ઉધનાથી લિંબાયત જતા બ્રિજ પાસે મોબાઈલ ફોન આંચકીને ભાગી રહેલા મોબાઈલ સ્નેચરોનો બાઈક પર પીછો કરતી વખતે બાઈક સ્લીપ થઈ જતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. લિંબાયત પદમાવતી સોસાયટી ખાતે રહેતો મોહમ્મદ તકસીર મોહમદ વસીમ સિદ્દીકી(22)એ બીકોમ સુધીનો અભ્યાસ કર્યો હતો અને આગળ એમબીએનો અભ્યાસ કરવાની તૈયારી હતી. તેના પિતાની ઉધના ખાતે ફેબ્રિકેશનની દુકાન છે.
રવિવારે તે પિતાની દુકાને ગયો હતો અને ઈસાની નમાજ અદા કર્યા બાદ ઘરે આવવા માટે નીકળ્યો હતો. ઘરે જતી વખતે ઉધનાથી લિંબાયત જતા બ્રિજ પાસે તે મોબાઈલ ફોન પર કોઈકની સાથે વાત કરતો હતો. દરમિયાન બાઈક પર આવેલા અજાણ્યા તેનો મોબાઈલ ફોન આંચકી નાસી છુટતા તેમને પકડવા માટે બાઈક પર મોબાઈલ સ્નેચરોનો પીછો કર્યો હતો.
જોકે મોબાઈલ સ્નેચરોને પકડવા જતા તેની બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને ગંભીર રીતે ઘવાયેલા મોહમંદ તકસીરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા ઉધના પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.