ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત વર્ષોથી વિવિધ ગુનામાં સંડોવાયેલા હોય અને પોલીસના હાથે ન લાગ્યો હોય તેવા આરોપીને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચ સક્રિય થઇ છે. ટેક્નીકલ સર્વેલન્સ તથા હ્યુમનઈન્ટેલિજન્સની મદદથી વર્કઆઉટ કરી ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ 2008માં નોધાયેલ હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપી જુલ્લો સુરેન્દ્ર શાહને ઓડિશાના ઘનશ્યામ ડિસ્ટ્રીકમાંથી ઝડપી પાડ્યો છે.
2008માં હત્યા કરીને ફરાર થઈ ગયો હતો
ઉધના સોનલ ઈન્ડસ્ટ્રીઝ વિભાગ -2 પ્લોટ નં -11ના પહેલા માળે પ્રભાત ગૌડ નામના કારીગરની સાથે અગાઉના ઝઘડાની અદાવત રાખી તેના જ ગામના કારીગરો શુસાંત ઉર્ફે કાલીયા શાહુ, બેન્બો ઉર્ફે બલરામ શાહુ, કાલીયા ઉર્ફે ગુંગા શાહુ, જુલ્લો શાહુ, સુરેશ દાસે લોખંડના પાઈપ, ફટકા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ કરી હત્યા કરી નાસી ગયેલ હતા. જે બાબતે તા .01 ઓક્ટોબર 2008ના રોજ અજાણ્યા ઈસમો વિરુધ્ધમાં ગુનો નોંધાયેલ હતો. પોલીસે તપાસ કરતા ગુનામાં એક આરોપી શુસાંત ઉર્ફે કાલીયા ગોપીનાથ શાહુ પકડાયેલ હતો. આ સિવાય બીજા કોઇ આરોપી આજદિન સુધી પકડાયેલ ન હોય આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતા હતા. આરોપીઓને પકડી પાડવા ખાનગી બાતમીદારો મારફતે હકીકત મેળવી ઓડિશા ખાતેથી આરોપી જુલ્લો શાહુને પકડી પાડવામાં આવેલ છે.
વિવિધ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચ સક્રિય
સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખૂબ જ સતર્કતાથી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા દોઢ-બે મહિનાથી સતત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિવિધ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. હત્યા લૂંટ જેવા ગંભીર ગુનાઓની અંદર લાંબા સમયથી પોલીસને ચકમો આપીને વોન્ટેડ રહેતા આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતાઓ પણ મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.