દીકરીના લગ્ન અને પિતાની બિમારીને કારણે રિક્ષાચાલકે 4.50 લાખની રકમ 2 ટકા વ્યાજે લઈ 6.44 લાખની રકમ ચુકવી છતાં વ્યાજખોરે 8 લાખની પઠાણી ઉઘરાણી કરી દંપતીને માર મારી ઘરમાંથી તગેડી મુક્યા હતા.રિક્ષાચાલકની ફરિયાદ લઈ ડિંડોલી પોલીસે વ્યાજખોર સંજીવકુમારસીંગ ઉર્ફે ગુડ્ડસીંગ અમરેશસીંગ(રહે,મધુસુદન રો હાઉસ,ગોડાદરા) અને તેનો મિત્ર સંતોષ શાહ(રહે,જીતેષ પાર્ક સોસા,ડિંડોલી) સામે ખંડણી સહિતનો ગુનો નોંધી વ્યાજખોર સંજીવને પકડી પાડ્યો છે.
ડિંડોલીમાં ઉમા રેસીડન્સીના ભાડેના મકાનમાં રહેતા 55 વર્ષીય અજયસિંહ રામસ્નેહી શાહ વર્ષ 2016માં વ્યાજખોર સંજીવ પાસેથી 2 ટકાના વ્યાજે 4.50 લાખની રકમ લીધી હતી. વ્યાજખોરે રિક્ષાચાલકના મકાનનો કબજા સહિતનો વેચાણ કરાર લખાવી લીધો હતો. પછી રિક્ષાચાલકે ટુકડે ટુકડે કરી વ્યાજ અને મુદ્દલ સાથે 6.44 લાખની રકમ ચુકવી છતાં વ્યાજખોર તેની પાસેથી વધારાના 8 લાખની રકમ 4 ટકા વ્યાજે ઉઘરાણી કરી હતી.
ડિંડોલીના સંતોષ શાહે ‘ગોળી માર દુંગા’ કહી ભગાડી મુક્યો : રિક્ષાચાલક
ડિંડોલીમાં રિક્ષાચાલકનું જીતેશ પાર્કમાં માલિકીનું મકાન છે. હાલમાં આ મકાનનો વ્યાજખોર સંજીવકુમારસીંગના મિત્ર સંતોષ શાહે કબજે કરી લીધો છે અને તેમાં તેના બહેન-બનેવી રહેતા હોવાનું ચાલકે જણાવ્યું છે. આરોપી સંતોષે રિક્ષાચાલકને ગોળી માર દુંગા એમ કહી ત્યાંથી ભગાડી મુક્યો હોવાની વાત રિક્ષાચાલકે કરી છે.
કતારગામના મુથ્થુ સ્વામીની ધરપકડ
કતારગામનો ફાઇનાન્સર 10થી 33 ટકા સુધી વ્યાજ લેતો હોવાની હકીકતો એસઓજીને મળતા કતારગામ સિલ્વર એવન્યુ બિલ્ડિંગમાં ફલેટમાં રેડ કરી વ્યાજખોર મુથ્થુસ્વામી રંગાસ્વામી ગૌડર(રહે.રાંદેર)ને પકડી પાડ્યો છે.
લિંબાયતમાં વ્યાજના રૂપિયા કઢાવવા વ્યાજખોરે ઘરનો દસ્તાવેજ લઈ લીધો
લિંબાયત સંજયનગરમાં રહેતી 45 વર્ષીય વિધવા સુનિતા વરછે નવું મકાન બનાવવા ફાઇનાન્સર પ્રેમ પાસે 2 લાખની રકમ વ્યાજે લીધી હતી. 2 લાખની સિક્યુરિટી પેટે વ્યાજખોરે મકાનનો દસ્તાવેજ લઈ લીધો હતો. વિધવાએ 2 લાખની મુદ્દલ ચુકવી દીધી પછી 2.50 લાખ આપ્યા છતાં વ્યાજખોર વધુ 1.20 લાખની માંગણી કરતો અને આ રકમ ન આપે ત્યાં સુધી મકાનનો દસ્તાવેજ ન આપવાની વાત કરતા મહિલાએ લિંબાયત પોલીસમાં ફરિયાદ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.