પાટીદારોના ગઢમાં કેજરીવાલ:સુરતમાં અરવિંદ કેજરીવાલની સભામાં હોબાળો થયો, પોલીસ અને AAP કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ

સુરત17 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચારના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. ત્યારે દરેક રાજકીય પાર્ટી પોતાના કદાવર નેતાઓને મેદાનમાં ઉતારીને પ્રચાર પ્રસાર કરાવી રહી છે. પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડિચોટીનું જોર નેતાઓ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે અરવિંદ કેજરીવાલ દ્વારા વરાછામાં રોડ શો કર્યો હતો. જે બાદ સુરતના સિંગણપોરમાં અરવિંદ કેજરીવાલની સભા યોજાવવાની હતી. પરંતુ સિંગણપોર ચાર રસ્તા પર અરવિંદ કેજરીવાલની સભા પહેલા માથાકૂટ થઈ હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા આમ આદમી પાર્ટીના બેનરો હટાવતા મામલો ગરમાયો હતો. જેના કારણે સુરત પોલીસ અને આપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. જોકે, મામલો ઉગ્ર બનતા ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

પોસ્ટર હોર્ડિંગ હટાવતા વિવાદ
આમ આદમી પાર્ટી દ્વારા સિંગણપોર ચાર રસ્તા ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવાન માનની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભા પહેલાં જ આસપાસના વિસ્તારમાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. હોર્ડિંગ્સ હટાવવા માટે આવેલા કર્મચારીઓ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ભારે માથાકૂટ થઈ હતી. ઉગ્ર બોલાચાલી બાદ પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે રકઝક પણ થઈ હતી.

આપ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સિંગણપોર ચાર રસ્તા ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓના બેનરો લાગ્યા હતા. અરવિંદ કેજરીવાલ, ભગવંત માન અને ગોપાલ ઇટાલિયા સહિતના આપનો ઉમેદવારોના સિંગણપોર ચાર રસ્તા તેમજ તેની આસપાસમાં હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાની ટીમના કર્મચારીઓ એકાએક જ હોર્ડિંગ દૂર કરવાની કામગીરી હાથ ધરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ભારે રોષ જોવા મળ્યો હતો. મામલો રીતસર ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો.

AAP કાર્યકર્તાઓની અટકાયત
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે હોર્ડિંગ ઉતારવાને લઈ ઘર્ષણ થઈ ગયું હતું. આ દરમિયાન મહિલા કાર્યકર્તા અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ થતાં દ્રશ્યો સામે આવ્યા હતા. મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આપના કાર્યકર્તાઓએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, જે અન્ય રાજકીય પાર્ટીના નેતાઓના બેનરો આટલા દિવસથી લાગ્યા છે તેને દૂર કરવામાં આવ્યા નથી અને અમારા બેનરો ગઈકાલે જ લગાડવામાં આવ્યા હતા તેને દૂર કરવાની શા માટે ફરજ પડી રહી છે. માત્ર રાજકીય કિન્નાખોરીથી આ બેનરો ઉતારવામાં આવી રહ્યા હોવાની પણ ફરિયાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હોવાનું ધ્યાન આવ્યું છે.

વરાછા વિસ્તારમાં આપનો ભવ્ય રોડ શો
વરાછા વિસ્તારના અર્ચના સર્કલથી આપ દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરાયું છે. અરવિંદ કેજરીવાલની સાથે સુરતની અલગ અલગ બેઠકમાં ઉમેદવારો રોડ શોમાં હાજર રહ્યા છે. કતારગામ વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા,વરાછા બેઠકના ઉમેદવાર અલ્પેશ કથીરિયા, કામરેજ વિધાનસભા બેઠકનો ઉમેદવાર રામ ધડુક, ઓલપાડ વિધાનસભા બેઠકના ઉમેદવાર ધાર્મિક માલવિયા અને કરંજ વિધાનસભા બેઠકના ઉમેદવાર મનોજ સોરઠીયા જોડાયા હતા. આમ આદમી પાર્ટીના સમર્થકો અને કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં રોડ શોમાં જોડાયા છે.

મોટી સંખ્યામાં આપના કાર્યકરો રેલીમાં જોડાયાં હતાં.
મોટી સંખ્યામાં આપના કાર્યકરો રેલીમાં જોડાયાં હતાં.

પહેલી માર્ચ પછી ગુજરાતમાં આપની સરકાર
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બની રહી છે. પહેલી માર્ચ બાદ ડરવાનું નથી. દરેક મહિલાના ખાતામાં એક હજાર રૂપિયા આવી જશે. હું લોકોની સુખાકારી માટે જે પણ ગેરંટી આપી છે. તે ગેરંટીઓ પૂરી કરીશ.

ખુલ્લા આઈશરમાં બેસીને કેજરીવાલ રોડ શોમાં જોડાયા હતાં.
ખુલ્લા આઈશરમાં બેસીને કેજરીવાલ રોડ શોમાં જોડાયા હતાં.

ગુજરાતના પરિવારનો હિસ્સો બન્યો
અરવિંદ કેજરીવાલએ જણાવ્યું કે, જ્યાં જ્યાં હું ગુજરાતમાં પ્રચાર કરવા જાવ છું. ત્યાં લોકો મને ખૂબ જ સહકાર આપી રહ્યા છે. કોઈ મહિલાને મળું છું ત્યારે તે કહે છે કે, તમે તો મારા ભાઈ છો.કોઈ મોટી ઉંમરની મહિલા મને દીકરો કહે છે તો પુરૂષો મને ભાઈ માને છે. આમ હું ગુજરાતના પરિવારનો હિસ્સો બની ગયો છું.

અન્ય સમાચારો પણ છે...