માસૂમ બાળકો સાથે થતા ગુનાઓની સંખ્યા વધી રહી છે. ત્યારે આ ગુનાઓને અટકાવવા અને આ અંગે બાળકોમાં જાગૃતિ આવે તે માટે સુરત પોલીસે એક અનોખો પ્રયાસ કર્યો છે. નાના બાળકોના અપહરણ, બાળકીઓ સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાઓને જોતા સુરતના ગોડાદરા પોલીસ મથકની ટીમ દ્વારા બાળકોમાં અવેરનેસ આવે અને તેઓ પોતે પણ પોતાની સુરક્ષા કરી શકે તે માટે એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ગોડાદરા પોલીસ મથકના પી.આઈ, પીએસઆઇ અને શી ટીમે મળી ટિફિન બોક્સ પર હેલ્પલાઈન નંબર લખી શાળાના બાળકોને તે વિતરણ કર્યું હતું.
બાળકોમાં જાગૃતિ લાવવા અનોખો પ્રયાસ
સુરતના ગોડાદરા પોલીસ મથકના પીએસઆઇ શીતલ ચૌધરીએ જણાવ્યું હતું કે, તેમને વિચાર આવ્યો કે બાળકોમાં વધુ અવેરનેસ આવે અને તેઓ પોતાનું રક્ષણ પણ કરી શકે તે માટે કંઈક અલગ કરીએ. જેથી તેમણે ટિફિન બોક્સ પર ચાઈલ્ડ હેલ્પલાઈન (1098)નું સ્ટીકર ટિફિન બોક્સ પર ચોંટાડી શાળાના બાળકોને વિતરણ કરવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ તેઓએ ગોડાદરા પોલીસ મથકના પી.આઈ જેસી જાદવ અને શી ટીમ સાથે મળી ગોડાદરાના દેવદ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં જઈ બાળકોને આ ટિફિન બોક્સનું વિતરણ કર્યું હતું.
‘ગુડ ટચ’, ‘બેડ ટચ’ વિશે માહિતી આપી
આ સાથે જ તેમણે બાળકોને ‘ગુડ ટચ’, ‘બેડ ટચ’ જ વિશે માહિતી આપી ચાઈલ્ડ હેલ્પલાઇન નંબરના ઉપયોગ વિશે પણ બાળકોને સમજણ આપી હતી. વાલીઓને પણ સૂચના આપી હતી કે બાળકોને નાસ્તાના ડબ્બા પર કે વોટરબેગ ઉપર આ રીતે હેલ્પલાઇન નંબર ક્યાંતો પોતાના મોબાઇલ નંબર કે સરનામું આ રીતે લખીને યાદ કરાવે જેથી મુશ્કેલીના સમયમાં તેઓને મદદ મળી રહે.
સુરત ગોડાદરા પોલીસ મથકના મહિલા પીએસઆઇ શીતલ ચૌધરીએ કે જેઓ હર હંમેશ ગુનાઓ ઉકેલવાની સાથે સાથે બાળકોમાં ગુડ ટચ બે ટચ વિશે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરતા રહે છે. આ ઉપરાંત સ્કૂલ ,સોસાયટી ,શાળા, દરેક જગ્યાએ સેલ્ફ ડિફેન્સની ટ્રેનીંગ પણ આપતા રહે છે. ત્યારે હવે બાળકોમાં વધુ અવેરનેસ લાવવાના પ્રયાસ સાથે આ નવતર પ્રયોગ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.