રોગચાળો:અમરોલીના યુવકનું ડેન્ગ્યુ અને અલથાણના યુવકનું તાવથી મોત

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમરોલીના 33 વર્ષીય યુવકને 4 દિવસથી તાવ હતો
  • અલથાણનો યુવક ક્લિનિકમાં ગયો અને ત્યાં જ મૃત્યુ પામ્યો

શહેરમાં મચ્છરજન્ય રોગચાળામાં સપડાયેલા વધુ બે વ્યક્તિના મોત નિપજ્યા છે. ડેન્ગ્યુની બીમારીમાં સપડાયેલા અમરોલીના યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તેવી જ રીતે બે દિવસથી તાવની બિમારીમાં સપડાયેલા અલથાણના કારખાનેદાર યુવકનું મોત નિપજ્યું છે.

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબુ થઇ ગયો છે. ખાસ કરીને ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી તરફ મચ્છરજન્ય રોગચાળામાં કેટલાક લોકો જીવ પણ ગુમાવી રહ્યા છે. અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા બાલિયા લખામન સ્વાઈ(33) સતત ચાર દિવસથી તાવ આવતો હતો. નજીકના ક્લિનિકમાં સારવાર બાદ તેમને ડેન્ગ્યુ હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાંથી તબિયત વધુ લથડતા તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

જોકે સિવિલ હોસ્પિટલના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા અમરેલી પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને તેમના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ ની તજવીજ હાથ ધરી હતી. અલથાણ ભીમરાડ રોડ પર તિરુપતિ શ્યામ વિલામાં રહેતા સુધીરભાઈ કનુલાલ પટેલ (38) કાપડનું કારખાનું ચલાવતા હતા. છેલ્લા બે દિવસથી તેમને તાવ આવતો હતો. બુધવારે રાત્રે તેઓ પાંડેસરા ખાતે તેમના મિત્રના ક્લિનિક પર ગયા હતા. જ્યાં અચાનક તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા અને તેમનું મોત નિપજ્યું હતું. પાંડેસરા પોલીસે તેમના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...