કાર્યવાહી:કર્ફ્યુ ભંગ બદલ પકડાયેલો યુવક ચાલુ વાનમાંથી કૂદી પડતાં ઘાયલ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેસુ વીઆઈપી રોડ પર બેઠેલા યુવકો સામે પોલીસની કાર્યવાહી

કફયુ હોવા છતાં વેસુ વીઆઈપી રોડ પર એન્જીન કાફે પાસે કેટલાક યુવકો ગુરુવારે મોડીરાતે બેઠેલા હતા. આથી ઉમરા પોલીસે દોડી આવતા યુવકો ભાગવા લાગ્યા હતા. જે પૈકી એક યુવક પોલીસના હાથમાં આવી ગયો હતો. યુવકે મોઢા પર માસ્ક પહેર્યુ ન હોવાથી પોલીસે 1 હજારના દંડની વાત કરી હતી. જેથી યુવકે દંડ ભરવાની ના પાડી પોલીસ સાથે જીભાજોડી કરવા લાગ્યો હતો. જેના કારણે ઉમરા પોલીસે સમીરને વાનમાં બેસાડી પોલીસ સ્ટેશને લઈ જતા હતા.

દરમિયાન રસ્તામાં વીઆઇપી રોડ ગેલ કોલોની પાસે સમીર ચાલુ વાને કૂદકો મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી. જેને સારવાર માટે પહેલા વેસુ આરોગ્ય કેન્દ્ર લઈ ગયા હતા. જયા ડોકટર ન હોવાને કારણે ડુમસ રોડની રાધીકા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયા પ્રાથમિક સારવાર કરાવી પુરતી સુવિધા ન હોવાને કારણે 108 એમ્બુલન્સમાં નવી સિવિલમાં લઈ જવાયો હતો.

જ્યાં સમીરના સગાઓ અને મિત્રો સિવિલને બદલે એપલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. હાલ તે બેભાન હાલતમાં છે. આ બનાવ અંગે ઉમરા પોલીસે સમીર કામીલ અંસારી (રહે,ગુલશન પાર્ક સોસા, ચોકબજાર) સામે સરકારી કામમાં રૂકાવટ અને જાહેરનામાં સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...