• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ABVP Protests In University Over Leaked Papers In MTB College, Surat, Demands Removal Of Principal And FIR Against Culprits

ચૂંટણીમાં પેપર લીકની ગૂંજ:સુરતની MTB કોલેજમાં લીક થયેલા પેપર મુદ્દે ABVPનો યુનિવર્સિટીમાં વિરોધ, પ્રિન્સિપાલને હટાવી દોષિતો સામે FIRની માગ

સુરત3 મહિનો પહેલા
પેપર લીકને લઈ એબીવીપીનો યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ

સુરતની અઠવાલાઈન્સ ખાતે આવેલી એમટીબી કોલેજમાં થયેલ પેપર લીક મામલે આજે ફરી નર્મદ યુનિવર્સિટીમાં ABVP દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો. એમ.ટી.બી કોલેજના પ્રિન્સિપલ ભાવના ચાંપાનેરી પર પરીક્ષા પૂર્વે પેપર લીક કરવાના આરોપ લગાવ્યા છે. જેને લઈ એબીવીપી કાર્યકરો દ્વારા કુલપતિની ઓફિસ બહાર રામધુન બોલી ભાવના ચાંપાનેરીને પ્રિન્સિપાલ પદ પરથી હટાવવા અને દોષિતો સામે એફઆઇઆરની કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યો હતો. જેને લઈ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા તાત્કાલિક પ્રિન્સિપાલને દૂર કરી તેમના વિરુદ્ધ એફઆઇઆરની માગ કરવામાં આવી છે.

એક મહિના પહેલાના કોલેજના પેપર લીકના પડઘા ફરી વાગ્યા
ઓક્ટોબર મહિનામાં પરીક્ષામાં પૂર્વે બે દિવસ પહેલા એન.ટી.બી કોલેજના પ્રિન્સિપાલ ભાવના ચાપેનેરી દ્વારા પેપરના સીલ ખોલી લીક કર્યા હોવાના આરોપ એબીવીપી દ્વારા કરવામાં આવ્યા હતા. જોકે આ આરોપ સાબિત પણ થયા હતા. એબીવીપીએ આ મામલે ભારે વિરોધ દર્શાવ્યો હતો. વિરોધને પગલે વીર નર્મદ યુનિવર્સિટીએ કમિટીની રચના કરી ભાવના ચાંપાનેરીને સસ્પેન્ડ કરાવી દેવાયા હતા. જ્યારે પેપર લીક મામલે 25 દિવસ વીતી ગયા છતાં વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાના આરોપ એબીવીપી દ્વારા કરવામાં આવ્યા છે. ફરી યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્ર થઈ ધરણા પર ઉતરી ગયા હતા.

એબીવીપીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
એબીવીપીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ABVPનો કુલપતિની ઓફિસ બહાર જ વિરોધ
એબીવીપીના કાર્યકરો મોટી સંખ્યામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ દર્શાવી કુલપતિ ઓફિસ બહાર રામધૂન બોલાવી અને જુદા જુદા પ્રકારના સૂત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ સાથે એમટીબી કોલેજના પ્રિન્સિપાલ ભાવના ચાંપાનેરીને સસ્પેન્ડ જ નહીં પરંતુ પ્રિન્સિપલ પદેથી દૂર કરવા જોઈએ તેવી માંગ કરી હતી. એટલું જ નહીં પરંતુ પેપર લીક થયા હોવાની જ્યારે સાબિતી થઈ રહી છે. ત્યારે આ એક ગંભીર ગુનો છે. જેને લઇ આવા દોષિતો સામે પોલીસમાં ગુનો પણ નોંધાવો જોઈએ તેવી માંગ કરાઈ હતી.

કાર્યકરો દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી.
કાર્યકરો દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી.

માગ સંતોષાતા આંદોલન સમેટાયું
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા એમ ટી બી આર્ટસ કોલેજમાં થયેલા પેપર લીક કૌભાંડને લઈ ભારે વિરોધ કર્યો હતો. ABVPના 100થી વધુ કાર્યકરો અને વિદ્યાર્થીઓ ભેગા થઈ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.ત્યારે આ અંગે એબીવીપીના મહામંત્રી મનોજ જૈને જણાવ્યું હતું કે, એમટીબી આર્ટસ કોલેજમાં એક મહિના પહેલા યોજાયેલી પરીક્ષામાં પ્રિન્સિપાલ અને કેટલાક પ્રાધ્યાપકો દ્વારા આર્ટસના અનેક પેપરના પરીક્ષા પહેલા જ સીલ ખોલી દેવામાં આવ્યા હતા.જેની જાણ થતાં જ આ અંગે યુનિવર્સિટીમાં ફરિયાદ કરવામાં આવી હતી.ફરિયાદ બાદ કમિટીની રચના થઈ અને તેમાં સાબિત થયું કે પેપર લીક જેવી ઘટના બનવા પામી છે.જેને લઇ યુનિવર્સિટી ની કમિટી દ્વારા માત્ર ભાવના ચાંપાનેરીને સસ્પેન્ડ જ કરવામાં આવ્યા હતા અને અન્ય કોઈ જ ગંભીર પગલાં ન લેવાતા.અમે ફરી વિરોધ કર્યો અને પ્રિન્સિપાલને દૂર કરવા અને દોષિતો સામે FIR કરવાની માંગ સાથે વિરોધ કરવા યુનિવર્સિટી પહોંચ્યા હતા.વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધને અને યોગ્ય માંગને લઈ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા તાત્કાલિક એમટીબીના પ્રિન્સિપલ ને દૂર કરવાનો નિર્ણય કર્યો અને ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવવાની તજવીજ શરૂ કરી દીધી.જેને લઇ એબીવીપી દ્વારા કરવામાં આવેલું આંદોલન અને વિરોધ સમેટી લેવાયું હતું.

ચૂંટણી ટાણે ફરી પેપર લીક કૌભાંડ ગાજ્યું
ગુજરાતમાં જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષા અને કોલેજોની પરીક્ષામાં પેપર લીક થવા બાબતે વિરોધ પક્ષ શાસકોને બાનમાં લઈ રહ્યું છે.પેપર લીકનો મુદ્દો વિરોધીઓ દ્વારા આ વખતે ચૂંટણી પ્રચારમાં પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ત્યારે હાલ ગુજરાતમાં ચાલી રહેલા ચૂંટણી માહોલમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીબીપી દ્વારા પેપર લીક કૌભાંડને લઈને વિરોધ કરાતા અનેક તર્ક વિતર્ક ઊભા થયા હતા. એબીવીપીના આ પ્રકારના વિરોધને કારણે ગુજરાતમાં પેપર લીક કૌભાંડના મુદ્દાઓ લઈ પ્રજા વચ્ચે જઈ રહેલી રાજકીય પાર્ટીઓને ક્યાંક બળ પૂરું પાડી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...