સરથાણા વિસ્તારમાંથી ચાર દિવસ પહેલા પ્રેમી સાથે ભાગી ગયેલી 19 વર્ષીય યુવતી તેના 18 વર્ષિય પ્રેમી સાથે ગોવાથી મળી આવી છે. યુવતી ઘરેથી ભાગી ત્યારે રોકડા 8 લાખ રૂપિયા અને 25 તોલા સોનાના ઘરેણાં લઈ ગઈ હતી. પોલીસે યુવતીને શોધવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું.સુરત-કામરેજ રોડ પર સરથાણા પોલીસ સ્ટેશનની હદમાં રહેતા ધનાઢ્ય પરિવારની 19 વર્ષીય દીકરી રીટા( નામ બદલ્યું છે) રવિવારે ઘરેથી ભાગી ગઈ હતી. તે ઘરમાંથી રોકડા 8 લાખ રૂપિયા લઈ ગઈ હતી. તે પહેલા ઘરમાંથી 25 તોલા સોનાના ઘરેણાં પણ સાથે લઈ ગઈ હતી.
પિતાએ સરથાણા પોલીસ સ્ટેશનમાં દીકરી રીટા ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેને શોધવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. રીટા સાથે તેનો ફોન પણ લઈ ગઈ હતી. તેથી પોલીસને તપાસમાં સરળતાં પડી હતી. પોલીસ તપાસમાં રીટા તેના ઉત્તર પ્રદેશના પ્રેમી સાથે ભાગી હોવાનું સ્પષ્ટ થયું હતું. પ્રેમીના માતા-પિતા પહેલા લસકાણા વિસ્તારમાં રહેતા હતા. પરંતું તે રીટા સાથે ભાગવાનો હોવાથી સૌ પ્રથમ તેના માતા-પિતાને કીમમાં કોઈ નગરમાં રહેવાની વ્યવસ્થા કરીને ગયો હતો.
પોલીસે તેના માતા-પિતાને શોધી કાઢ્યા હતા બાદમાં તેઓની કડકાઈથી પુછપરછ કરતા ખબર પડી કે, રીટા અને તેનો પ્રેમી ગોવા ગયા છે. તેથી સુરત પોલીસે ગોવા પોલીસને જાણ કરીને રીટાનો ફોટો મોકલ્યો હતો. ત્યાર બાદ એક ટીમ ગોવા મોકલી હતી. ત્યાંથી પોલીસને રીટા અને તેનો પ્રેમી મળી આવ્યો હતો. રીટા અને તેના પ્રેમીએ 25 તોલા સોનું ગાળીને એક સોનીને વેચી નાખ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.