ગણેશ ઉત્સવ રાજકીય અખાડો!:સુરતમાં AAPના સર્વેસર્વા કેજરીવાલ ગણેશ ઉત્સવમાં હાજરી આપશે, આરતી બાદ જનસભાને સંબોધશે

Surat22 દિવસ પહેલા
અરવિંદ કેજરીવાલ સીમાડા ખાતે ગણેશ ઉત્સવમાં હાજરી આપીને સભા સંબોધશે.

વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષો કોઈપણ પ્રકારનો લોક સંપર્ક કરવાની તક છોડી રહ્યા નથી. હાલ ચાલતા ગણેશ ઉત્સવ જાણે રાજકીય રીતે પ્રચારનું માધ્યમ બની ગયો હોય તે રીતે તમામ રાજકીય પાર્ટીઓના નેતા અલગ અલગ ગણેશ મંડપમાં હાજરી આપી રહ્યા છે. આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતમાં સીમાડા નાકા ખાતે ગણેશ મંડપમાં હાજરી આપશે અને આરતી બાદ જનસભાને સંબોધશે.

અરવિંદ કેજરીવાલ ભાજપ પર કરી શકે છે આકરા પ્રહાર
ગુજરાતમાં ચૂંટણી પૂર્વે અરવિંદ કેજરીવાલ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતમાં રાજકીય રીતે પોતાનું પ્રભુત્વ વધારવા માટે અરવિંદ કેજરીવાલ ખૂબ પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં જ ગણપતિ ઉત્સવ પૂર્વે આપના પ્રદેશ મહામંત્રી ઉપર થયેલા હુમલા બાદ અરવિંદ કેજરીવાલની સુરત મુલાકાત ખૂબ જ સૂચક છે. હુમલા કરનારા ભાજપના ગુંડાઓ હોવાના આક્ષેપો આપના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. એવી રીતે અરવિંદ કેજરીવાલ પણ મનોજ સોરઠીયાની મુલાકાત કરીને એમના ઉપર થયેલા હુમલાને લઈને ભારતીય જનતા પાર્ટીને આડે હાથે લઈ શકે છે.

જનસભા સંબોધશે
અરવિંદ કેજરીવાલને ભાજપ ઉપર પ્રહાર કરવાની અને પોતાના પક્ષને મજબૂત કરવા માટેની સારી તક ગણપતિ ઉત્સવ દરમિયાન મળી છે. અન્ય રાજકીય પાર્ટીની જેમ આમ આદમી પાર્ટી પણ આ તકને ઝડપી લેવા માટે કાર્યક્રમનું આયોજન કરી રહી છે. પાટીદાર વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ કોર્પોરેશનની ચૂંટણીમાં દેખાયું હતું. એવી જ રીતે વિધાનસભામાં પણ જો દેખાય તો વિધાનસભાના પરિણામ ઉપર તેની સીધી અસર થઈ શકે છે. આજે અરવિંદ કેજરીવાલ જનસભામાં ગુજરાતના કાયદા વ્યવસ્થા ઉપર પ્રહાર કરી શકે છે તેમજ ભાજપ આમ આદમી પાર્ટીથી ડરીને આ પ્રકારે નેતાઓ અને કાર્યકર્તાઓને ધમકાવવા ડરાવવાનો પ્રયાસ કરી રહી છે પ્રકારની વાતો પણ કરી શકે છે. ગણેશ મંડપમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેના માટે આમ આદમી પાર્ટીનું સંગઠન કામે લાગી ગયું છે.

અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ

  • સાંજે 6:00 વાગે સુરત એરપોર્ટ પર આગમન
  • સાંજે 6: 30 વાગે સિમાડા નાકા ગણપતિ પંડાલ ખાતે ગણપતિ આરતી કરી સભા સંબોધન કરશે
  • સાંજે 8:00 વાગે દિલ્હી પરત જવા રવાના થશે
અન્ય સમાચારો પણ છે...