મહિલાઓ માટે માગ:સુરતમાં આપ કોર્પોરેટરે ઓછા પગારમાં કામ કરતી મહિલાઓને સિટી અને BRTS બસમાં વિનામૂલ્ય મુસાફરી કરવા દેવા માગ

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
આપના કાર્પોરેટર સામાન્ય સભામાં દરખાસ્ત કરશે. - Divya Bhaskar
આપના કાર્પોરેટર સામાન્ય સભામાં દરખાસ્ત કરશે.
  • સામાન્ય સભામાં દરખાસ્ત મૂકવા માટેની તૈયારી કરવામાં આવી

સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે અનેક મુદ્દાઓને લઇને સામાન્ય સભાઓમાં રજૂઆતો અને માગણી કરતા રહે છે. આગામી સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર પાયલ સાકરીયા દ્વારા દરખાસ્ત કરવામાં આવનાર છે કે શહેરની ઓછા પગારમાં કામ કરતી તમામ મહિલાઓને બીઆરટીએસ અને સિટી બસની મુસાફરી કરી દેવામાં આવે. મહિલાઓ માટે દિલ્હીની માફક સુરતમાં પણ વ્યવસ્થા થાય તે ખૂબ જ જરૂરી છે. મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારનું પગલું લેવું જરૂરી છે.

મહિલાઓને રાહત થાય તે માટે માગ કરાશે
છેલ્લા થોડા સમયથી જે પ્રકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે તેમજ સીએનજી ગેસમાં પણ ભાવ વધારો થતાં રિક્ષા ચાલકો પણ પોતાનું ભાડું વધારી રહ્યા છે. સુરતના વરાછા વિસ્તાર હોય કે અન્ય કોઈપણ વિસ્તારમાંથી મહિલાઓ પોતાના કામકાજ અર્થે ગંતવ્ય સ્થાન પર જવા માટે બસનો ઉપયોગ કરતી હોય છે અથવા તો પછી રીક્ષાનો પણ ઉપયોગ કરતા હોય છે. જે રીતે પેટ્રોલનો ભાવ સો રૂપિયાને આંબી ગયો છે ત્યારે પોતાનું વ્હિકલ લઈને કામકાજના સ્થળ પર જવું હવે પોસાય તેમ નથી. બીજી તરફ સીએનજી ભાવ વધારાને કારણે રિક્ષા ચાલકો દ્વારા મિનિમમ ભાડામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. જેથી કરીને મહિલાઓને રાહત થાય અને પોતાના કામકાજ માટે ઘરની બહાર સરળતાથી નીકળી શકે અને આર્થિક રીતે પણ તેને મદદરૂપ થઇ શકાય તે તેને ધ્યાનમાં રાખીને સામાન્ય સભામાં દરખાસ્ત મૂકવા માટેની તૈયારી કરવામાં આવી છે.

મહિલાઓને કામકાજ પરિવારનું ગુજરાન ચલાવવામાં સરળતા રહે
પાયલ સાકરીયા જણાવ્યું કે સુરત શહેરમાં હજારોની સંખ્યામાં મહિલાઓ કામકાજ માટે ઘરની બહાર જાય છે. મહત્વની બાબત એ છે કે હાલ મહિલાઓને જે વેતન મળે છે તે વધારેમાં વધારે આપણે અંદાજ લગાવીએ તો 5થી 7 હજાર રૂપિયા મહિનાનો મળતો હશે. એટલા વેતનમાં ઘરથી વ્હિકલ લઈને નોકરીના સ્થળ પર જવું એ એક પ્રકારે મહિલા ઉપર આર્થિક બોજ આવી રહ્યો છે. પોતાનું વ્હિકલ લઈને જાય તો મહિનાના 1500થી 2000 રૂપિયા તો પેટ્રોલ ભાડાનો ખર્ચ અથવા તો ઓટો રિક્ષાના ભાડા પેટે ખર્ચ જતા હોય છે. એવી સ્થિતિમાં ઘણી મહિલાઓ પોતે કામકાજ કરવા માટે જવાનું બંધ કરી દેવાનો પણ નિર્ણય લેતી હોય છે. મોંઘવારીના સમય દરમિયાન મહિલાઓને કામકાજ કરવામાં અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં સરળતા રહે એને ધ્યાનમાં રાખીને આગામી સામાન્ય સભામાં હું દરખાસ્ત મૂકવા જઇ રહી છે કે તમામ સુરતની મહિલાઓને બીઆરટીએસ અને સિટી બસમાં મુસાફરી વિનામૂલ્યે કરી દેવામાં આવે.