તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફાઈ પોલિટિક્સ:​​​​​​​સુરતના પુણા વિસ્તારમાં તંત્ર દ્વારા ખાડીની સફાઈ ન થતા AAPના નગરસેવકો અને કાર્યકર્તાઓ ઝાડુ સાથે સફાઈ કરવા ઉતર્યા

સુરત12 દિવસ પહેલા
તંત્ર દ્વારા કામગીરી કરવામાં ન આવતી હોવાના રોષ સાથે નગરસેવકોએ સફાઈ અભિયાન ઉપાડ્યું હતું.
  • વારંવારની રજૂઆત છતા નિરાકરણ ન આવતાં સફાઈ કરી વિરોધ

પુણા વિસ્તારમાં આવેલી ખાડી કોર્પોરેશન દ્વારા વારંવાર રજૂઆત છતાં સફાઈ ન થતા આપના પ્રદેશ અધ્યક્ષ, નગરસેવકો અને કાર્યકર્તાઓએ જાતે સફાઈની શરૂઆત કરવા ખાડીમાં ઉતર્યાં હતાં.ચોમાસા દરમિયાન ખાડી પૂરની દહેશત જોવા મળતી હોય છે. ખાડી પૂરના કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઇ જવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં પણ સામે આવ્યા છે. ગત વર્ષે પણ સ્થિતિ ખૂબ જ વિકટ બની હતી. તેના કારણે પુણા, લિંબાયત,પરવત ગામ, પરવત પાટિયા સહિતના વિસ્તારની અંદર ખાડી પૂરના પાણી પ્રવેશી ગયા હતાં. જેથી લોકોને ભારે હાલાકી થઈ હતી. પ્રિમોન્સુન કામગીરી દરમિયાન ખાડી વિસ્તારની આજુબાજુ પણ કામગીરી કરવાની હોય છે, પરંતુ આ વર્ષે તે કામગીરી પણ પૂર્ણ થઈ નથી.

આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા પણ ખાડીમાં સફાઈ કરવા ઉતર્યા હતાં.
આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા પણ ખાડીમાં સફાઈ કરવા ઉતર્યા હતાં.

કામગીરી ન થતાં સફાઈ શરૂ કરી
આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી પુણા વિસ્તારમાં આવેલી ખાડીને સાફ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સંકલન બેઠકમાં પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ કામગીરી થઇ નથી. આખરે આમ આદમી પાર્ટીએ કમિશનર અને મેયરને રજૂઆત કરી હતી કે, જો તમે આ પ્રકારે સફાઇની કામગીરી નહીં કરો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સહિત આપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ સવારથી જ ખાડી સાફ કરવાની શરૂઆત કરી હતી.

ખાડીમાં ઝાડી ઝાંખરા થઈ જતા ગંદકીનું પ્રમાણ વધ્યું છે.
ખાડીમાં ઝાડી ઝાંખરા થઈ જતા ગંદકીનું પ્રમાણ વધ્યું છે.

સ્વચ્છતાના અભાવે રોગચાળો વધે છે
ખાડીમાં દૂષિત પાણી હોવાથી આરોગ્યલક્ષી અનેક પ્રશ્નો ચોમાસા દરમિયાન ઊભા થતાં હોય છે. તેમજ સામાન્ય દિવસોમાં પણ આ વિસ્તારની અંદર મુશ્કેલી ઊભી થાય છે .ખાડીમાં ગંદકીને કારણે મચ્છરનો ઉપદ્રવ વધે છે.જેના લીધે આસપાસની સોસાયટીઓના રહીશોને મેલેરિયા,ડેન્ગ્યુ જેવા રોગોનો સામનો કરવો પડે છે. તેમજ અમુક જગ્યાએ એટલી હદે ગંદકી ભેગી થઈ ગઈ છે કે, જેના લીધે ચોમાસામાં ખાડીમાં પાણીનો અટકાવ થવાના લીધે પાણી બહાર આવીને સોસાયટીઓમાં પણ પ્રવેશી જાય છે.

સફાઈ અભિયાનમાં આપના નગરસેવકોથી લઈને કાર્યકરો પણ જોડાયા હતાં.
સફાઈ અભિયાનમાં આપના નગરસેવકોથી લઈને કાર્યકરો પણ જોડાયા હતાં.

ખાડીમાં ઝાડી ઝાંખરા વધી ગયા છે
આપના નગરસેવક પાયલ પટેલ જણાવ્યુ કે, મારા વિસ્તાર વોર્ડ નંબર 16 પુણા પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતી ખાડીમાં ખુબ જ ગંદકી જમા થઈ ગઈ છે.ઝાડી ઝાંખરાઓ પણ વધી ગયા છે અને ખાડી કિનારાની સોસાયટીઓ એ વારંવાર રજૂઆતો કરી છતાં SMC દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ના આવી ત્યાર બાદ સંકલન મિટિંગમાં પણ અમે લોકો એ રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી.SMC કમિશ્નર ,મેયર ,ડે.મેયર તેમજ ઝોન ઓફીસમાં લેખિતમાં રજૂઆત કરી છતાં ખાડીની સાફ સફાઈ બાબતે કોઈ કામગીરી હાથ ધરવામાં ન આવતા અમે આજે ખાડી સફાઈની કામગીરી શરૂ કરી હતી.

3 કલાકનો ડ્રામા કરતાં કાયમી સફાઇ કરાવો
વર્ષોથી કાપોદ્રા-પુણા ખાડીની ગંદકીના લીધે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ફરિયાદ કરવા છતાં ઉકેલ ન આવતા ખાડી કિનારેની સોસાયટીના રહીશોને જાતે ખાડીમાં ઉતરી સફાઇ કરવી છે. ગુરુવારે અચાનક દોડી આવેલાં કાર્યકરોએ સફાઇની સાથે ૩ કલાક ફોટોસેશન કર્યું તેમાં વાંધો નથી પણ સ્થાનિકોને વર્ષો બાદ પણ આ ગંદકીની સમસ્યાથી કાયમી મુક્તિ હજુ મળી નથી. > રમેશ ગાજીપરા, સંગના સોસાયટી

કોવિડના કારણે ખાડી સફાઈમાં વિલંબ થયો
સ્થાયી ચેરમેન પરેશ પટેલે જણાવ્યું કે, તમામ ઝોનને ખાડી સફાઈ માટે સૂચના આપી છે, પોકલેન મશીન થકી ખાડીમાં સફાઈ કરવાની શરૂઆત પણ થઈ છે. કોવિડને પગલે ખાડી સફાઈમાં મોડું થયું છે. ડ્રેજિંગ માટે પણ કોઈ એક જ કંપનીને તમામ કામગીરી સોંપાઈ તેથી વ્યવસ્થિત કામગીરી થઈ શકે તેથી ખાડીમાં 4 મીટર સુધીનુ ડ્રેજિંગ થાય તો ખાડી પૂરની સમસ્યાનો અંત આવશે.

અન્ય સમાચારો પણ છે...