તબીબની બેદરકારી:અમરોલીની પ્રાણનાથ હોસ્પિટલમાં ગર્ભાશયના ઓપરેશન બાદ તબિયત લથડતા મહિલાનું મોત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુમનબેન ગૌડ - Divya Bhaskar
સુમનબેન ગૌડ
  • તબીબની બેદરકારીના કારણે નસ કપાઈ જતા મોત થયુંં હોવાનો પરિવારનો આક્ષેપ
  • પોલીસે મહિલાના મોતનું સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી

અમરોલીની પ્રાણનાથ હોસ્પિટલમાં ગર્ભાશયના ઓપરેશન માટે દાખલ મહિલાના આપરેશન બાદ તબિયત વધુ લથડતા વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ મહિલાનું મોત નિપજ્યું હતું. મહિલાના મોત બાદ પરિવારજનોએ પ્રાણનાથ હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન તબીબની બેદરકારીના કારણે નસ કપાતા મહિલાનું મોત થયાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. જેથી પોલીસે મહિલાના મોતનુ ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે.

ભરથાણા ગામ રામદર્શન સોસાયટીમાં રહેતા સુમન બબલુ ગૌડ(30)ના પતિ કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સુમનબેનને છેલ્લા 6 મહિનાથી પેટમાં દુઃખાવો થતો હતો. જેથી તેમને સારવાર માટે અમરોલી છાપરાભાઠા રોડ પર આવેલી પ્રાણનાથ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં તેમનુ 4 નવેમ્બરના રોજ ગર્ભાશયનું ઓપરેશન કરાયુંં હતું. જોકે ઓપરેશન બાદ મહિલાની તબિયત વધુ લથડતા તેમને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ જવા કહેવાયું હતું. જેથી તેમને કિરણ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મંગળવારે સવારે તેમનું મોત નિપજ્યું હતું.

સુમનબેનના મોત બાદ પરિવારે પ્રાણનાથ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. પ્રાણનાથ હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન નસ કપાઈ જવાના કારણે સુમનનું મોત નિપજ્યું હોવોનો પરિવારે આક્ષેપ કર્યો હતો. બનાવની જાણ થતા અમરોલી પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને સુમનબેનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જોકે પરિવારે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવાની માંગણી કરી હતી. આખરે પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

સેમ્પલ લીધા છે રિપોર્ટ આવ્યા બાદ કારણ સ્પષ્ટ થશે
​​​​​​​સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગના વડા ડો. ઈલ્યાશ શેખે જણાવ્યું કે, પેનલ પોસ્ટમોર્ટમ કરાયુંં હતું. દર્દીના સેમ્પલ લઈ એફએસએલમાં મોકલ્યા છે. જેનો િરપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

હોસ્પિટલના તબીબોએ પોતાનો પક્ષ મુકવાનું ટાળ્યું
પ્રાણનાથ હોસ્પિટલના તબીબ દ્વારા પહેલી વખત ફોન ઉપાડ્યા બાદ થોડો સમયમાં ફોન કરવાનુ કહેવાયું હતું. જોકે ત્યાર બાદ અનેક વખત ફોન કરવા છતા ફોન ઉપાડવામાં આવ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...