ભાસ્કર એનાલિસિસ:આપની એન્ટ્રી ભાજપને ફળી કોંગ્રેસને નડી આઝાદી બાદ પ્રથમવાર કોંગ્રેસનો ગઢ તૂટ્યો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસનો ગઢ ગણાતા માંડવી-વ્યારામાં ભાજપની જીત

જયેશ નાયક
વિધાનસભાની ચૂંટણીના પરિણામે તો સાબિત કરી જ નાખ્યું કે, આપ ફેક્ટર ભાજપ માટે ચોક્કસથી ફાયદાકારક રહ્યું છે. સુરત અને તાપી જિલ્લાની 8 માંથી વર્ષોથી કોંગ્રેસના ગઢ સમી માંડવી અને વ્યારા બેઠક પર ભાજપ પહેલી વખત ગાબડું પાડવામાં સફળ રહી છે. ગત વિધાનસભામાં કોંગ્રેસની 3 બેઠક કોંગ્રેસના હાથમાં હતી તેને પણ ભાજપ કબજે કરી છે.

બારડોલી - બારડોલીની એસસી બેઠક ભાજપ પાસે હતી. સતત ત્રીજી વખત ઈશ્વર પરમારને રીપિટ કર્યા હતા. સૌથી વધુ આદિવાસી મત વિસ્તાર ધરાવતી બેઠક પર ભાજપ પર સતત 3જી વખત લોકોએ વિશ્વાસ રાખી બહુમતી સાથે જીત અપાવી છે.

મહુવા- મહુવાની એસટી બેઠક પર 80 ટકા આદિવાસી મતદારો છે. જેમાં ભાજપ ત્રીજી વખત મોહન ઢોડિયાને રીપિટ કરીને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રસે હેમાંગીની ગરાસિયાને અને આપે કુંજન પટેલને ટિકિટ આપી હતી. ત્રણે ઉમેદવારો આદિવાસી હોય, મતદારો વહેચાય જવાનું ગણિત ખોટું પડ્યું આપ ફેક્ટર પણ ફાયદા કારક બનતા ભાજપના મોહન ઢોડીયાનો 31 હજારથી વધુ લીડથી વિજય થયો.

માંડવી -માંડવીની એસટી બેઠક કોંગ્રેસના ગઢ હોય, ભાજપે પ્રથમ વખત કુંવરજી હળપતિને ટિકિટ આપી હતી.જ્યારે કોંગ્રેસ ત્રીજી ટર્મ માટે આનંદ ચૌધરીને રીપિટ કર્યા હતા. આમ આદમી પાર્ટીએ મહિલા ઉમેદવાર સાયના ગામીતને ટિકિટ આપી હતી. આ બેઠક પર હળપતિ સમાજના સૌથી ઓછા મત, જ્યારે ચૌધરી સમાજના સૌથી વધુ મત હતા, છતાં અહીં કોંગ્રેસના ગઢમા્ં પ્રથમ વખત ગાબડુ પાડી ભાજપે બાજી મારી. કુંવરજી હળપતિ 18 હજારથી વધુ મતની લીડથી જીત મેળવી.

માંગરોળ - આ એસટી બેઠક પર છેલ્લી ચાર ટર્મથી ભાજપનો કબજો હોય, સતત ચાર ટર્મ વિજય મેળવેલ ભાજપના ગણપત વસાવાને ફરી રિપીટ કર્યા હતા. જ્યારે કોંગ્રેસે નવો ચહેરો અનિલ ચૌધરીને ટિકિટ આપી હતી. આપે સ્નેહલ વસાવાને ટિકિટ આપી હતી. છતાં મતદારોએ પોતાના વિસ્તારમાં ભાજપ પર વિશ્વાસ જાળવી રાખ્યો હતો. ગણપત વસાવાને 51 હજારથી વધુ લીડથી જીત અપાવી છે. અહીં આ વખતે કોંગ્રેસ ત્રીજા નંબરે રહ્યું છે.

નિઝર - તાપી જિલ્લાની વાત કરીએ તો નિઝરની એસટી બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે. જેને સર કરવા ભાજપે જયરામ ગામીતને ટિકિટ આપી હતી. કોંગ્રેસે બીજીવાર સુનીલ ગામીતને રિપિટ કર્યા તો, આપે અરવિંદ ગામીતને ટિકિટ આપી હતી. અહીં 23 હજારથી વધુની લીડથી જયરામ ગામીતને જીત મળતાં ભાજપે બીજીવાર બેઠક કબજે કરી છે.

વ્યારા - સતત ત્રણ ટર્મથી કોંગ્રસના ઉમેદવાર પુનાજી ગામીતનો અહીં દબદબો હતો. આ બેઠક જે ગામીત સમાજના મતદારોનું પ્રભુત્વ ધરાવતી હોય ભાજપે મોહન કોંકણીને ટિકિટ આપી હતી, જ્યારે આપે બિપીનભાઇ ચૌધરીને ટિકિટ આપી હતી. અહીં ત્રિકોણિય જંગ હોવાને લીધે આખરે ભાજપે જીત 22120ની લીડ સાથે જીત મેળવી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...