સચિનમાં રહેતા એક યુવકે પરિવારને વીડિયો કોલ કરી પોતે આપઘાત કરી રહ્યો હોવાનું જણાવ્યા બાદ ફોન કટ કરી ફાંસો ખાઈ લીધો હતો. પરિવારે તાત્કાલિક નજીકમાં રહેતા ભાઈને ફોન કરી જાણ કરતા તે ત્યાં દોડી ગયો હતો અને યુવકને નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. યુવકે આ પગલું કેમ ભર્યું તે જાણી શકાયું નથી. પરંતુ યુવકે પ્રેમસંબંધમાં આપઘાતનું પગલું ભર્યું હોવાની પરિવારે આશંકા વ્યક્ત કરી છે.
મૂળ બિહારનો વતની અને સચિનના અંબિકા નગર ખાતે રહેતો 22 વર્ષીય રાજા સંજયભાઈ કોળી કારના વર્કશોપમાં કામ કરતો હતો અને ભાઈ પ્રિન્સ સાથે રહેતો હતો. રાજાએ રવિવારે સાંજે વતનમાં રહેતી માતાને વીડિયો કોલ કર્યો હતો અને ‘હું હવે નહી રહું, હું ફાંસો ખાઈ આપઘાત કરૂ છુ’ તેવું કહી ફોન કટ કરી નાખ્યો હતો. જેથી માતાએ રાજાની સાથે રહેતા તેના ભાઈ પ્રિન્સને ફોન કરી જાણ કરી હતી. રિક્ષા ચલાવતો પ્રિન્સ ઉધના દરવાજા પાસે હોય ત્યાંથી તાત્કાલિક રૂમ પર દોડી ગયો હતો અને દરવાજો તોડી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલા રાજાને નીચે ઉતારી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા સચિન પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. રાજાના પરિવારે જણાવ્યું હતું કે, અગાઉ રાજા મુંબઈની એક યુવતી સાથે હોટેલમાં રહ્યો હતો. જોકે, જે તે સમયે યુવતીના પિતા પોલીસને લઈ આવ્યા હતા અને યુવતીને સાથે લઈ ગયા હતા. જેથી યુવતીના પ્રેમસંબંધમાં રાજાએ આપઘાતનું પગલું ભર્યું હોવાની પરિવારે આશંકા વ્યક્ત કરી છે. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.