• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Aam Aadmi Party's Readiness To Rule Gujarat After Delhi, Punjab, Kejriwal's Meeting To Be Held In April, Micro management Strategy Up To Booth Level

AAPની બ્લૂ પ્રિન્ટ:દિલ્હી, પંજાબ બાદ આપની ગુજરાત સર કરવાની તૈયારી, એપ્રિલમાં કેજરીવાલ સભા ગજવશે, બૂથ લેવલ સુધીના માઈક્રો મેનેજમેન્ટની રણનીતિ

સુરત5 મહિનો પહેલાલેખક: દેવેન ચિત્તે
  • અમદાવાદમાં રોડ શો કરવાની સાથે સાથે આદિવાસી સંમેલનો પણ આપ દ્વારા કરાશે

દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ ગુજરાત વિધાસનભાની ચૂંટણી માટે દરેક પક્ષો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીને મળેલી સફળતા બાદ કાર્યકર્તાઓમાં અને નેતાઓમાં પ્રાણ ફૂંકાયો છે. ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીને પડકાર ફેંકવા માટે આમ આદમી પાર્ટીએ તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપને તમામ મોરચે લડત આપવા માટે આમ આદમી પાર્ટી પોતાની સેના તૈયાર કરી રહી છે. સોશિયલ મીડિયાથી લઇને બૂથ લેવલ સુધી હજારો કાર્યકર્તાઓને ઉભા કરવાની ગણતરી શરૂ કરી છે. સંગઠનને મજબૂત કરીને સામાન્ય પ્રજા સુધી તેમને સ્પર્શતા મુદ્દાઓ થકી મતદારોને રિઝવવાનો પ્રયાસ કરશે.એપ્રિલમાં આપ સુપ્રિમો કેજરીવાલ અમદાવાદમાં સભા ગજવે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે.

ચૂંટણીનું રણશિંગું ફૂંકશે
અરવિંદ કેજરીવાલની પંજાબમાં જીત મેળવ્યા બાદ નજર મોદીના ગઢમાં એટલે કે, ગુજરાતની વિધાનસભાની ચૂંટણી ઉપર છે. એપ્રિલ મહિનાના પહેલા વીકમાં કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતમાં અમદાવાદ ખાતે આવે તેવી શક્યતાઓ છે. દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી એક સાથે રોડ શોમાં ભાગ લે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની વિધાનસભાનું રણશિંગું ફૂંકવા માટે અમદાવાદથી કેજરીવાલ રોડથી શરૂઆત કરશે. સમગ્ર રાજ્યમાં કેજરીવાલ પંજાબમાં મળેલી જીતનું પુનરાવર્તન કરવા માટે ગુજરાત માટેની રણનીતિ નક્કી કરી લીધી છે. જે મુદ્દાઓ પંજાબમાં આપે ઉઠાવ્યા હતાં. તે જ મુદ્દાઓ ગુજરાતમાં પણ ઉઠાવશે.

આદિવાસી અધિકાર સંમેલન યોજાશે
આમ આદમી પાર્ટી દ્વારા યુવાનોને મહિલાઓને અને આદિવાસી સમાજને ધ્યાનમાં રાખીને અલગ-અલગ કાર્યક્રમનું આયોજન કરશે. જેમાં યુવાનો સાથે રાજ્યભરમાં યુવા અધિકાર આંદોલન શરૂ કરશે. મહિલા સંવાદ કાર્યક્રમ થકી મહિલાઓ પર થતા અત્યાચારો અને મોંઘવારીના મુદ્દે સંવાદ સાધવામાં આવશે. તેમજ રાજ્યભરમાં શિક્ષણ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકારી સ્તરે બાળકોને સારું શિક્ષણ કેવી રીતે મળી રહે તે બાબતે સન વાત કરવામાં આવશે. આદિવાસીઓના મૂળભૂત અધિકારને લઈને કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ડો. અર્જુન રાઠવાના અધ્યક્ષ સ્થાને આદિવાસી અધિકાર આંદોલન શરૂ કરવામાં આવશે.

માઈક્રો મેનેજમેન્ટથી આગળ વધશે
આમ આદમી પાર્ટી માઈક્રો મેનેજમેન્ટ સાથે આગળ વધી રહી છે. રાજ્યના 52,000 જેટલા બૂથો ઉપર અત્યાર સુધીમાં 32,000 બૂથ ઇન્ચાર્જની નિમણૂંક કરી દેવામાં આવી છે. આગામી બે મહિનામાં અન્ય 20,000 બૂથ ઈન્ચાર્જની પણ નિમણૂંક કરી દેવામાં આવશે. અમદાવાદ ખાતે 20 માર્ચે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના તમામ વિધાનસભાના પ્રભારીઓને બોલાવવામાં આવશે. વિધાનસભામાં સંગઠનાત્મક, જનસંપર્ક કેન્દ્ર ખોલવા બાબતે, જન સુવિધા કેન્દ્ર માટે કામગીરી થશે. જે તે વિધાનસભાના પ્રબુદ્ધ લોકોને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. દરેક વિધાનસભામાં પેજ કમિટી સુધી કામગીરી કરવામાં આવશે.

બૂથ ઈન્ચાર્જને જવાબદારી
બૂથ ચલો યાત્રા એપ્રિલ મહિનામાં શરૂ કરવામાં આવશે. દરેક બૂથના ઈન્ચાર્જને જવાબદારી સોંપી છે. તે પ્રમાણે કામગીરી કરવામાં આવશે. જેમાં શેરીએ-શેરીએ નુક્કડ નાટકો પણ કરવામાં આવશે. બૂથ ઇન્ચાર્જની તમામ જવાબદારી હશે કે, તેના બૂથ ઉપર પેજ સમિતિ કઈ રીતે કામગીરી કરી રહી છે. ત્યાંના મતદારો સાથે સંપર્ક વધુમાં વધુ રહે અને આમ આદમી પાર્ટી તરફેણમાં લોકોની માનસિકતા ઊભી થાય તે પ્રકારના કામોની શરૂઆત કરાશે..

IT સેલ સક્રિય કરાશે
કામની રાજનીતિ થકી દરેક વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ આગળ વધવાનું નક્કી કર્યું છે. આપ દ્વારા એક તૈયાર કરવામાં આવશે. એક વિધાનસભાની અંદર ત્રણ લાખ જેટલા પણ મતદારો હોય તો તમામ વિગતો એને ઉપર ઉપલબ્ધ હોય તેની તૈયારી કરવામાં આવશે. એક વિધાનસભામાં ઓછામાં ઓછા 12,000 હજાર જેટલા કાર્યકર્તાઓને તૈયાર કરવા માટેની સંગઠનાત્મક તૈયારી શરૂ થઈ ગઈ છે. ભાજપની સામે ટક્કર ઝીલવા માટે આઈટી સેલને પણ વધુ સક્રિય કરવા માટે રણનીતિ ઘડવામાં આવી છે. સોશિયલ મીડિયાની એક ટીમ દરેક વિધાનસભા ઉપર પોતાની રીતે કામ કરશે. તેમજ પ્રદેશ લેવલ ઉપર પણ સોશિયલ મીડિયાની ટીમ અલગ મોરચો સંભાળશે.

ભ્રષ્ટાચાર સહિતના મુદ્દા ઉઠાવાશે
પ્રજાનો ભારતીય જનતા પાર્ટી સામેનો રોષ અને કોંગ્રેસના નબળા સંગઠનનો લાભ આમ આદમી પાર્ટી ઉઠાવવાનો પ્રયાસ કરશે. ભ્રષ્ટાચાર રોજગારી મોંઘવારી સહિતના ગરીબ અને મધ્યમ વર્ગને પડશે તેવા મુદ્દાઓ અને સચોટ રીતે રજૂ કરવા માટે કામ શરૂ થયું છે. પંજાબમાં જે રીતે મહિલાઓ સૌથી વધુ મતદારોએ આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ દાખવ્યો છે. તે રીતે ગુજરાતના પણ મહિલાઓ આપ તરફ મતદાન કરે તેના માટે અલગ અલગ યોજના બનાવવામાં આવી છે. પંજાબમાં જે મુદ્દાઓ મહિલાઓ સમક્ષ રજૂ કરાયા હતા એવા જ મુદ્દાઓ ગુજરાતની મહિલાઓ સામે પણ રજૂ કરાશે જેમાં મહિલાઓને સુરક્ષા અને આર્થિક રીતે પગભર થવા માટે અલગ-અલગ જાહેરાત કરશે. દિલ્હી માફક પંજાબમાં પણ જે કામો થશે તે કામોને ગુજરાતમાં પ્રચાર માટે ઉપયોગ કરશે.

વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા સામે કામની રાજનીતિ સાથે આપ ચૂંટણી જંગમાં ઉતરશે.
વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા સામે કામની રાજનીતિ સાથે આપ ચૂંટણી જંગમાં ઉતરશે.

મોદીની લોકપ્રિયતા મોટો પડકાર
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાએ આમ આદમી પાર્ટી સામે સૌથી મોટો પડકાર છે. ગુજરાતની પ્રજા આનંદીબેન પટેલ વિજય રૂપાણી કે ભુપેન્દ્ર પટેલ ના ચહેરા ઉપર મત આપતી નથી એ ભારતીય જનતા પાર્ટી પણ જાણે છે. અમિત શાહની પણ એટલી લોકપ્રિયતા નથી કે એમના નામ અને ચહેરા ઉપર ગુજરાતની પ્રજા ભાજપને મત આપે. માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર જ સમગ્ર દેશમાં ભાજપનો વિજય થઈ રહ્યો છે. ગુજરાતમાં કેજરીવાલની લડાઈ સીધી નરેન્દ્ર મોદી સાથે થશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો રાજકીય અનુભવ ખૂબ ઓછો છે જેથી તેમણે નક્કી કરેલું પરિણામ ગુજરાત માં લાવુ ખૂબ જ મુશ્કેલ છે છતાં પણ આમ આદમી પાર્ટીને આશા છે કે ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શી વહિવટને જન સમર્થન મળશે અને પંજાબ ની માફક જ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના ઝાડુ ફરી વળશે.

અન્ય સમાચારો પણ છે...