તર્ક-વિતર્ક:સુરતમાં 'આપ'માં જોડાયા બાદ સોશિયલ મીડિયામાં કટાક્ષ, લખાયું- હવે મહેશ સવાણીએ IT રેડ અને CBIની તપાસ માટે તૈયાર રહેવું પડશે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉદ્યોગપતિ મહેશ સવાણી 'આપ'માં જોડાતાં સોશિયલ મીડિયામાં પોસ્ટનો મારો ચાલ્યો. - Divya Bhaskar
ઉદ્યોગપતિ મહેશ સવાણી 'આપ'માં જોડાતાં સોશિયલ મીડિયામાં પોસ્ટનો મારો ચાલ્યો.
  • સોશિયલ મીડિયામાં પોસ્ટ દ્વારા કટાક્ષ પણ કરવામાં આવ્યો કે હવે તેમને જેલભેગા કરવામાં ભાજપ કોઈ કસર નહિ છોડે
  • કદાચ ભાજપના ઇશારે જ ઉદ્યોગપતિ મહેશ સવાણી 'આપ'માં જોડાયા હોવાની વાતો પણ શહેરભરમાં થઈ રહી છે

આમઆદમી પાર્ટીમાં અનેક જાણીતા ચહેરાઓ જોડાઈ રહ્યા છે, જેને કારણે હવે એમાં ઉત્સાહ વધી રહ્યો છે. સુરતના જાણીતા ચહેરા એવા ઉદ્યોગપતિ મહેશ સવાણી 'આપ'માં જોડાતાં હવે અનેક પ્રશ્નો સર્જાયા છે. મહેશ સવાણીને લઈને રાજકીય રીતે અનેક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે. વિવિધ ઉદ્યોગો સાથે સંકળાયેલા મહેશ સવાણી મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધી શકે છે, એવું એક વર્ગનું માનવું છે. તો બીજા કેટલાક રાજકીય નિષ્ણાતો માને છે કે કદાચ ભાજપના ઇશારે જ તેઓ આપવા ગયા છે. દરમિયાન સોશિયલ મીડિયામાં કટાક્ષ સાથે લખાયું હતું કે હવે મહેશ સવાણીએ IT રેડ અને CBIની તપાસ માટે તૈયાર રહેવું પડશે

અભિનંદનની પોસ્ટ સાથે કટાક્ષ પણ કરાયો
'આપ'ના નેતા મનીષ સિસોદિયાના સુરત પ્રવાસ પહેલાં જ સોશિયલ મીડિયા પર ખૂબ કેમ્પેન શરૂ થયું હતું, જેમાં સુરતના કોઈ મોટા ઉદ્યોગપતિ 'આપ'માં જોડાય એવી વાતો વહેતી થઈ હતી. આખરે સોશિયલ મીડિયાની અંદર જ્યારે મહેશ સવાણી 'આપ'માં જોડાયા ત્યારે ખૂબ પોસ્ટ થતી જોવા મળી હતી. એમાં મહેશ સવાણીને અભિનંદન આપતાં પણ પોસ્ટ જોવા મળી તો કેટલાક દ્વારા કટાક્ષ પણ કરવામાં આવ્યો કે હવે તેમને જેલભેગા કરવામાં ભાજપ કોઇ કસર નહિ છોડે.

મહેશ સવાણીનું નામ સમાજસેવા સાથે ગુનાહિત કામમાં પણ જોડાયું
મહેશ સવાણીનું નામ સમાજસેવા કરવા માટેની વિવિધ પ્રવૃત્તિઓમાં તો જોડાયેલું રહ્યું છે, પરંતુ સાથે સાથે ગુનાહિત કામ પણ તેમના નામે લખાયાં છે. મહેશ સવાણીને બીજા ચહેરા તરીકે પણ ચિતરવામાં આવતા હોય છે, જેમાં વિશેષ કરીને શિક્ષણનું વેપારીકરણ, રેતી ચોરી, તાપી નદીના તટ પર કરેલો મોટું દબાણ, સમાજસેવાની આડમાં રાજકીય આગેવાનોના આશ્રયનો લાભ જેવા અનેક મુદ્દાઓ પર તેઓ સતત વિવાદમાં રહ્યા છે.

ભાજપનેતા અમિત શાહના ફોટો સાથેની પોસ્ટ વાઇરલ થઈ.
ભાજપનેતા અમિત શાહના ફોટો સાથેની પોસ્ટ વાઇરલ થઈ.

અમિત શાહના ફોટો સાથે થયેલી પોસ્ટ વાઇરલ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ફોટા સાથેની પોસ્ટ પણ વાઇરલ થઇ છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે અમિત શાહના ઈશારે આગામી દિવસોમાં મહેશ સવાણીની મુશ્કેલીમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. કેટલાક લોકો જ્યારે મહેશ સવાણી 'આપ'માં જોડાવાના છે કે કેમ એ અંગે ચર્ચા કરતા હતા. તેઓ સ્પષ્ટ માનતા હતા કે જો મહેશ સવાણી આમઆદમી પાર્ટીમાં જોડાયા તો એ તેમના તરફથી કરવામાં આવેલું પોલિટિકલ સુસાઇડ હશે.

સોશિયલ મીડિયામાં પોસ્ટનો મારો
વિવિધ ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલા મહેશ સવાણીના ભૂતકાળમાં થયેલા અનેક બનાવોને કારણે તેઓ રાજકીય નેતાઓનો શિકાર બની શકે છે. જે રીતે મહેશ સવાણીનો પણ ભૂતકાળ ખરડાયેલો છે એવી જ રીતે ભાજપની પણ એવી છબિ છે કે તેની સામે પડતા ઉદ્યોગપતિ કે રાજકીય નેતાઓને યેન કેન પ્રકારેણ મુશ્કેલી ઊભી કરવામાં કોઇ કસર છોડતા નથી, એને લઈને સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ થઈ રહી છે.

મહેશ સવાણી કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી ચૂક્યા હતા.
મહેશ સવાણી કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી ચૂક્યા હતા.

અગાઉ મહેશ સવાણીએ અમિત શાહનો કાર્યક્રમ યોજ્યો હતો
પાટીદાર અનામત આંદોલન વખતે અબ્રામા ખાતે અમિત શાહની જાહેર સભાનું આયોજન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પાટીદારોએ સફળતાપૂર્વક પોતાનો વિરોધ નોંધાવી જાહેર સભાને નિષ્ફળ કરી હતી. મોટા ભાગનો પાટીદાર સમાજ જ્યારે ભાજપના નેતાઓથી વિમુખ હતો ત્યારે પોતાની વફાદારી બતાવવા માટે મહેશ સવાણીએ અમિત શાહનો કાર્યક્રમ યોજ્યો હતો, પરંતુ તેઓ તેમનું દિલ જીતી શક્યા નહોતા. ત્યારે પણ વાત વહેતી થઈ હતી કે મહેશ સવાણીએ પડદા પાછળથી સપોર્ટ કર્યો હતો.

કોરોનાકાળમાં 'આપ' સાથે મહેશ સવાણીએ કામગીરી કરી હતી
મહેશ સવાણી ત્યારે પણ હાર્દિક પટેલ સહિતના સુરતના પાસના નેતાઓ સાથે સંપર્કમાં હતા. કોરોના સંક્રમણ કાળ દરમિયાન પાટીદાર વિસ્તારોમાં આમઆદમી પાર્ટી દ્વારા આઇસોલેશન સેન્ટ્રરો ઊભાં કરવામાં આવ્યાં હતાં. એ આઇસોલેશન સેન્ટરોમાં મહેશ સવાણી સતત હાજરી આપીને પાસના અને 'આપ'ના નેતાઓ સાથે પોતાના ફોટો સોશિયલ મીડિયામાં પોતાના સમર્થકો દ્વારા ફરતા કરાવ્યા હતા.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રીના હસ્તે 'આપ'નો ખેસ ધારણ કરી મહેશ સવાણી એમાં જોડાયા.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રીના હસ્તે 'આપ'નો ખેસ ધારણ કરી મહેશ સવાણી એમાં જોડાયા.

ભાજપના ઇશારે જ 'આપ'માં જોડાયા હોવાની ચર્ચા
લોકો મહેશ સવાણીને બિઝનેસ માઈન્ડેડ વ્યક્તિ માને છે, તેથી કદાચ ભાજપના ઇશારે જ આપમાં જોડાયા હોવાની વાતો પણ શહેરભરમાં થઈ રહી છે. ભાજપ તરફથી ડેમેજ કંટ્રોલ કરવા માટે આપવામાં કોઈ મજબૂત વ્યક્તિ પ્રવેશી જાય એ માટેનું પણ આયોજન હોય શકે છે. મહેશ સવાણી જો આપમાં રહે તો તે ભાજપને મદદરૂપ થઈ શકે છે. ભાજપને ડર છે કે આગામી દિવસોમાં પાસની આખી ટીમ આમઆદમી પાર્ટી સાથે જોડાઈ શકે છે અને એવા સમયે ભાજપને સુરત શહેર સહિત સૌરાષ્ટ્રમાં પણ એનું નુકસાન ભોગવવું પડી શકે છે. એવા સમયે ડેમેજ કંટ્રોલ કરવા માટે પાસ અને ભાજપની વચ્ચે મહેશ સવાણી મહત્ત્વની ભૂમિકા અંદરખાનેથી નિભાવી શકે છે.

પાસ દ્વારા મહેશ સવાણીના 'આપ'માં પ્રવેશને વધાવ્યો
સોશિયલ મીડિયામાં પાસના સ્થાનિક નેતાઓ દ્વારા મહેશ સવાણીના આપમાં પ્રવેશને વધાવવામાં આવી રહ્યો છે. કોર્પોરેશનની ચૂંટણીમાં પણ પાસ દ્વારા આપને સંપૂર્ણ રીતે સપોર્ટ કરવામાં આવ્યો હતો. એ પણ વાસ્તવિકતા છે કે સુરતમાં આપના ઉમેદવારો જે જીત્યા છે એ પાર્ટી કરતાં વધારે પાટીદારોની ભાજપ પ્રત્યે નારાજગીનું પરિણામ છે. હાલ રાજકીય ઊથલપાથલના સમયમાં મહેશ સવાણીનો આપમાં પ્રવેશ એ કઈ દિશામાં આગળ વધે છે એ જોવું ખૂબ જ રસપ્રદ બની રહેશે.