વિરોધ કરનાર સાથે બળજબરી:સુરતમાં આપના કોર્પોરેટરોના પાલિકાના સામાન્ય સભાના ખંડમાં ધરણા, પાલિકાના માર્શલોએ ખેંચી ખેંચીને બહાર કાઢ્યા

સુરત4 મહિનો પહેલા
ગળું પકડીને માર્શલો વિરોધ કરનારને બહાર ખેંચી લાવી. - Divya Bhaskar
ગળું પકડીને માર્શલો વિરોધ કરનારને બહાર ખેંચી લાવી.
  • પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર વિપક્ષનાં રાત્રિ ધરણાં અને બપોરે માર પડ્યો
  • ​​​​​​​સામાન્ય સભા બાદ વિપક્ષના સભ્યોએ આખી રાત સભાખંડમાં ધરણાં કરતાં બીજા દિવસે મામલો બિચક્યોરામના નામે રાવણ જેવાં કામ થઈ રહ્યાં છે

સુરત કોર્પોરેશનમાં વિરોધની અનેક ઘટનાઓ બનતી હશે પરંતુ આ વખતે વિરોધ પક્ષ દ્વારા ઇતિહાસમાં પહેલી વખત આખી રાત સામાન્ય સભાના સરદાર ખંડમાં ધરણા કરીને વિતાવી હોવાનું સામે આવ્યું છે. આમ આદમી પાર્ટી આક્રમક રીતે ભારતીય જનતા પાર્ટીના શાસકો સામે લડી લેવાના મુડમાં દેખાઇ રહી છે. ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા જે દરખાસ્ત કરવામાં આવનાર હતી તે દરખાસ્ત રજૂ થાય તે પહેલાં જ તેમણે સામાન્ય સભાને બરખાસ્ત કરી દેતા વિવાદ ઊભો થયો હતો. આમ આદમી પાર્ટી દ્વારા હંમેશા સભાને બરખાસ્ત કરવાના કે મુલતવી રાખવા અને સભા પૂર્ણ થઇ ગયાની જાહેરાતને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો હતો. દરમિયાન આજે વિરોધ કરી રહેલા આપના નેતાઓને પાલિકાના માર્શલોએ ખેંચી ખેંચીને બહાર કાઢ્યા હતા. જેમાં મહિલાઓના કપડાં પણ ફાટી ગયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

મહિલાઓને પણ ખેંચીની બહાર કાઢવામાં આવી હતી.
મહિલાઓને પણ ખેંચીની બહાર કાઢવામાં આવી હતી.

કોર્પોરેશનના સત્તાધીશોનું તાનાશાહી વર્તન
આમ આદમીના કોર્પોરેટરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે સામાન્ય સભાના સરદાર ખંડમાં બેસીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. કોર્પોરેશનના સત્તાધીશો તાનાશાહી વર્તન કરી રહ્યા છે. યોગ્ય રજૂઆત પણ કરવા દેવામાં આવતી નથી. અત્યારે જાણવા મળ્યું છે તે રીતે મીડિયા કર્મીઓને પણ કોર્પોરેશનમાં આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે અમે સભાખંડમાં ધરણા પર બેઠા હતા ત્યારે કેટલાક મીડિયા કર્મીઓ ગેટ ઉપર અમારી સાથે વાત કરવાના અમારા પ્રશ્નોને વાચા આપવા માટે આવ્યા હતા પરંતુ સત્તાધીશોએ તેમને પણ અંદર ન જવા દેવાનો હુકમ કર્યો હોય તે રીતે માર્શલો દ્વારા તેમને અંદર આવવા દેવામાં આવતા નથી.

આખી રાત સભાખંડમાં જ સૂતા રહ્યા.
આખી રાત સભાખંડમાં જ સૂતા રહ્યા.

આપ દ્વારા દરખાસ્ત રજૂ થાય તે પહેલાં જ સભા બરખાસ્ત
ગતરોજ યોજાયેલી સામાન્ય સભામાં આમ આદમી પાર્ટી દ્વારા બે દરખાસ્ત રજૂ કરવામાં આવનાર હતી. આ દરખાસ્તમાં સુરત શહેરના વર્ગ ચોથા ના કર્મચારી કે જેઓ સ્વચ્છતામાં સૌથી વધુ મહત્વનું યોગદાન આપી રહ્યા છે તેમને ભરતી કરવામાં આવે તે પ્રકારની માગણી કરનાર હતા. સુરત મહાનગરપાલિકામાં 2017 બાદ સફાઈ કર્મચારી વર્ગ ચોથા ની ભરતી કરવામાં આવી નથી. સુરત શહેરમાં નવા વિસ્તારોનો સમાવેશ થઇ રહ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે જ સફાઈ કામદારોની સંખ્યામાં વધારો કરવો જરૂરી છે હાલ અત્યારે જે સફાઇ કર્મચારી કોન્ટ્રાક્ટ પર લેવામાં આવી રહ્યા છે તેમને ચાર કલાકના માત્ર 140 રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે જે તેમને પોષાય તેમ નથી છતાં પણ તેમને કાયમી કરી આપવામાં આવશે એ પ્રકારની આશા સાથે તેઓ કામ કરી રહ્યા હોવાની વાત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી.

મહિલા કોર્પોરેટરો પણ વિરોધ જોડાઈ હતી.
મહિલા કોર્પોરેટરો પણ વિરોધ જોડાઈ હતી.

મેયરે સભાને આટોપી લીધી
વિપક્ષ નેતાની ગેરહાજરીમાં વિપક્ષી સભ્યો પોતાના પ્રશ્નોની રજુઆત કરી રહ્યા હતાં. પરંતુ મેયર પુરતો સમય વિપક્ષી સભ્યોને આપી રહ્યાં નહી હોવાની લાગણી સભ્યોમાં પ્રવર્તતી હતી દરમિયાન સામાન્ય સભાના એજન્ડા પરના કામોમાં વિપક્ષની બે દરખાસ્તો 58 અને 59 ક્રમે હતી પરંતુ લાઈટ અને ફાયર સમિતિના 54 નંબરના કામ પર જ મેયરે સભાને આટોપી લીધી હતી.

જાગરત નાયક ચીફ સિક્યુરીટી ઓફિસર
જાગરત નાયક ચીફ સિક્યુરીટી ઓફિસર

રામના નામે રાવણ જેવાં કામ થઈ રહ્યાં છે
ગુજરાત સ્થાપના દિને નગરસેવકો સાથે અમાવીય વર્તન કરાયું છે. કુશાસકોએ રામના નામે રાવણ જેવા કામ કર્યા છે. શાસકોને ચેલેન્જ આપું છું કે, હિંસા કરો, દબાવો છતા અમે લડતા રહીશું. આ લોકશાહીની હત્યા છે. વિધાનસભા ચૂંટણીમાં મતદારો જવાબ આપશે. - ધર્મેશ ભંડેરી, વિપક્ષી નેતા

કપડાં ફાડનારો માર્શલ નશામાં હતો
ઘનશ્યામ મકવાણાનું ગળું દબાવનાર માર્શલે જ મારા કપડા ફાડી નાખ્યા હતા. આ માર્શલ દારૂના નશામાં હતો. ઘટના સમયે મહિલા માર્શલો ત્યાં હતી નહિં. ગુપ્ત ભાગે છેડતી થઈ છે. આ સંદર્ભે એફ.આઇ.આર કરીશ. - કુંદનબેન કોઠિયા, નગરસેવિકા, આપ

• તંત્ર શું કહે છે...
વિપક્ષને નિયમો વિશે ખબર જ નથી મંજૂરી વગર ધરણાં પર બેસ્યા હતા

સભાગૃહના નિયમોની વિપક્ષને ખબર જ નથી. સભા પૂર્ણ થઇ ગયા બાદ આ રીતે બેસી ન શકાય. આ માટે પરમીશન લેવાની હોય છે પણ લીધી ન હતી. - હેમાલી બોઘાવાલા, મેયર

ACPએ કહ્યું, PI પાસે દંડો હતો જ નહીં
સ્મીમેરમાં નગરસેવકોએ પોલીસને લાલગેટ PI પટેલે દંડો માર્યો હોવાનું કહેવા છતાં ફરિયાદ લીધી ન હતી. આપના સંગઠન મંત્રી વાઘાણીએ આ અંગે ફરિયાદ કરી તો ACP આહીરએ કહ્યું કે PI પાસે દંડો હતો જ નહીં.

આવી કોઈ ઘટના બની જ નથી
♦ સીધી વાત
કોર્પોરેટરોને કાઢવા કોણે સૂચના આપી?

- કોઇએ સૂચના આપી ન હતી.​​​​​​​
માર્શલોએ ગળું દબાવ્યું, મહિલા નગરસેવકનાં કપડાં ફાડી નખાયાં હતાં?
- આવી કોઇ ઘટના બની જ નથી.​​​​​​​
ફોટો અને વીડિયોમાં તો સ્પષ્ટ દેખાઇ છે
- ખોટી વાત. મને મોકલો ચેક કરાવું છું. - જાગરત નાયક ચીફ સિક્યુરીટી ઓફિસર