સુરત શહેરના વોર્ડ નંબર બેની અંદર વેલંજા અને ઉમરા વિસ્તારનો સમાવેશ થાય છે. છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો દ્વારા અવારનવાર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરનો સંપર્ક કરીને એમના કેટલાક પ્રશ્નો અંગેની રજૂઆત કરવામાં આવી હતી. તે કામ પૂર્ણ ન થતા સ્થાનિક યુવાનો દ્વારા બેનરો લગાડવામાં આવ્યા છે. બેનરોમાં આપના કોર્પોરેટર ગુમ થઈ ગયા છે તેવું લખાણ લખવામાં આવ્યું છે. કોર્પોરેટરોને કેટલાક મુદ્દાને લઈને રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેમનું કામ ન થયું હોવાનું જાણવા મળ્યું છે.
કોર્પોરેટર દ્વારા કોઈપણ નક્કર પગલાં લેવાયા નથી
વોર્ડ નંબર 2માં ડ્રેનેજને લઈને પણ ઘણા સમયથી મુશ્કેલીઓ સામે આવી રહી હતી. સોસાયટીની અંદર લાઈટનો પ્રશ્ન છે તે ઘણા સમયથી હોવા છતાં તેનો ઉકેલ આવ્યો નથી. બીજી તરફ હાઇવે ઉપર લાઈટો ન હોવાને કારણે રોજના ગાયોના અકસ્માતો થઈ રહ્યા છે. જેને લઇને પણ વારંવાર રજૂઆત છતાં આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા કોઈપણ નક્કર પગલાં લેવાયા નથી. હાઈવેની પેરેરલ જે રસ્તા છે તે ખૂબ જ બિસ્માર હાલતમાં થઈ ગયા છે તેનો પણ રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી. ચોમાસા દરમિયાન લોકોને વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભાજપના ધારાસભ્યને પણ રજૂઆત કરી પણ ઉકેલ ન આવ્યો
ગૌમાતા ગ્રુપના સભ્ય દેવ પટેલે જણાવ્યું કે વારંવાર પશુઓના અકસ્માત થતાં તેમને ઈજા પહોંચી રહી છે. ઘણી વખત તો ગાયના મોત થવાની ઘટના પણ બને છે પરંતુ તેને રોકવા માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. રોજના અકસ્માત થઈ રહ્યા હોવા છતાં પણ સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે અને કોર્પોરેટરો યોગ્ય રીતે પોતાની માંગને ત્યાં કોર્પોરેશનમાં રજૂ નથી કરી રહ્યા. જેને લઇને અમે વેલેનજા અને ઉમરા વિસ્તાર માં બેનર લગાડીને મારો રોષ વ્યક્ત કર્યો છે. ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવાડીયા ને પણ આ બાબતે રજૂઆત કરી હતી પરંતુ તે પણ ઉડાઉ જવાબ આપી રહ્યા છે.
અમારી કેટલીક મર્યાદાઓ છે અમે ફક્ત રજૂઆત કરી શકીએઃ આપના કાર્પોરેટર
વોર્ડ નંબર બેના આપના કોર્પોરેટર કલ્પેશ પટેલે જણાવ્યું કે સ્થાનિક લોકોની જેટલી પણ રજૂઆતો છે જેટલા પણ પ્રશ્નો છે તેને યોગ્ય રીતે કોર્પોરેશનમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. સોસાયટીના સ્ટ્રીટ લાઈટનો પ્રશ્ન પણ હવે થોડા દિવસોમાં ઉકેલાઈ જશે. પરંતુ અમારી કેટલીક મર્યાદાઓ છે અમે ફક્ત રજૂઆત કરી શકે છે અને અધિકારીઓ તે કામ ઝડપથી ઉકેલ લાવે તેના માટેના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ અમે તેમને ઓર્ડર આપીને કામ પૂરું કરી દો એવું અમે કહી શકતા નથી. વિપક્ષમાં હોવાને કારણે અમે પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. મને જાણવા મળ્યું છે કે ગૌમાતા ગ્રુપના કેટલાક યુવાનો દ્વારા બેનરો લગાડવામાં આવ્યા છે. હું તેમને વ્યક્તિગત રીતે જાણતો નથી પરંતુ હું એ વિસ્તારમાં સમયાંતરે જોતો હોઉં છું અને લોકોના પ્રશ્નોને હલ કરવાના પ્રયાસ કરું છું મારા ગુમ થવાની વાત ખોટી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.