એક વર્ષ અગાઉ વડાંપાઉં આપવાની લાલચે દસ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેને ઇંટના છ ઘા મારી હત્યા કરનારા આરોપી દિનેશ બેસાણેને કોર્ટે તમામ કલમ હેઠળ દોષી જાહેર કર્યો હતો. કોર્ટ આગામી 16મી ડિસેમ્બર સુધી ચુકાદો મુલતવી રાખ્યો હતો. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલ કરી હતી કે બળાત્કાર અને બાદમાં ક્રુર રીતે હત્યા કરવામાં આવી છે. રેરેસ્ટ ઓફ રેર કેસ ગણી આરોપીને ફાંસીની સજા આપવી જોઇએ.
આરોપી દિનેશ બૈસાણે વતી બચાવ કરાયો હતો કે તેની ઉંમર નાની છે અને માતા બિમાર છે તેની જવાબદારી પણ આરોપીના શિરે છે. જેની સામે સરકાર પક્ષની દલીલ હતી કે જ્યાં સુધી બિમાર માતાની વાત છે ત્યારે બનાવના દિવસે માતાને ચાર વાગ્યે આરોપીએ હોસ્પિટલ લઇ જવાની હતી પરંતુ એ અગાઉ જ તે માતાની બિમારી ભૂલી ત્રણ વાગ્યાની નજીક બાળકીને લાલચ આપી બળાત્કાર-હત્યા કરી રહ્યા હતો.
ઝાડીમાં લઈ જઈ રેપ કર્યો હતો
તા. સાતમી ડિસેમ્બર, 2020ના રોજ બનાવ બન્યો હતો. આરોપી દિનેશ દશરથ બૈસાણે બાળકીને વડાંપાઉં ખવાડવી ઉધના સ્થિત ઇન્ડસ્ટ્રીયલ એરિયાની ઝાડીમાં લઈ ગયો હતો. બળાત્કાર કરવા જતા બાળકીએ બૂમો પાડી હતી. આથી આરોપીએ મોઢું દબાવતા બાળકીને તેને કરડી હતી. ત્યારબાદ આરોપીએ નજીક પડેલ ઈંટ વડે બાળકીના માથા પર પ્રહાર કર્યો હતો. એક-બે ઇંટ તુટી જતાં ફરી મારી બાળકીની હત્યા કરી નાંખી હતી.
રેપ કેસ ઘટાડવા શ્રમિક વિસ્તારોમાં સ્પોર્ટસ એક્ટિવિટીનું સૂચન
મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું કે, ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં બાળકીઓ પર રેપના બનાવ વધી રહ્યા છે. ત્યારે કામદારો 8 કલાકની ડ્યુટી બાદ ઘરે આવે તો તેમનું માઇન્ડ ડાયવર્ડ થાય એ બાબતે વિચારવું જોઇએ. કામદારો મોટાભાગને એકલાં રહેતા હોય છે એટલે આવા વિસ્તારમાં પીપીપી ધોરણે સ્પોર્ટસ એક્ટિવિટી, કોમ્યુનિટી હોલ કે ગાર્ડનનું નિર્માણ થવું જોઇએ. આ માટે મીલ માલિકોએ પણ આગળ આવવું જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.