દારૂબંધી ગુજરાતમાં હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાનું અવારનવાર સામે આવે છે. ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં રાત્રિના સમયે એક સગીર વયનો યુવક દારૂનું વેચાણ કરતો હોવાનું અને તેને ત્યાં મોટી સંખ્યામાં પીનારાની લાઈનો લાગતી હોવાનું સામે આવી રહ્યું છે. સગીર દ્વારા દારૂ વેચાણ કરીને ત્યાં જ પીવાની વ્યવસ્થા કરી દેવામાં આવતી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ વાઈરલ થઈ રહેલા વીડિયો અંગે પીઆઈએ કહ્યું કે, આ વાઈરલ વીડિયો અંગેની જાણ અમારા ધ્યાનમાં નથી. અમે રેડ કરતાં હોઈએ છીએ. વાઈરલ વીડિયોની પણ ખરાઈ કરીશું.
નશાના કારોબારમાં ખપાતું દેશનું ભવિષ્ય
ગુજરાતમાં વર્ષોથી દારૂબંધીનો કાયદો અમલી છે. પરંતુ તેમ છતાં ઠેકઠેકાણે છડે ચોક દારૂનું વેચાણ ચોરીછૂપીથી થતું જ રહે છે. તે સૌ કોઈ જાણે છે. પરંતુ આ બધાની વચ્ચે લિંબાયતમાંથી દારૂના વેચાણના અનેક સવાલો ઊભા કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં 12થી 15 વર્ષનો સગીર નશાના કારોબારમાં પોતાનું ભવિષ્ય બગાડતો હોય તેમ દારૂનું વેચાણ કરી રહ્યો છે. આ ઉંમરમાં બાળકના હાથમાં ચોપડી હોવી જોઈએ. અરે, ચોપડી નહીં તો રમતગમતનાં સાધનો હોવાં જોઈએ. પરંતુ તેને દારૂના વેચાણમાં લગાવી દેવામાં આવ્યો છે. બાળક સાથેનો દારૂ વેચાણનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા આજે તંત્ર સામે અને સવાલ અને દેશના ઊભરતા ભવિષ્ય સામે અનેક સવાલ ઊભા થયા છે.
ગૃહરાજ્ય મંત્રી અને રાજ્ય શિક્ષણ મંત્રીના શહેરમાં જ ઊભા થતા પ્રશ્નો
શહેરમાં જ કાયદાના નિયમોનો લીરેલીરા ઊડી રહ્યા છે. બીજી તરફ રાજ્ય શિક્ષણ મંત્રી અને ગૃહમંત્રી પણ સુરતના જ છે. ગુજરાતનાં બાળકોના ઉજ્જ્વળ ભવિષ્યની અને સારું શિક્ષણ મળી રહે તેની જવાબદારી શિક્ષણ મંત્રીની છે. પરંતુ ગુજરાતના રાજ્ય શિક્ષણ મંત્રીના શહેરમાં જ બાળકો-સગીરો અભ્યાસને બદલે રમતગમતને બદલે નશાના કારોબારમાં હોમાઈ રહ્યાં છે. જેને લઇ અનેક સવાલો આજે પ્રશાસન સામે ઊભા થઈ રહ્યા છે.
વીડિયો અંગે મને કોઈ જાણ નથી: લિંબાયત પી. આઈ.
સોશિયલ મીડિયા પર સગીર દ્વારા દારૂના વેચાણ અંગેનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. બી. ઝાલા સાથે દિવ્ય ભાસ્કરે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે વીડિયો અંગે તેમણે જણાવ્યું હતું કે, આવી કોઈ બાબત વિશે મને જાણ નથી. આમ તો દર વખતે અમે રેડ કરીને બંધ જ કરાવીએ છીએ. તેમ છતાં પહેલા તમે મને વીડિયો મોકલો હું જોઉં પછી કહી શકું. જેને લઇ ત્યારબાદ પીઆઇને આ વીડિયો મોકલવામાં આવ્યો હતો. બાદમાં ફરી સંપર્ક કરાતા તેમણે ફોન લેવાના બંધ કરી દીધા હતા અને આ મામલાથી દૂર ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.