ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દરરોજ નવા રાજકીય ખેલ જોવા મળે છે. ક્યાંક ટિકિટ ન મળતા પક્ષથી નારાજ થઈને નેતાઓ ગાયબ થઈ જાય છે. તો ક્યાંક ટિકિટ મળ્યા બાદ અચાનક તેના બોજથી કંટાળીને નેતાઓ ઉમેદવારી પાછી ખેંચી રહ્યા છે. આવી જ એક ઘટના સુરત AAPમાં બની જેની શરુઆત ઈસુદાન ગઢવીના ટવીટે કરી. તેમણે જાહેર કરી દીધું કે સુરત પૂર્વ બેઠકના AAPના ઉમેદવાર કંચન જરીવાલાનું અપહરણ થઈ ગયું છે. બુધવારે બપોરે અચાનક પ્રગટ થઈ જરીવાલાએ બાઉન્સરના કાફલા સાથે ઉમેદવારી પાછી ખેંચી. દિવ્યભાસ્કર હકીકત જાણવા જરીવાલા પાસે પહોંચ્યું. તો તેમણે ખુલાસા કરતા કહ્યું કે, 'પાર્ટીની નેતાગીરીએ ખર્ચાના રૂ.75-80 લાખ રુપિયા માગ્યા હતા. ક્યાંથી મેનેજ કરવા, પરિવારનું પણ પ્રેશર હતું.એટલે ઉમેદવારી પાછી ખેંચી'
કોણ છે કંચન જરીવાલા?
કંચન જરીવાલા જરીના કામ સાથે જોડાયેલા છે. ગત કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી તેઓ વોર્ડ નંબર 13માં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. અંદાજે 14,000 જેટલા મતો મેળવ્યા હતા અને આખી પેનલ જે કોંગ્રેસની હતી તે હારી ગઈ હતી. અગાઉ પણ તેઓ વર્ષો પહેલા જનતા દળમાંથી કોર્પોરેશનમાં લડ્યા હતા અને અપક્ષમાંથી પણ પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યા હતા. કુલ અત્યાર સુધીમાં તેઓ 3 ઇલેક્શન લડી ચૂક્યા છે. આ વખતે પ્રથમવાર તેઓ વિધાનસભાની ચૂંટણીમાં AAPના ઉમેદવાર હતા.
'મારું ક્યાં કોઈએ અપહરણ કર્યું, ખોટી વાતો ઉડી'
જરીવાલાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, મારું કોઈએ અપહરણ કર્યું નથી. સોશિયલ મીડિયામાં ખોટી વાતો ઉડી રહી હતી. મંગળવારનો દિવસ મારા માટે ખુબજ ભારે હતો. એક સાથે પાર્ટીના અનેક ઉમેદવારો ઘરે આવી રહ્યા હતા. એક જ વાત કહી કહ્યા હતા કે તમારે ઉમેદવારી પાછી ખેંચવાની શી જરુર છે. આખો દિવસ ઉમેદવારોને ઘર પર ધસારો રહ્યો હતો. હું માનસિક તણાવમાં આવી ગયો હતો. તેને લઈને હું બહાર આવતો ન હતો મારું નામ રદ થવાનું હતું એટલે હું દોડધામમાં લાગ્યો હતો. એફિડેવીટ રજૂ કરવાની હતી. એક તરફ વકીલ ઘરે આવે અને બીજી તરફ પાર્ટીના કાર્યકરો ફોન કર્યા કરે. તેમાંય ઘણાં તો ઘરે મળવા આવ્યા હતા. આ દરમિયાન મારો ફોન કોણ લઈ ગયું. ફોન ક્યાં છે તેની મને કંઈ ખબર જ ન પડી. તેમાં જ મારો ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હશે. એટલે હું કોઈનો સંપર્ક પણ નથી કરી શક્યો.
હું તો પરિવાર સાથે સગાને ત્યાં ગયો હતો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઘણા એવું પણ કહેવા લાગ્યા કે હું મારા ઘરે નથી હું ગાયબ થઈ ગયો છું પરંતુ હું મારા પરિવાર સાથે અન્ય એક સંબંધીના ઘરે જતો રહ્યો હતો. ઉમેદવારી પરત લેવાનું મહત્વનું કારણ એ છે કે મારા પરિવારના સભ્યોનું દબાણ હતું કે હું ચૂંટણી ન લડું અને પરિવારનો હઠાગ્રહ હતો કે હું ઉમેદવારી પાછી ખેંચી લઉં. તેના જ કારણે હું માનસિક તણાવમાં હતો અને પરિવારના અણબનાવના કારણે મેં મારી ઉમેદવારી પરત ખેંચી છે.
..આ કારણોથી મેં ઉમેદવારી પરત ખેંચી લીધી છે
તેમણે જણાવ્યું હતું કે અનિચ્છાએ તેમનું નામ આગળ ધરવામાં આવ્યું છે. આઠ મહિના અગાઉ પણ મેં ઉમેદવાર બનવાની મનાઈ ફરમાવી હતી પરંતુ આમ આદમી પાર્ટીનું મને દબાણ હતું. એ લોકોએ મને એવું સમજાવ્યું હતું કે તમારું નેતૃત્વ યોગ્ય છે સમાજમાં તમારી પકડ સારી છે, સુરતના આ વિસ્તારમાં ચૂંટણી તમારે જ લડવાની છે. આઠ મહિના પહેલા જ્યારે મારું નામ જાહેર થયું ત્યારે પક્ષમાંથી અનેક કાર્યકરો નારાજ થયા હતા. ઘણા રાજીનામાં આપવા તૈયાર હતા ઘણા નેતાઓએ ખુલ્લેઆમ તેમની નારાજગી દર્શાવી હતી. આ બધી ઘટનાઓના કારણે હું છેલ્લા ત્રણ દિવસથી માનસિક તણાવ અનુભવી રહ્યો હતો. એક તરફ મારા સ્વજનો મારો વિરોધ કરતા હતા અને બીજી તરફ મારા સમર્થકો મને સમાજ વિરોધી ગણાવી રહ્યા હતા. આ કારણોથી મેં ઉમેદવારી પરત ખેંચી લીધી છે.
પાર્ટીએ કહ્યું:'રૂ.75-80 લાખ તમારે મેનેજ કરવા પડશે'
કંચન જરીવાલાએ આમ આદમી પાર્ટી પર એવો આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ચૂંટણી લડવા પાછળ ખૂબ જ મોટો ખર્ચ થાય છે હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું અને પાર્ટી તરફથી મને એક પણ રૂપિયો આપવાના ન હતા. આ ઉપરાંત પાર્ટી દ્વારા મને એવું કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી પાછળ રૂ.75-80 લાખ રૂપિયા જેટલો ખર્ચ થશે એ તમારે મેનેજ કરવા પડશે. આટલી મોટી રકમ હું કઈ રીતે મેનેજ કરું! તેની પણ મને ચિંતા હતી. આ ઉપરાંત મારી પાસે કોઈ એવી મજબૂત ટીમ પણ ન હતી કે જે મારો સાથ આપી શકે.
પાંચેક દિવસમાં રાજનીતિ અંગેનો નિર્ણય લઈશ
હાલ એવું ચર્ચાઈ રહ્યું છે કે, કંચન જરીવાલા પક્ષપલટો કરશે આ અંગે તેમણે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, હું હજુ અત્યંત માનસિક તણાવમાં છું અને આ મુદ્દે કોઈપણ નિર્ણય નથી કર્યો. આગામી પાંચ દિવસમાં હું જાહેર કરીશ કે રાજનીતિમાં હું રહીશ કે નહીં, ઉમેદવારી પરત ખેંચી લીધા બાદ પણ મારે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલું રહેવું કે નહીં.એ અંગેનો નિર્ણય પણ પાંચ દિવસ બાદ જાહેર કરીશ. નોંધનીય છે કે સુરતમાં છેલ્લા 48 કલાકમાં બનેલા આ નાટકીય દ્રશ્યોના કારણે ગુજરાતના રાજકારણમાં અનેક વમળો સર્જાયા હતા અને હાલ આપના ઉમેદવારો દ્વારા એવી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે કે કંચનજરીવાલા ભાજપમાં જોડાશે ત્યારે જોવાનું રહેશે કે તેમનો પક્ષ વર્લ્ડ ભાજપ માટે કેટલો ફાયદારૂપ સાબિત થશે.
કોંગ્રેસી ઉમેદવારના ભાજપ પરના આક્ષેપો યથાવત
કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા તેના મળતીયાઓ અને ગુંડા તત્વો દ્વારા AAPના ઉમેદવાર કંચન જરીવાલાને પ્રલોભનો અને ધાક ધમકી આપી દબાણ ઊભું કરીને તેની પાસેથી આ ફોર્મ પરત ખેચાવ્યું છે. આમ આદમી પાર્ટીને ઇંટનો જવાબ પથ્થરથી આપવો હોય તો કોંગ્રેસનો હું મજબૂત ઉમેદવાર છું અને તેઓ મને ખુલીને સમર્થન કરશે તો ચોક્કસથી ભાજપને તેનો વળતો જવાબ મળી જશે.મારા મત વિસ્તારમાં મતદારો પાસે મત માંગવા માટેની પાર્ટીના હાઈ કમાન્ડ પાસે મંજૂરી માંગવાની રહેતી નથી. આ લડાઈ ભાજપની ગુંડાગર્દી અને આ સામાજિક તત્વો સામેની છે. જેને લઇ મેં આ પ્રકારે આમ આદમી પાર્ટી સાથે ખુલ્લું સમર્થન માંગ્યું છે.
ગોપાલ ઈટાલિયાનો ભાજપ પર આક્ષેપ
ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ગઈકાલ બપોરથી જ કંચન જરીવાલાને કિડનેપ કરી લીધા હતા. એ સંપર્કવિહોણા થઈ ગયા હતા. તેમની આખી રાત શોધખોળ કરી હતી પણ કોઈ સંપર્ક થયો ન હતો. અહીં ફરિયાદ કરવા આવ્યા ત્યારે ખબર પડી કે 100 જેટલા ભાજપના ગુંડાઓએ ઘેરી લીધા ને ફોર્મ પરત ખેંચાવ્યું છે. ભાજપના જ માણસો હતા આટલી હદે ગુંડાગીરી કરવાની હિંમત કોની છે? શું ગુજરાતમાં સરકારી તંત્ર નથી. સરકારી તંત્ર-પોલીસ તંત્ર હોવા છતાં ખુલ્લેઆમ કિડનેપિંગ કરવાની હિંમત તો ભાજપની જ છે. આ રીતે બધી બેઠક પર પ્રયાસ કરી રહ્યા છે. સુરત પૂર્વમાં સફળ થયા છે. અમે પણ એલર્ટ છીએ અને આગળના પ્રયાસો કરી રહ્યા છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.