ક્રાઇમ:ડોક્ટરને માર મારવાના કેસમાં ગુનો દાખલ થતાં જ રત્નદીપ હોસ્પિ.ના તબીબ સહિત આરોપીઓ ફરાર

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિઝિટિંગ ચાર્જના બાકી નીકળતા એક લાખ માંગતા માર મરાયો, સીસીટીવી ચેક કરાયા

ન્યુ સિટીલાઇટ રોડની રત્નદીપ હોસ્પિટલના ડો. રવિન્દ્રસિંહ, મેનેજમેન્ટના 3 માણસો, હોસ્પિટલના 3 વોચમેન તેમજ બે બાઉન્સરોએ મળીને વિઝિટીંગ ડોકટર દીપ મોઢને લોખંડના પાઇપથી માર માર્યો છે. સોમવારે રાત્રે મામલો ખટોદરા પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે ડો.દીપની ફરિયાદ લઈ ડો. રવિન્દ્રસિંહ રાજ સહિત 9 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. મંગળવારે સવારે રત્નદીપ હોસ્પિટલ અને ડોકટરના ઘરે પોલીસ તપાસ માટે ગઈ હતી. ડોકટર પણ મળ્યો ન હતો એટલું જ નહીં હોસ્પિટલમાંથી તમામ આરોપી ગાયબ હતા. પોલીસે હોસ્પિટલના સીસીટીવીની તપાસ કરી છે. જેમાં ડો.દીપ મોઢ તેના એક મિત્ર ધવલ સાથે હોસ્પિટલમાં આપ્યાનું ફૂટેજમાં દેખાય છે. સોમવારે રાત્રે ડો.દીપ મોઢ વિઝિટીંગ ચાર્જના બાકી નિકળતા 1 લાખ લેવા હોસ્પિટલમાં ગયા હતાં ત્યારે તેમને એક લાખનો ચેક આપી દીધા પછી હવે નાણા લેવાના નિકળતા નથી તેવું લખાણ કરાવી સહી લીધી હતી. પછી ડો. રવિન્દ્રસિંહ ઉર્ફે રવિસિંહ રાજ અને રત્નદીપ હોસ્પિટલના મેનેજમેન્ટના માણસોમાં પંકજસિંહરાજ, જયસિંહ રાજ, રજનીકાંત રાજ(તમામ રહે, કેપિટલ ગ્રીન, વીઆઈપી રોડ)સાથે મળીને ડો.દીપ સાથે ઝઘડો કર્યો હતો. ડો.દીપને 3 વોચમેનો અને 2 બાઉન્સરોએ પણ માર માર્યો હતો. એમડી ચેસ્ટ ફિઝિશિયન ડો.દીપ જુન-જુલાઇમાં રત્નદીપ હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે વિઝિટ પર આવ્યા હતા. વિઝિટીંગ ચાર્જના 2.13 લાખ ડો.દીપે લેવાના નિકળતા હતા. જેમાંથી અડધા રૂપિયા ચુકવી બાકીના 1 લાખ માટે ધક્કા ખવડાવતો હતો.

અન્ય સમાચારો પણ છે...