ખાસ વાતચીત:7 મહિનામાં AAPથી મહેશ સવાણીનો મોહ ભંગ, પાર્ટી છોડવા અંગે કહ્યું- રાજકારણ શું હોય છે એનો સ્વાદ ચાખ્યા વગર ખબર ના પડે, સેવા નહોતી થતી

સુરત4 મહિનો પહેલાલેખક: દેવેન ચિત્તે
  • રાજકારણના કારણે સમાજ સેવાનું કામ યોગ્ય રીતે કરી શકતો નથીઃ મહેશ સવાણી

સુરતના ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાં (AAP )થી છેડો ફાડી નાખ્યો છે. આમ આદમી પાર્ટીમાં 7 મહિના પહેલાં સુરતના મહેશ સવાણી જોડાયા હતા ત્યારથી જ ભારે ચર્ચામાં હતા. રાજકારણમાં જોડાઈને તેઓ સમાજની સેવા કરવા માટેની વાત કરતા હતા, પરંતુ એકાએક જ તેમણે આમ આદમી પાર્ટી છોડીને રાજકારણમાં ભૂકંપ સર્જી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ એક જ દિવસમાં 7 કલાકમાં આમ આદમી પાર્ટીમાંથી લોકગાયક વિજય સુવાળા, આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરના યુવા ઉપાધ્યક્ષ નીલમ વ્યાસ અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ AAPને છોડી દીધી હતી. AAPને છોડ્યા બાદ દિવ્ય ભાસ્કર સાથે મહેશ સવાણીએ ખાસ વાતચીત કરી હતી.

દિવ્ય ભાસ્કર: એકાએક આમ આદમી પાર્ટી છોડવાનું કારણ શું છે?
મહેશ સવાણી
: હું આમ આદમી પાર્ટીમાં જોડાયો ત્યારથી સમાજસેવા યોગ્ય રીતે કરી શકતો ન હતો. મારી જનનીધામની દીકરીઓને પણ મળી શક્યો નહોતો તેમજ અમારા પરિવારના લોકોને પણ પૂરતો ટાઈમ આપી શકતો ન હતો. મારી તબિયત પણ છેલ્લા પંદર દિવસથી ખૂબ જ ખરાબ રહેતી હતી અને આમ, હું સમાજસેવાનો માણસ છું.

દિવ્ય ભાસ્કર: મહેશભાઈ ખૂબ જ ઝડપથી ગયા અને પરત ફર્યા?
મહેશ સવાણી:
ઘણો ઝડપથી નથી આવ્યો, છેલ્લા સાત મહિનાથી આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો, પરંતુ રાજકારણ શું હોય છે એનો સ્વાદ ચાખ્યા વગર ના ખબર પડે. ગયા પછી મને એવું લાગ્યું કે હું રાજકારણને કારણે સમાજસેવાનું કામ યોગ્ય રીતે કરી શકતો નથી.

દિવ્ય ભાસ્કર: વિજય સુવાળા બાદ એક બાદ એક વિકેટ પડવાની શરૂઆત થઈ ગઈ છે, AAPનું ભવિષ્ય શું લાગે છે?
મહેશ સવાણી:
વિકેટો પડી રહી છે, ના એવું કંઈ છે નહીં, પરંતુ લોકશાહીમાં તમામને પોતાના પક્ષની પસંદગી કરવાની અને રાજકારણમાં કામ કરવું કે નહીં કરવું એ સ્વતંત્ર રીતે વિચારી શકે છે. પોતાની રીતે સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે.

આશરે 2500 કરોડ રૂપિયાથી વધુંનુ ટર્નઓવર ધરાવતા પીપી સવાણી ગ્રૂપના એમડી તરીકે મહેશ સવાણી કામ કરી રહ્યા છે.
આશરે 2500 કરોડ રૂપિયાથી વધુંનુ ટર્નઓવર ધરાવતા પીપી સવાણી ગ્રૂપના એમડી તરીકે મહેશ સવાણી કામ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર: તમે ભાજપમાં ક્યારે જોડાશો, કેવી રીતે જોડાશો?
મહેશ સવાણી:
અત્યારે તો હું મારા સામાજિક સેવાનાં કાર્યો જ કરવાનો છું, પરંતુ જો સેવા થતી હશે અને જો મને તક મળશે તો રાજકારણમાં રહીને જ સેવા થઇ શકે એવું હશે તો સેવા માટે રાજકારણમાં જોડાઈશ.

દિવ્ય ભાસ્કર: એટલે તમે રાજકારણ માટેનો હજી પણ એક વિકલ્પ ખુલ્લો રાખો છો?
મહેશ સવાણી:
રાજકારણ નામ જ સમાજ સેવાનું છે અને એના માટે જ રાજકીય પાર્ટીમાં જોડાયો હતો, પરંતુ એના કારણે મારી સમાજ સેવામાં ઓટ આવતી દેખાઇ હતી અને એના માટે રાજકારણ હાલ છોડ્યું છે.

દિવ્ય ભાસ્કર: ખોટી રાજકીય પાર્ટી તમે પસંદ કરી હોય એવું નથી લાગતું?
મહેશ સવાણી:
દરેક પાર્ટીની પોતાની રાજકીય વિચારધારા હોય છે અને એ મુજબ કામ કરતી હોય છે. અમારા સામાજિક કાર્યક્રમમાં માનવતાના ધોરણે તમામ રાજકીય પાર્ટી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આવતા રહ્યા છે. હું માનવતાવાળી વ્યક્તિ છું.

મહેશ સવાણી પિતા વિહોણી દીકરીઓમાં નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર તેમના ધામધૂમથી લગ્ન કરાવે છે.
મહેશ સવાણી પિતા વિહોણી દીકરીઓમાં નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર તેમના ધામધૂમથી લગ્ન કરાવે છે.

દિવ્ય ભાસ્કર: એવું કહેવાતું હતું કે મહેશ સવાણી જો આમ આદમી પાર્ટી છોડી દેશે તો એમાં શું રહેશે બાકી?
મહેશ સવાણી:
કોઈનું કોઈના વગર રહી જતું નથી. જ્યારે પણ વ્યક્તિ એકલી હોય છે ત્યારે તેને હાથ પકડવાવાળો કોઈ ને કોઈ મળી જાય છે. કોઇ પાર્ટી કોઈના વગર રહેવાની નથી, બધા પોતાની રીતે આગળ વધશે.

દિવ્ય ભાસ્કર: હજી પણ આમ આદમી પાર્ટીમાંથી કેટલા લોકો છોડીને જઈ શકે છે?
મહેશ સવાણી: ના, મારી કોઈ આમ આદમી પાર્ટીના નેતા કે કાર્યકર્તાઓ સાથે વાત નથી થઈ. તેઓ પોતે પણ વિચારતા ન હતા, પરંતુ સમાજ સેવામાં ટાઈમ આપી શકતો ન હોવાને કારણે પાર્ટી છોડી છે.

દિવ્ય ભાસ્કર: આમ આદમી પાર્ટીની ગેમ બની ગઈ છે એવી ચર્ચાઓ થઈ રહી છે?
મહેશ સવાણી: આ તો લોકોના પોતપોતાના મત બહુ હોય છે, એમાં હું કંઇ ના કરી શકું, પરંતુ એવી કોઈ બાબતની ચર્ચા થતી હોય એ વાત ખોટી છે, વાજબી નથી.

વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા.
વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા.

દિવ્ય ભાસ્કર: શરૂઆતમાં તમે જ્યારે જોડાયા ત્યારે જ ચર્ચા હતી કે ચૂંટણી નજીક આવશે ત્યારે ધીરે ધીરે આમ આદમી પાર્ટીને છોડવાનો સિલસિલો શરૂ થશે?
મહેશ સવાણી: એ બધા પોતપોતાના વિચારો હોય છે, કેવી રીતે જોડાવું, કેવી રીતે કામ કરવું એ બાબતે લોકો ચર્ચા કરતા રહેતા હોય છે.

રાજકારણમાં રહીને જો સેવા થઈ શકે એવું હશે તો હું ફરી જોડાઈશ
આમ આદમી પાર્ટી છોડ્યા બાદ હવે ભાજપમાં જોડાશે કે નહીં એ બાબતે સવાણીએ નારોવા કુંજરોવા જેવો જવાબ આપતાં કહ્યું હતું કે અત્યારે તો હું મારા સામાજિક સેવાનાં કાર્યો જ કરવાનો છું, પરંતુ જો સેવા થતી હશે અને જો મને તક મળશે તો રાજકારણમાં રહીને જ સેવા થઇ શકે એવું હશે તો એમાં ફરી જોડાઈશ.

રાજકારણ નામ જ સમાજ સેવાનું છે અને એના માટે જ રાજકીય પાર્ટીમાં જોડાયો હતો, પરંતુ એને કારણે મારી સમાજ સેવામાં ઓટ આવતી દેખાઇ હતી અને એના માટે રાજકારણ હાલ છોડ્યો છે. દરેક પાર્ટીની પોતાની રાજકીય વિચારધારા હોય છે અને એ મુજબ કામ કરતી હોય છે. અમારા સામાજિક કાર્યક્રમમાં માનવતાના ધોરણે તમામ રાજકીય પાર્ટી ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આવતા રહ્યા છે. હું માનવતાની વાળી વ્યક્તિ છું.

મહેશ સવાણી પિતાની સેવાકીય પ્રવૃતિને આગળ વધારી રહ્યાં છે.
મહેશ સવાણી પિતાની સેવાકીય પ્રવૃતિને આગળ વધારી રહ્યાં છે.

હું માનવતામાં માનવાવાળો માણસ છું, કોઈના વગર કોઈ રહી નથી જતું
મહેશ સવાણીને ખોટી પાર્ટી પસંદ થઈ ગઈ હોવાનું પૂછતાં કહ્યું હતું કે દરેક પાર્ટીની પોતાની રાજકીય વિચારધારા હોય છે અને એ મુજબ કામ કરતી હોય છે. હું માનવતામાં માનવાવાળો માણસ છું. એવું કહેવાતું હતું કે મહેશ સવાણી જો આમ આદમી પાર્ટી છોડી દેશે તો એમાં શું બાકી રહેશે? જેના જવાબમાં જણાવ્યું કે કોઈનું કોઈના વગર રહી જતું નથી વ્યક્તિ એકલી હોય છે ત્યારે તેને હાથ પકડવાવાળો કોઈ ને કોઈ મળી જાય છે.

કોણ છે મહેશ સવાણી?
ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના મહેશ સવાણીએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા મહેશ સવાણીના પિતા વલ્લભભાઈ સુરતમાં ‘વલ્લભ ટોપી’ના નામે જાણીતા છે.સુરતમાં હીરાના વ્યવસાયમાંથી રિયલ એસ્ટેટ તરફ વળી વલ્લભભાઈએ અઢળક સફળતા સાથે સારી એવી કમાણી પણ કરી. આજે ડાયમંડ,એજ્યુકેશન, હોસ્પિટલ, રિયલ એસ્ટેટ સહિતના બિઝનેસ ક્ષેત્રે કાર્યરત પી.પી. સવાણી ગ્રૂપનું સંચાલન મહેશ સવાણી કરી રહ્યાં છે.

વર્ષોથી અનાથ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવે છે
આશરે 2500 કરોડ રૂપિયાથી વધુંનુ ટર્નઓવર ધરાવતા આ ગ્રૂપના એમડી તરીકે કામ કરી રહેલા મહેશ સવાણી પણ પિતાની સેવાકીય પ્રવૃતિને આગળ વધારી રહ્યાં છે. મહેશ સવાણી પિતા વિહોણી દીકરીઓમાં નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર તેમના ધામધૂમથી લગ્ન કરાવે છે. એટલું જ નહીં છેલ્લા ઘણા વર્ષોથી સમૂહલગ્નનું આયોજન કરતા મહેશ સવાણીએ પોતાના દીકરાના લગ્ન પણ આ રીતે જ કરાવ્યા હતા. આ ઉપરાંત મહેશભાઈએ ઉરીમાં શહીદ થયેલા જવાનોના બાળકોના ભણતરનો ખર્ચની જવાબદારી લીધી હતી.