આત્મહત્યા:રિસાઈને પિયર ગયેલી પત્ની આવ્યા બાદ ઝઘડો થતાં પાંડેસરાના યુવકે ફાંસો ખાધો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અવારનવાર ઝઘડા થતાં પત્ની ત્રણ મહિનાથી પિયર રહેતી હતી

પાંડેસરામાં એક યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 3 મહિનાથી રીસામણે ગયેલી પત્ની પરત આવ્યા બાદ તેની સાથે ઝઘડો થતા યુવકે આવેશમાં પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. પાંડેસરા મુક્તિ નગર ખાતે રહેતા અને મૂળ એમપીના વતની પંકજભાઈ વસંતલાલ ખન્ના(40)પાંડેસરા પિયુષ પોઈન્ટ નજીક બ્રિજ નીચે ચા નાસ્તાની લારી ચલાવતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

3 મહિના પહેલા તેમની પત્ની પિયર રિસામણે જતી રહી હતી. શનિવારે તેમની પત્ની ઘરે પરત આવી હતી. જોકે પત્નીને ઘરે પરત આવી તે જ દિવસે પતિ પત્ની વચ્ચે ફરી ઝઘડો થતા પંકજભાઈ આવેશમાં આવી ગયા હતા અને ફાંસો ખાઈ લીધો હતો. પરિવારને જાણ થઈ જતા તાત્કાલિક તેમને નીચે ઉતારીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

થાઈરોડથી કંટાળી વરાછાની વૃદ્ધાનો આપઘાત
વરાછામાં એક વૃદ્ધાએ ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધું હતું. વરાછામાં સવિતાબેન પરમાર(66) પતિના અવસાન બાદ 3 પુત્ર સાથે રહેતા હતા. તેમને માનસિક બીમારી અને થાઈરોઈડથી પીડાતા હતા. દરમિયાન શનિવારે ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિવારે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. સવિતાબેને બીમારીથી કંટાળીને આપઘાતનું પગલું ભર્યું હોવાનું વરાછા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...