સુરતમાં ફરી એક વખત 108 એમ્બ્યુલન્સ ગર્ભવતી મહિલા માટે દેવદૂત સમાન સાબિત થઈ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત મધરાત્રીએ ગર્ભવતી મહિલાને 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવતા અધરસ્તે જ મહિલાની ડિલીવરી કરાવી દેવી પડી હતી. રાત્રીના 2 વાગ્યે 108ની ટીમે એમ્બ્યુલન્સમાં જ મહિલાની સફળ ડિલીવરી કરાવી હતી. 108ના ઇએમટી કર્મચારી દ્વારા મહિલાની સફળ ડિલીવરી કરાવી હતી. જેમાં મહિલાએ અઢી કિલોની સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે મહિલા અને બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી.
108ની વધુ એક સરાહનીય કામગીરી
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ શર્માની 33 વર્ષીય પત્ની સુખવંતી દેવીને ગત મોડી રાત્રે પ્રસુતિની પીડા ઉપડી હતી. જેથી મહિલાને મોડી રાત્રે દોઢ વાગ્યે પાંડેસરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ મહિલાની ડિલીવરી કરવી પડશે તેમ જણાતા મહિલાને ડિલીવરી માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તૈયારી કરી હતી. જેથી અર્બન હેલ્થ સેન્ટર દ્વારા 108ને કોલ કરી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. 108ની ટીમને રાત્રીના 2 વાગ્યે જાણ કરવામાં આવી હતી. 108ની ટીમને જાણ થતા જ ઈએમટી ચંદ્રેશ ચૌહાણ અને પાયલોટ જેન્તીભાઈ બારૈયા ત્યાં પહોંચ્યા હતા અને મહિલાને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી રહી હતી. આ દરમિયાન મહિલાને પ્રસુતિની પીડા ખુબ જ ઉપડી જતા એમ્બ્યુલન્સમાં જ ડિલીવરી કરવાની ફરજ પડી હતી.
108 બની ડિલીવરી હોસ્પિટલ
મહિલાને સિવિલ હોસ્પિટલ સુધી લઈ જતા પહેલા જ અતિશય પ્રસુત પીડા થતા મહિલાને સિવિલ હોસ્પિટલ સુધી પણ પહોંચાડી શકાય તેમ લાગતું ન હતું. જેને લઇ 108 એમ્બ્યુલન્સના ઈએમટી ચંદ્રેશ ચૌહાણએ એમ્બ્યુલન્સને અધરસ્તે જ રોકાવી દીધી હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સના ઇએમટી ચંદ્રેશ ચૌહાણ દ્વારા મહિલાની સ્થિતિ વિશે 108 કંટ્રોલમાં જાણ કરવામાં આવી અને ત્યાં બેસેલા મુખ્ય તબીબનું માર્ગદર્શન લઈ મહિલાની ડિલીવરી એમ્બ્યુલન્સમાં જ કરવાનો જ નિર્ણય કર્યો હતો. ત્યારે 108ના ઇએમટીની સુઝબુઝથી એમ્બ્યુલન્સમાં રહેલી ડિલીવરી કીટથી એમ્બ્યુલન્સની અંદર જ સફળ ડિલીવરી કરાવી હતી.
મહિલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો
108ના ઇએમટી કર્મચારી દ્વારા ગર્ભવતી મહિલા માટે અને તેની નવજાત બાળકી માટે દેવદૂત સાબિત થયા હતા. 108ના કર્મચારીના પ્રયાસથી મહિલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. મહિલાએ 108માં ડિલીવરી દરમિયાન અઢી કિલોની સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. ડિલીવરી બાદ બાળકી અને મહિલાની તબિયત પણ સ્વસ્થ રહી હતી. ડિલીવરી બાદ 108ની ટીમ દ્વારા મહિલા અને બાળકીને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં બંનેની તબિયત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં મહિલાની આ ત્રીજી ડિલીવરી હતી. 108ની ટીમે સફળ ડિલીવરી કરતા પરિવારે 108ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરતમાં 108 ગર્ભવતી મહિલા માટે અનેકવાર દેવદૂત સાબિત થઈ
સુરતમાં 108 એમ્બ્યુલન્સ છેલ્લા થોડા દિવસોથી ગર્ભવતી મહિલાઓ માટે દેવદૂત સમાન સાબિત થઈ રહી છે. આ અગાઉ 108ની ટીમ દ્વારા રિક્ષા, એમ્બ્યુલન્સ, શૌચાલયમાં પણ સફળ ડિલીવરી કરાવી હતી. ત્યારે વધુ એક વખત રાત્રીના 2 વાગ્યે 108ની ટીમે એમ્બ્યુલન્સમાં સફળ ડિલીવરી કરાવી છે. 108ની આ કામગીરી લોકો માટે ખરા અર્થમાં મદદરૂપ સાબિત થઇ રહી છે. અને લોકો 108ની આ સરાહનીય કામગીરીને બિરદાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.