સુરત પૂર્વ વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે, જેને લઈને સુરત શહેરનું રાજકારણ ગરમાયું છે. આ ઘટનાક્રમ પછી આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે.
જીવનું જોખમ હોવાની અરજી
આમ આદમી પાર્ટીના ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધા બાદ હવે નવી રાજનીતિ શરૂ થઈ છે. કંચન જરીવાલાએ પોલીસ કમિશનરને જે લેખિત અરજી કરવી છે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલાના માણસો મને મારી નાખે તેવો ડર છે, જેથી મને સુરક્ષા આપવામાં આવે. લેખિતમાં તેમને પોલીસ કમિશનરને સુરક્ષા માંગવા માટેની અરજી કરી છે. આશ્ચયજનક રીતે કંચન જરીવાલાએ અસલમ સાયકલવાલાના માણસો ઉપર પરોક્ષ રીતે આક્ષેપ કરી દીધો છે.
હું ઉમેદવાર છું કે ગેંગસ્ટર થોડો છું : સાયકલવાલા
કંચન જરીવાલા એ જે અરજી કરી છે એમાં તેમણે પોતાનો ભલે ડર બતાવ્યો હોય પરંતુ પોલીસે તેમને યોગ્ય લાગે તે રીતે સુરક્ષા આપવી જોઈએ અને કયા કારણસર લાગે છે તે પણ પોલીસે તેમને પૂછવું જોઈએ. હું કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર છું, હું કઈ ગેંગસ્ટર નથી કે, મારા માણસો મોકલીને તેમને મારવાનું કામ કરું. ખરેખર તો પોલીસે ગઈકાલે ફોર્મ પરત ખેંચવા માટે કોણે દબાણ કર્યું હતું તે સમયે ત્યાં કોણ હાજર હતું. આજે જેવો ઉમેદવારી પત્ર પરત ખેંચવા આવ્યા ત્યારે કોણ કોણ ત્યાં હાજર હતું તેની નિષ્પક્ષ થઈને તપાસ કરવી જોઈએ. આ તો માત્ર ભાજપના નેતા અને સ્થાનિક ઉમેદવારના ઇશારે ખોટો સાવ ઉભો કરવામાં આવી રહ્યો છે. પૂર્વ બેઠકો પર તેમને ડર છે કે તેઓ હારી શકે છે તેના માટે આ બધા ખોટી વાતો ઉભા કરી રહ્યા છે.
સુરત પૂર્વ બેઠકના ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચતા આક્ષેપ-પ્રત્યારોપ
સુરત પૂર્વ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવારે પોતાનો ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા એક તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, આ ભાજપના મોટા નેતાનું ષડયંત્ર છે અને તેમણે દબાણ વશ કરીને અમારા ઉમેદવારને ફરજ પાડી છે કે, પોતાનો ઉમેદવારી પત્ર પરત ખેંચી લે. ઉમેદવાર કોંગ્રેસ ઉપર આક્ષેપ કરી રહ્યો છે કે, તેના ઉમેદવારને કારણે પોતાના જીવનું જોખમ ઊભું થયું છે.
આખી પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે, આમ આદમી પાર્ટી ભાજપ ઉપર આક્ષેપ કરી રહી છે અને આપનો ઉમેદવાર કોંગ્રેસ પર આક્ષેપ કરે છે. કોંગ્રેસના ઉમેદવારનું કહેવું છે કે, આ બધી બાબતો સાથે અમારે કોઈ લેવાદેવા નથી. આ તો આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેનો કલહ છે. અમારે આપનો કયો ઉમેદવાર ઉમેદવારી પત્ર ભરે છે અને કોણ પરત ખેંચે છે એની સાથે કોઈ નિસબત નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.