બે વર્ષ અગાઉ સચિન જીઆઇડીસી ખાતે રામલીલા કાર્યક્રમમાંથી ચાર વર્ષની બાળકીને ઉઠાવી જઇ તેની સાથે બળાત્કાર અને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરવાના જઘન્ય બનાવમાં કોર્ટે આરોપી શશિબિંદ ઉર્ફે ચિકના નિશાદને તકસીરવાર ઠેરવી અંતિમ શ્વાસ સુધી જેલની સજાનો હુકમ કર્યો હતો. કોર્ટે પીડિતા બાળકીને રૂપિયા છ લાખના વળતરનો હુકમ પણ કર્યો હતો. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલ કરી હતી.
કોર્ટે પોતાના હુકમમાં ટાંકયુ હતુ કે બાળાના શરીરે જ નહીં પરંતુ આત્મા પર પણ અસર થઈ છે. કોર્ટે 36 મૈખિક પુરાવા અને 104 દસ્તાવેજી પુરાવાના આધારે આરોપીને સજા કરી હતી. જેમાં લાસ્ટ સીન ટુગેધર, મેડિકલ પુરાવા અને ખુદ બાળકીની જુબાનીનો સમાવેશ થતો હતો.
તા. 15મી ડિસેમ્બર, 2019ના રોજ સચિન જીઆઇડીસી ખાતે ભોગ બનનાર બાળકી પિતા સાથે રામલીલા જોવા ગઈ હતી. ત્યારે પિતા આરતીમાં ભાગ લેવા જતા બાળકી એકલી પડી ગઈ હતી આથી 21 વર્ષીય આરોપી શશિબિંદ ઉર્ફે અરવિંદ નિશાદ ત્યાં આવ્યો હતો અને પિતાને શોધવાનું કહી બાળકીને ત્યાંથી લઇ ગયો હતો અને રસ્તામાં વેફરનુ પેકેટ અપાવીને નજીકની અવાવરું જગ્યા પર લઇ જઈ જવાનો પ્રયાસ કર્યો હતો.
બાળકીએ આવવાની ના પાડતા આરોપીએ ચપ્પુ પણ બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં આરોપી બાળકીને ઝાડી-ઝાખરાવાળી જગ્યામા લઇ જઈ પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. લોહીલુહાણ હાલતમાં બાળકીને ત્યાં મૂકી આરોપી ફરાર થઈ ગયો હતો.
આરોપીએ કહ્યું, ‘ મે માત્ર રસ્તો ક્રોસ કરાવ્યો’
આરોપીનું કોર્ટ સમક્ષ નિવેદન હતુ કે બાળકીને રડતા જોતા તેને કુરકુરે અપાવ્યુ હતુ, ત્યારે બાળકીએ રસ્તો ક્રોસ કરાવી આપવા કહ્યુ હતુ. મે તો માત્ર રસ્તો ક્રોસ કરાવ્યો હતો બાદમાં શુ થયુ એની ખબર નથી. જો મે ગુનો કર્યો જ હોત તો સુરત છોડીને ભાગી ન ગયો હોત. આરોપી પક્ષે એવો પણ બચાવ કરાયો હતો કે જંગલી જાનવરોએ બાળકીને ઇજા પહોંચાડી હશે.
ગુનાખોરી રોકવા સખત સજા જરૂરી: કોર્ટ
કોર્ટે નોંધ્યુ હતુ કે સમાજમાં આ પ્રકારની ગુનાખોરી અટકાવવા માટે જ્યારે આરોપી સામેનો કેસ ગુણદોષ પર પુરવાર થતો હોય તેવા સંજોગોમાં આરોપીને સખત સજા તથા દંડ કરવો જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.