દક્ષિણ ગુજરાતમાં ભગવો લહેરાયો:નવસારી જિલ્લાની એકમાત્ર વાંસદા બેઠક કોંગ્રેસના ફાળે, સુરતમાં આમ આદમી પાર્ટીનું ઝાડુ ના ચાલ્યું

સુરત3 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામોએ સૌ કોઈને ચોંકાવ્યા છે. ભાજપે ગુજરાતની 156 બેઠક પર ભવ્ય જીત મેળવી ઇતિહાસ રચ્યો છે. જોકે, અત્યાર સુધીની ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળતો હતો પરંતુ આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવતા ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં સમગ્ર રાજ્યનું રાજકીય એપી સેન્ટર સુરત રહ્યું હતું. કેમ કે, સુરતમાંથી બે પાર્ટીના પક્ષ પ્રમુખે રાજકીય ચોકઠાં ગોઠવ્યાં. જેમાં ભાજપમાંથી સી.આર.પાટીલ અને આપમાંથી ગોપાલ ઈટાલિયાએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. તો બીજી તરફ તાપી જિલ્લાની બંને બેઠકો ભાજપે કબજે કરી છે. આ બંને બેઠકો ઉપર સંપૂર્ણ રીતે આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. તેમજ વલસાડ જિલ્લાને કોંગ્રેસનું ઘર માનવામાં આવતું હતું. એક સમયે તો કોંગ્રેસ અહીં પ્રચાર ન કરે તો પણ જીતી જાય તેવી સ્થિતિ જોવા મળતી હતી. પરંતુ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ આદિવાસીઓમાં પોતાની પકડ મજબૂત કરી અને ભવ્ય જીત નોંધાવી છે. તો બીજી તરફ નવસારી જિલ્લાની કુલ ચાર વિધાનસભા બેઠકો પૈકી એક બેઠક ફરી એક વખત કોંગ્રેસના ફાળે ગઈ છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી તો આપ પાર્ટી જે રીતે જીતનો દાવો કરતી હતી પરંતુ દક્ષિણ ગુજરાતના મતદારોએ આપ પાર્ટીનો સફાયો બોલાવ્યો છે.

સુરત જિલ્લામાં પાટીદારો ભાજપ તરફી માહોલ
આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા જો કોઈની થઇ હોય તો તે આદિવાસી મતદારો અને પાટીદાર મતદારોની થઈ હતી. ભાજપ દ્વારા સુરત શહેરની અંદર જે પ્રદેશ કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સંગઠન દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે, વધુમાં વધુ આદિવાસી વિસ્તારોમાં સંપર્ક વધારવામાં આવે. ચૂંટણી પહેલાં હંગામી વિસ્તાર કોને જવાબદારી આપવામાં આવી હતી. સતત આદિવાસી વિસ્તારોમાં જવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી હતી. બીજી તરફ પાટીદારોનો રોજ ભારતીય જનતા પાર્ટી તરફ હોય તેઓ શરૂઆતનો માહોલ દેખાયો હતો.

આમ આદમી પાર્ટીનું ઝાડુ ના ચાલ્યું
આશ્ચર્યજનક રીતે સુરત શહેરની 12 બેઠક અને જિલ્લાની 4 બેઠકો પર ભાજપે ભગવો લહેરાવી દીધો છે. સુરત શહેરની બાર બેઠકો ઉપર ભાજપે ફરી વિજય મેળવ્યો છે. શરૂઆતના તબક્કામાં પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી માટે આમ આદમી પાર્ટી મોટો પડકાર બની હતી. પરંતુ આજે જે પ્રકારનું પરિણામ આવ્યું છે. તે જોતાં આમ આદમી પાર્ટીનું ઝાડુ ચાલ્યું નથી. આમ આદમી પાર્ટીએ છ બેઠકો પર ભારે મહેનત કરી હતી પરંતુ અરવિંદ કેજરીવાલનું વારંવાર સુરતની મુલાકાતે આવવું અને રોડ શો કરવો, જાહેરસભાઓ સંબોધવી પરંતુ તે તમામ ઉપર નરેન્દ્ર મોદીનું રોલર ફરી વળ્યું છે. નરેન્દ્ર મોદી માત્ર એક જ વખત રાત્રીરોકાણ માટે આવ્યા અને એક જ જાહેરસભાને સંબોધન કરીને આખું વાતાવરણ ભાજપ તરફ વાળવામાં સફળ રહ્યા હતા.

સુરતની 12 બેઠકો ઉપર આપ અને કોંગ્રેસનાં સૂપડાં સાફ
પાટીદાર અનામત સંઘર્ષ સમિતિ પણ આમ આદમી પાર્ટીમાં ભળી ગયા બાદ આમ આદમી પાર્ટી વધુ મજબૂત બની છે. સુરત શહેરની અંદર કામે લાગી હતી. એક અંદાજ મુજબ સર્વેની વાત કરીએ તો સુરત શહેરની બેથી ત્રણ બેઠકો પણ આમ આદમીના ફાળે જઈ શકે તેવી પૂર્ણ શક્યતા હતી અને વિશેષ કરીને વરાછા બેઠક, પરંતુ પરિણામ જે પ્રકાર આવ્યું તે જોતા વરાછા બેઠકો પર ભાવનગર જિલ્લાના મતદારો છે. તે કુમાર કાનાણી સાથે રહ્યા છે. અલ્પેશ કથીરિયાને વરાછા બેઠક ઉપરથી ઉમેદવાર પસંદ કર્યા બાદ ગોપાલ ઇટાલિયા પણ વહેતી ગંગામાં હાથ ધોવા માટે કતારગામ બેઠક ઉપરથી ઊભા રહ્યા હતા. આપને એવો ભરોસો હતો કે તેઓ આ છ બેઠકો પર માહોલ બનાવવામાં સફળ થશે અને મતદારોને પોતાની તરફ લાવવામાં પણ સફળ થશે. પરંતુ પરિણામ ખૂબ જ વિપરીત આવ્યું છે અને આમ આદમી પાર્ટીનાં સુરતની 12 બેઠકો ઉપર સૂપડાં સાફ થઈ ગયાં છે. પાટીદારો પણ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી તરફ રહ્યા છે અને એકપણ આમ આદમી પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવ્યો નથી.

ભાજપે આ વખત પણ મેદાન માર્યું
બીજી તરફ ભારતીય જનતા માટે સૌથી વધુ સારા સમાચાર એ છે કે, આદિવાસી વિસ્તારમાં પણ તેમનું પ્રભુત્વ વધી રહ્યું છે. સુરત જિલ્લાની માંડવી બેઠક કોંગ્રેસ પાસે હતી. આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર આનંદ ચૌધરી અને ભાજપનો ઉમેદવાર કુંવરજી હળપતિ સામસામે હતા. આદિવાસી વિસ્તારમાં પરંપરાગત રીતે કોંગ્રેસની માંડવી બેઠક હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ આ વખત મેદાન મારી લીધું છે. માંડવી વિધાનસભા બેઠક ઉપર કુંવરજી હળપતિ ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. આશ્ચર્યજનક વાત એ છે કે, આદિવાસીઓને કોંગ્રેસના કમિટેડ વોટર્સ તરીકે માનવામાં આવે છે. પરંતુ આ વખતે જાણે આદિવાસીઓએ માંડવી બેઠક ઉપર આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું છે તો મોટાભાગના મતદારોએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપતા કુંવરજીનો ભવ્ય વિજય થયો છે.

તાપી જિલ્લામાં આદિવાસી મતદારોનું પ્રભુત્વ
તાપી જિલ્લાની બંને બેઠકો અનામત છે. આ બંને બેઠકો ઉપર સંપૂર્ણ રીતે આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. આદિવાસી મતદારો કોંગ્રેસ તરફ ઝૂકેલા છે એવું રાજકીય દૃષ્ટિએ સ્પષ્ટ લાગે છે. પરિણામે 2017ની અંદર વ્યારા વિધાનસભા અને નિઝર વિધાનસભા કોંગ્રેસના ફાળે હતી. પરંતુ આ વખતે સ્થિતિ તદ્દન વિપરીત જોવા મળે છે જેને લઇને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા છે.

કમિટેડ વોટર્સ પણ ફરી ગયા
વ્યારા વિધાનસભા બેઠકો પર અને નિઝર વિધાનસભા બેઠકો પર આદિવાસી ઉમેદવારોને રાજકીય પાર્ટી દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. આ બે બેઠકો ઉપર આદિવાસીની સાથે ખ્રિસ્તીઓનો પ્રભાવ પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. મોહન કુકણી જેવા ભણેલા ગણેલા ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી દ્વારા પસંદ કરાતા આદિવાસી મતદારોએ પણ તેમને મત આપીને વિજય બનાવ્યા છે. કોંગ્રેસના સિનિયર નેતા પુનાજી ગામિત ફરી એકવાર વ્યારા વિધાનસભા બેઠકો પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા. પરંતુ આ વખતે તેમનો પરાજય થયો છે.

આદિવાસી મતદાર ભાજપ તરફ વળ્યા
નિઝર વિધાનસભા બેઠક ઉપર પણ જયરામ ગામિત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા અને કોંગ્રેસે તેમના વર્તમાન ધારાસભ્ય સુનિલ ગામિતને પસંદ કર્યા હતા. જયરામ ગામિતની લોકપ્રિયતા કરતા ભાજપના સિમ્બોલમાં આદિવાસીઓએ પોતાના વિશ્વાસ દાખવ્યો હોય તેવું સ્પષ્ટ જણાય છે. કારણ કે, વ્યારા વિધાનસભાના ઉમેદવાર મોહન કુકણી કે, નિઝર વિધાનસભાના ઉમેદવાર જયરામ ગામિત પોતે એટલા સક્ષમ નથી કે તેઓ લોકચાહનાથી વિજય મેળવી શકે. પરંતુ આદિવાસી ચહેરા હોવાને કારણે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોવાને લીધે મતદારોએ તેમને મત આપીને વિજય બનાવ્યા છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે, તાપી જિલ્લાનું જે પરિણામ આવ્યું છે તેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે હવે આદિવાસી મતદારો કે જેમને કોંગ્રેસના કમિટેડ માનવામાં આવતા હતા તે પણ હવે ભારતીય જનતા પાર્ટી તરફ વળી રહ્યા છે.

કોંગ્રેસ પ્રચાર ન કરે તો પણ જીતી જાય તેવી સ્થિતિ
રાજકીય પરિપેક્ષ્યમાં જોઈએ ત્યારે કોંગ્રેસની જે મતબેંક છે તેમાં સૌથી મોટો ફાળો આદિવાસી, દલિતો અને મુસ્લિમોનો રહ્યો છે. વલસાડ જિલ્લો કોંગ્રેસનું ઘર માનવામાં આવતો હતો. એક સમયે તો કોંગ્રેસ અહીં પ્રચાર ન કરે તો પણ જીતી જાય તેવી સ્થિતિ જોવા મળતી હતી. આદિવાસી વિસ્તારના મતદારો ખાસ કરીને ધરમપુર કપરાડા જેવાં આંતર ગામોના મતદારો માત્ર ને માત્ર કોંગ્રેસને જ મત આપતા હતા. પરંતુ ગત વિધાનસભાની ચૂંટણી અને આ વખતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ આદિવાસીઓમાં પોતાની પકડ મજબૂત કરી છે.

આદિવાસી મતદારોમાં પોતાની લોકપ્રિયતા જાળવી
વલસાડ જિલ્લાની કપરાડા અને ધરમપુર બેઠક ઉપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપે તેઓ માહોલ દેખાયો હતો. ભાજપ દ્વારા આ વખતે પણ સૌથી વધુ ધ્યાન આદિવાસી વિસ્તારોમાં આપવામાં આવ્યું હતું. આદિવાસી મતદારોને પોતાની તરફ લાવવા માટે પાંચ વર્ષ દરમિયાન અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા પણ ભાજપની આદિવાસી વિરોધી નીતિઓનો પ્રચાર પ્રસાર કરીને આદિવાસીઓને પોતાના કમિટેડ વોટર્સ તરીકે ફરીથી પરત લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બંનેમાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા વલસાડ જિલ્લાની પાસે પાંચ બેઠકો અંકે કરી હતી. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા વલસાડ જિલ્લાની તમામ પાંચ બેઠકો ઉપર ફરી એક વખત વિજય મેળવીને આદિવાસી મતદારોમાં પોતાની લોકપ્રિયતા જાળવી રાખી છે.

વર્ષોથી આદિવાસીઓ કોંગ્રેસને મત આપતા
વલસાડ જિલ્લાની કપરાડા બેઠક ઉપર શરૂઆતના તબક્કામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે સારી લડત આપી પરંતુ ત્યારબાદ ધીરે ધીરે સરસાઈ એકસરખી થતી ગઈ અને આખરે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ચૂંટાયો. પહેલાં ભારતીય જનતા પાર્ટીને માત્ર શહેરી વિસ્તારની પાર્ટી તરીકે ઓળખવામાં આવતી હતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ છે. રાજકીય પક્ષની અંદર જોઈએ તો હવે ગામડાઓમાં અને ખાસ કરીને ખેડૂતોમાં પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાનું સ્થાન મેળવી લીધું છે. અને તેનું પરિણામ છે કે વર્ષોથી આદિવાસીઓ જે કોંગ્રેસને મત આપતા હતા તે પણ હવે તેનાથી સંપૂર્ણપણે વિમુખ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે.

સમયના પ્રવાહ સાથે કોંગ્રેસની સ્થિતિ બદલાઈ
કોંગ્રેસ હંમેશાં ધરમપુર અને કપરાડા જઈ બેઠકો પર વિશેષ ધ્યાન આપતી હતી. પરંતુ સમયના પ્રવાહની સાથે સ્થિતિ બદલાતી ગઈ છે અને હવે ધીરે ધીરે જે મતદારો કોંગ્રેસના હતા તે પણ હવે ભાજપ તરફ સંપૂર્ણપણે આવતા દેખાયા છે, જે આ પરિણામ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સરકારની આદિવાસીઓ પ્રત્યેની જે નીતિ છે અને આદિવાસીઓને જે લાભ અને અધિકાર આપ્યા છે તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે ભાજપના ઉમેદવારો સતત પ્રયાસ કરતા રહ્યા અને તેમાં તેઓ સફળ પણ થયા છે.

નવસારી જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવારનો ભવ્ય વિજય
નવસારી જિલ્લાની કુલ ચાર વિધાનસભા બેઠકો પૈકી એક બેઠક ફરી એક વખત કોંગ્રેસના ફાળે ગઈ છે. નવસારી જિલ્લાની વાંસદા વિધાનસભાની બેઠક ઉપર અનંત પટેલ કોંગ્રેસના ઉમેદવાર હતા તેમનો ભવ્ય વિજય થયો છે. 30 હજાર કરતાં પણ વધુ મતોથી અનંત પટેલે વિજય મેળવ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની લોકસભામાં આવતી વિધાનસભાઓ પૈકી નવસારી જિલ્લાની ચાર વિધાનસભાઓમાં એકમાત્ર વાંસદા વિધાનસભા કોંગ્રેસના ફાળે ગઈ છે.

નવસારીમાં આદિવાસી મતદારો પણ ખૂબ મોટી સંખ્યામાં
નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ ખૂબ મજબૂત છે અને સંગઠનની દૃષ્ટિએ પણ સક્રિયતા વધુ જોવા મળે છે વિશેષ કરીને સી આર પાટીલ પોતે પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ હોવાને કારણે આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીએ સરકારી યોજનાઓનો ભરપૂર લાભ લોકોને આપવાનો પ્રયાસ કર્યો છે. આ વિસ્તારની અંદર આદિવાસી મતદારો પણ ખૂબ મોટી સંખ્યામાં છે.

વાંસદા બેઠક પર અનંત પટેલે લોકપ્રિયતા જાળવી રાખી
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર નવસારી જિલ્લાની વાંસદા બેઠક ઉપર જ કોંગ્રેસનો વિજય થયો છે. અનંત પટેલ કોંગ્રેસના યુવા ધારાસભ્ય છે અને તેઓ પોતાના મતવિસ્તારમાં ખૂબ જ સક્રિય રહે છે. પોતાના મતવિસ્તારમાં પ્રાથમિક સુવિધાને લઈને સતત તેઓ આંદોલન કરતા રહ્યા છે અને તેની સાથે સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ભારત માલા, રિવર લીંક જેવી અનેક યોજનાઓને કારણે આદિવાસીઓની જમીન સંપાદનનો જે પ્રશ્ન સામે આવતો હતો તે મુદ્દાને લઈને સતત આંદોલન કરતો રહ્યો હતો. પરિણામે આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને નવસારી જિલ્લામાં ભાજપની જે પકડ હતી તેમાં વાંસદા વિધાનસભા બેઠક ઉપર અનંત પટેલે પોતાની લોકપ્રિયતા જાળવી રાખી હતી. સમયાંતરે પ્રજાના પ્રશ્નોને ઉઠાવવા તેમજ આદિવાસી હિતની અંદર આંદોલનો કરવા આ બાબતને કારણે તેઓનો વિજય થયો છે. આદિવાસી નેતા તરીકે યુવા ચહેરામાં તેઓ સર્વ સ્વીકૃત થયા છે.

આદિવાસી યુવા ચહેરા તરીકે અનંત પટેલ ઊભરી આવ્યા
ભારતીય જનતા પાર્ટીએ નવસારી, જલાલપોર, ગણદેવી અને વાંસદા આ ચાર વિધાનસભા બેઠકોમાં ભારતીય જનતા પાર્ટી ફરીથી એક વખત ભગવો લહેરાતો જોવા મળે તેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. પરંતુ એકમાત્ર દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસે વાંસદા બેઠકો પર વિજય મેળવીને સુરત જિલ્લામાં ભાજપનો વિજય ફીકો કરી દીધો છે. અનંત પટેલ અને લોકપ્રિયતા દિવસે ને દિવસે પોતાના મતવિસ્તારમાં વધી ગઈ. ખાસ કરીને જ્યારે તેમણે નવરાત્રી દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ ષડ્યંત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું છે. જેને લઈને આદિવાસી મતવિસ્તારમાં અનંત પટેલને લઈને લોકોની સહાનુભૂતિ પણ જોડાઈ હતી. જેને મતમાં અંકે કરવામાં અનંત પટેલ સફળ થયા છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના આદિવાસી યુવા ચહેરા તરીકે અનંત પટેલ ઊભરી આવ્યા છે.

ભરૂચ જિલ્લામાં આઝાદી બાદ પહેલીવાર કમળોત્સવ
ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ આઝાદી બાદ પ્રથમ વખત પાંચેય વિધાનસભા બેઠકો જીતી ઇતિહાસ સર્જ્યો છે. નવો કીર્તિમાન સ્થાપિત કરવા સાથે પાંચેય વિજેતા ઉમેદવાર અને ભાજપ વિજય સરઘસ કાઢી આ આઝાદીના અમૃત મહોત્સવ રૂપી અભૂતપૂર્વ વિજયની ઉજવણીમાં જોતરાઈ ગયું છે. શરૂઆતી રાઉન્ડની મતગણતરીમાં ભાજપના પાંચેય બેઠકના ઉમેદવારો પહેલેથી જ આગળ રહ્યા હતા.

છોટુ વસાવાને હરાવી ઇતિહાસ સર્જવાની ભાજપની નેમ
આ ચૂંટણીમાં વાગરા જંબુસર અને ઝઘડિયા બેઠક સાથે અંકલેશ્વર બેઠકે વધુ ઉત્સુકતા જગાવી હતી. વાગરામાં પ્રતિષ્ઠા અને વર્ચસ્વનો જંગ હતો. તો અંકલેશ્વરમાં ભાઈ સામે ભાઈ, જંબુસરમાં સંત સામે પૂર્વ ધારાસભ્ય અને ઝઘડિયા બેઠક ઉપર અત્યાર સુધી અજય રહેલા છોટુ વસાવાને હરાવી ઇતિહાસ સર્જવાની ભાજપની નેમ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, જે.પી. નડ્ડા સહિતે જિલ્લાઓમાં ચૂંટણીસભા સંબોધી હતી. મોદી મેજિક સાથે ભરૂચ જિલ્લા સંગઠન અને પાંચેય ઉમેદવારોએ પહેલાંથી જ પોતાની જીતનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પાંચેય બેઠકો ઉપર કમળ ખીલતા જીતનો જશ્ન
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ પણ ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો જીતી આ વખતે ઇતિહાસ સર્જવાની નેમ નરેન્દ્ર મોદીની સભામાં જાહેર મંચ પરથી જ વ્યક્ત કરી હતી. આજે પરિણામો બાદ ભરૂચ જિલ્લામાં પાંચેય વિધાનસભામાં ભાજપની ભવ્ય અને ન ભૂતો ન ભવિષ્ય એવી ઐતિહાસિક જીત થતાં જ કમળોત્સવ શરૂ થઈ ગયો છે. હોદેદારો, આગેવાનો, કાર્યકરો, સમર્થકો અને મતદારોમાં પણ પાંચેય બેઠકો ઉપર કમળ ખીલતા જીતનો જશ્ન જોવા મળી રહ્યો છે.

તમામ પડકારોનો સામનો કરી જીતની શાનદાર હેટ્રિક
ભરૂચ બેઠક ઉપર રમેશ મિસ્ત્રી સૌથી વધુ 64094 મતો સાથે ભવ્ય વિજયી બન્યા છે. અંકલેશ્વર બેઠક ઉપર પાંચમી ટર્મમાં પણ ઇશ્વરસિંહ પટેલ 40328 મતોથી પોતાના ગઢને અડીખમ અને અભેદ્ય રાખ્યો છે. જંબુસર બેઠક ઉપર ડી.કે.સ્વામીએ 26979 મતોથી જીતી ભગવો લહેરાવવા સાથે સંત સમુદાયને પણ આંનદિત કરી દીધા છે. વર્ચસ્વ અને પ્રતિષ્ઠાના ખરાખરીના જંગ સમી બનેલી વાગરા બેઠક ઉપર આ વખતે ભાજપના ઉમેદવાર અરુણસિંહ રાણા સામે અનેક કપરાં ચઢાણ ઊભાં કરાયાં હતાં. જોકે તેઓએ તમામ પડકારોનો સામનો કરી જીતની શાનદાર હેટ્રિક લગાવી દીધી છે. અરુણસિંહ રાણા ત્રીજી ટર્મ માટે આ વખતે 13410 મતે વિજયી બન્યા છે.

7 ટર્મના અજય રેકોર્ડને પરાજયમાં પરિવર્તિત કર્યો
આદિવાસી બેઠક અંકિત કરવી વર્ષોથી ભાજપ માટે એક સ્વપ્ન સમાન હતું. જે આજે આઝાદી બાદ પહેલી વખત અભૂતપૂર્વ વિજય સાથે સાર્થક થયું છે. ઝઘડિયા બેઠક રીતેશ વસાવાએ 23367 મતોથી જીતી છોટુભાઈ વસાવાના 7 ટર્મના અજય રેકોર્ડને પરાજયમાં પરિવર્તિત કરી દીધો છે. કોંગ્રેસે તેની એકમાત્ર જંબુસર બેઠક અને 7 ટર્મથી અજય આદિવાસી ઝઘડિયા બેઠક છોટુ વસાવાએ ગુમાવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...