સુરતના કતારગામ વિસ્તારમાં માત્ર એક રૂપિયાની બીડી માટે બે સગીરોએ યુવાનની ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી હતી. યુવાનની લાશ મળતાની સાથે સ્થાનિક લોકોએ જાણકારી આપતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી બે સગીરોની અટકાયત કરી છે.
ફૂટપાથ પર લાશ મળી આવી હતી
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી લલિતા ચોકડી નજીક ફૂટપાથ પર એક યુવકને લાશ મળી આવ્યાની જાણકારી સ્થાનિક લોકોએ પોલીસને આપી હતી. ઘટનાની જાણકારી મળતા જ કતારગામ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ યુવકે મરનાર યુવક કોણ છે તેની ઓળખ કરી તેનું મોત કંઈ રીતે થયું છે તે દિશામાં તપાસ શરૂ કરી હતી.
બીડીને લઈને ઝઘડો થયો હતો
પોલીસને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે મરનાર યુવાન ફૂટપાથ પર બેઠેલો હતો ત્યારે ત્યાં જ રહેતા બે સગીર વયના કિશોરો આવ્યા હતા અને મરનાર યુવક પાસે એક રૂપિયો આપી બીડીની માગણી કરી હતી. જેને લઇને આ યુવકે બીડી આપવાની ના પાડતાં સગીરો અને યુવક સાથે ઝઘડો થયો હતો અને જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ લઈ લેતા સગીરોએ ચપ્પુ યુવકની છાતીના ભાગે મારી ઘાતકી હત્યા કરી હતી.
હત્યા કરનાર બંને સગીરોની અટકાયત
પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી અને બંને સગીરોની અટકાયત કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. જે પ્રકારે સામાન્ય એક રૂપિયાની બાબતે થયેલી તકરારમાં હત્યાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કતારગામ પોલીસે આ મામલે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.