સુરત શહેરમાં આમ આદમી પાર્ટી વિરોધ પક્ષમાં આવવાની સાથે જ શાસક પક્ષ માટે માથાનો દુઃખાવો બન્યો છે. મહાનગરપાલિકાની હોસ્પિટલ સમિતિમાં આપના કોર્પોરેટર્સના હિરપરા પણ છે. રચના હિરપરાએ સ્મીમેર હોસ્પિટલના ગાર્ડન ડેવલપ કરવા માટેની માગ કરી હતી. જે અંતર્ગત આજે તેમણે સ્મીમેર હોસ્પિટલના ગાર્ડનમાં અધિકારીઓને બોલાવ્યા હતા. જ્યારે તેઓ ગાર્ડનમાં પહોંચ્યા ત્યારે રચના હિરપરાએ જોયું કે, આખા ગાર્ડનમાં અનેક દારૂની બોટલો પડેલી હતી. હોસ્પિટલના કેમ્પસમાં દારૂની બોટલો ને જોતાની સાથે જ તેવો ભડકી ગયા હતા. જોકે એક પણ અધિકારી ગાર્ડન જોવા માટે તેમની સાથે ત્યાં પહોંચ્યા ન હતા.
અલગ અલગ ઠેકાણે બોટલો મળી
ગાર્ડન ડેવલોપમેન્ટ કરવા પહોંચ્યા ત્યારે દારૂની બોટલ જોઈને આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર પણ ચોંકી ગયા હતા. મહિલા કોર્પોરેટરે જ ગાર્ડનની અલગ અલગ જગ્યા ઉપર દારૂની બોટલો અંગે પડેલી જોતા એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે, કેમ્પસની અંદર મોટા પ્રમાણમાં દારૂ પિવાય રહ્યો છે. જ્યાં દર્દીઓ સારવાર લેવા આવતા હોય તેવા સ્થળ ઉપર જ દારૂ પીવાતો હોય તો તે સ્વાભાવિક રીતે જ ખૂબ મોટી ચિંતાનો વિષય બને છે.
દારૂબંધીની વાતો પોકળ-કોર્પોરેટર
આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 17ના કોર્પોરેટર રચના હિરપરા જણાવ્યું કે, હોસ્પિટલએ સ્વાસ્થ્યનું મંદિર કહેવાય છે. આ મંદિરમાં આ પ્રકારનું કાર્ય થતું હોય એ જરા પણ સાંખી લેવાય તેમ નથી. ગુજરાતમાં દારૂબંધીની વાતો કરવામાં આવે છે. પરંતુ એ કેટલી સાર્થક થાય છે તે આપણે બધા જ જાણીએ છીએ. દારૂબંધીના લીરેલીરા સ્મીમેર હોસ્પિટલના ગાર્ડનમાં ઊડી રહ્યા છે. પરંતુ સિક્યુરિટી કોઈ કામ કરતી નથી. એમની જવાબદારી છે કે, આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય તો તેને રોકવી જોઈએ. પ્રજાના કરોડો રૂપિયાના પૈસા તેમની સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે. જે રીતે અહીં દારૂ પડ્યો છે. હોસ્પિટલની અંદર ગંદકીનું સામ્રાજ્ય છે. લોકો માટે ઉપયોગમાં ન લઈ શકાય તે પ્રકારના શૌચાલયની સ્થિતિ છે.
તપાસ કરાવાશે-ચેરમેન
હોસ્પિટલ સમિતિના ચેરમેન રાજુ જોલીયાએ જણાવ્યું કે, મને હજુ આ વાતની જાણ નથી કે, સ્મીમેર હોસ્પિટલના ગાર્ડનની અંદર દારૂની બોટલો મળી છે. પરંતુ જો આવું કંઈક સામે આવ્યો હશે. તો હું ચોક્કસ સિક્યુરિટી એજન્સીને આ બાબત અંગે જાણ કરીશ. જો નિષ્ક્રિયતા હોય તો હું ચોક્કસ તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરીશ. દારૂની બોટલો ક્યાં મળી છે. એ બાબતની હજી મને સિક્યુરિટી દ્વારા કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા જાણ કરવામાં આવી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.