શાબ્બાસ પોલીસ, સલામ ન્યાયતંત્રને:ગુજરાતમાં પહેલી જ વાર રેપિસ્ટને બનાવના 29 દિવસમાં જીવનના અંતિમ શ્વાસ સુધી કેદની સજા, સુરતની 4 વર્ષની બાળકીને મળ્યો ન્યાય

સુરત2 મહિનો પહેલા
ત્વરિત ન્યાય કરતાં કોર્ટે માત્ર પાંચ જ દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરીને હનુમાન નિસાદ(ફાઈલ તસવીર)ને આકરી સજા ફટકારી છે.
  • 12 ઓક્ટોબરે બાળકી પર દુષ્કર્મ, પોલીસે 10 દિવસમાં ચાર્જશીટ બનાવી ને કોર્ટનો 5 દિવસમાં ફેંસલો
  • સુરત કોર્ટમાં રાત્રે 12 વાગ્યા સુધી હિયરિંગ થયું, આરોપીને 1 લાખ રુપિયાનો દંડ પણ કરાયો
  • ભોગ બનનાર બાળકી અને તેના પરિવારને સૌથી વધુ 15 લાખ રૂપિયાનું વળતર ચુકવવા આદેશ

સુરતની પોક્સો કોર્ટે ગુજરાતમાં રેપની ઘટનામાં સૌથી ઝડપી ચુકાદો આપતા 4 વર્ષની બાળકીના રેપિસ્ટને બનાવના 29 દિવસમાં જ જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદ કરી છે. પોલીસ અને ન્યાયતંત્રની કામગીરીને સો-સો સલામ ભરવાનું મન થાય તેવી આ ઘટનામાં કોર્ટે માત્ર પાંચ જ દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરીને બુધવારે રાત્રે 12 વાગ્યા સુધી કાર્યવાહી ચલાવી આરોપીને આકરી સજા ફટકારી છે. ગત 12-10-2021ના રોજ સચિન જીઆઇડીસીમાં ઝાડી ઝાંખરામાંથી દુષ્કર્મ થયેલી હાલતમાં બાળકી મળી આવી હતી. ત્યારબાદ ન્યાયિક પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ વિભાગોએ જબરદસ્ત સંકલન સાધીને આરોપી હનુમાન નિસાદને આજીવન કેદની સજાની સાથે સાથે દંડ ફટકાર્યો છે.ભોગ બનનાર બાળકી અને તેના પરિવારને સૌથી વધુ 15 લાખ રૂપિયાનું વળતર ચુકવવા કોર્ટે આદેશ કર્યો છે.

સંવેદનશીલ કેસમાં પોલીસની 10 દિવસમાં જ ચાર્જશીટ
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના ઇતિહાસમાં દુષ્કર્મના કેસમાં આ સૌથી ઝડપી ચુકાદો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગત તા.12/10/2021ના રોજ બનાવ બન્યો હતો. કેસમાં આરોપીના 7 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. પોલીસ તરફથી 10 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. જિલ્લા સરકારી વકીલને પ્રોસિક્યુશનના અસલ કેસ કાગળો તા.22/10ના રોજ આપવામાં આવ્યા હતા. જ્યારે 23 અને 24/10ના બે રજાના દિવસમાં આખી મેટર તૈયાર કરી 25/10ના રોજ સદર કેસમાં ચાર્જ તથા દસ્તાવેજી પુરાવાનું લીસ્ટ નામ, એડીશનલ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.3 સાક્ષીઓની ઓળખ પરેડ કરાઈ હતી.તેમજ 60 સાક્ષીઓના 164 મુજબના નિવેદન સાથે કોર્ટમાંચાર્જશીટ રજૂ થઈ હતી.

આરોપી રમતી બાળકીને ઉપાડી ગયા બાદ દુષ્કર્મ આચર્યું હતું.
આરોપી રમતી બાળકીને ઉપાડી ગયા બાદ દુષ્કર્મ આચર્યું હતું.

ઝડપી કાર્યવાહી માટે કોર્ટ રાતના 12 સુધી ખુલ્લી રહી
આ કેસમાં 29/10 સુધીમાં સંપૂર્ણ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટનો પણ આ કેસમાં સંપૂર્ણ સહકાર મળ્યો હતો. અગાઉ નારાયણ સાંઇના કેસમાં રિમાન્ડ વખતે કોર્ટ રાત્રે 12 વાગ્યા સુધી કાર્યરત રહી હતી. હાલનો કેસ ઝડપી ચલાવવાનો હેતુ ગુનેગારોમાં ડર પેદા થાય, ભોગ બનનારને ઝડપી ન્યાય મળે અને સમાજમાં એક કડક દાખલો બેસે તે હેતુ ધરાવતો હતો. પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ વી. કે. વ્યાસ તથા એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજ પી. એસ. કાલાની કોર્ટ રાત્રે 12 કલાક સુધી ખુલ્લી રાખવા માટે હકારાત્મક સહકાર મળેલો છે.

ન્યાયિક પ્રક્રિયાના તમામ વિભાગો દ્વારા યોગ્ય સંકલન કરીને ઝડપથી ચુકાદો અપાયો હતો.
ન્યાયિક પ્રક્રિયાના તમામ વિભાગો દ્વારા યોગ્ય સંકલન કરીને ઝડપથી ચુકાદો અપાયો હતો.

અપરાધીને આજીવન કેદની સાથે દંડ પણ કરાયો
ફરીયાદપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલનાઓએ દલીલ કરી હતી કે આરોપીને મહત્તમ સજા થાય તે માટે સેશન્સ કોર્ટમાં રજૂઆત કરી હતી.સેશન્સ કોર્ટે પોક્સો કેસમાં કલમ પ્રમાણે 363 પ્રમાણે ગુન્હા સબબ સાત વર્ષની સાદી કેદ અને અને 1 હજારનો દંડ, ઇ.પી.કો.ક.307 ગુન્હા સબબ પાંચ વર્ષની સાદી કેદ અને હજારનો દંડ, ઇ.પી.કો.ક.323 ગુન્હા સબબ એક વર્ષની સાદી કેદ અને હજારનો દંડ,ઇ.પી.કો.ક.376-એ-બી ગુન્હા સબબ આજીવન (જીંદગીના અંતિમ શ્વાસ સુધીની સજા) અને એક લાખનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે વર્ષની સજા ફટકારવામાં આવી છે.

24 કલાકમાં આરોપી ઝડપાયેલો
પીઆઈ જાડેજાએ જણાવ્યું હતું કે, ઘટના બની તેના સાડાત્રણ કલાકમાં જ અમારી ટીમે બાળકીને શોધી કાઢી હતી. નહિતર બચાવી શક્યા ન હોત, આ કામગીરીમાં સચિન GIDC ના તમામ પોલીસ કર્મચારીઓ સહિત પાંડેસરા, સચિન, SOG, ક્રાઈમ બ્રાન્ચ, સહિતના 100-150 જેટલા પોલીસ જવાનો કામે લાગ્યા હતા.24 કલાકમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. ચાર્જશીટ સહિતના તમામ વૈજ્ઞાનિક પૂરાવાઓ, નજરે જોનારના નિવેદન, ઓળખ કરાવી, CCTV, FSL એનાલિસીસ રિપોર્ટ સહિતના પૂરાવા બાદ ઘટનાના 29 માં દિવસે કોર્ટએ ચુકાદો આપી એક દાખલો બેસાડ્યો છે.