘરમાલિક, મિત્ર અને અન્ય સાક્ષીઓની ઊલટતપાસ પૂરી થઈ ગયા બાદ અંતિમ દલીલો પહેલી ડિસેમ્બરના રોજ મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા કોર્ટ સમક્ષ રજૂ કરાઈ હતી.